ગુજરાતમાં પણ નોંધાયો ચીની વાયરસ HMPVનો પ્રથમ કેસ, બે મહિનાનું બાળક પોઝિટિવ હોવાની સંભાવના
અમદાવાદ, 6 જાન્યુઆરી : ચીનમાં કહેર વર્તાવતા HMPV વાયરસનો પગપેસારો ગુજરાતમાં પણ થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદમાં બે મહિનાના એક બાળકમાં આ પ્રકારના વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. હાલ બાળકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. આ અંગેની જાણ થતાં અમદાવાદ મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. તેમજ રાજ્ય સરકારે પણ તેની ગંભીર નોંધ લઈને કાર્યવાહી શરૂ કરી છે. મહત્વનું છે કે આ વાયરસના કર્ણાટકમાં બે કેસ નોંધાઈ ચુક્યા છે. જેના લીધે દેશવાસીઓમાં ફફડાટ ફેલાયો છે.
બેંગલુરુમાં બે કેસ નોંધાયા
બેંગલુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાનું બાળક અને બીજી ત્રણ મહિનાની બાળકીમાં HMPV વાયરસ મળી આવ્યો છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી. ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે. ખાનગી હોસ્પિટલના આ અહેવાલ પર શંકા કરવાનું કોઈ કારણ જણાતું નથી. નોંધનીય છે કે HMPV સામાન્ય રીતે બાળકોમાં જ જોવા મળે છે. HMPV તમામ ફ્લૂ નમૂનાઓમાં 0.7 ટકા હિસ્સો ધરાવે છે. આ વાયરસનો સ્ટ્રેન શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
HMPV વાયરસ કેટલો ખતરનાક છે?
રિપોર્ટ અનુસાર, HMPV ફ્લૂ જેવા લક્ષણો દર્શાવે છે. તે કોવિડ-19 જેવી જ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની રહ્યું છે. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, ચીનની ડિસિઝ કંન્ટ્રોલ ઓથોરિટીએ શુક્રવારે કહ્યું કે તે અજાણ્યા પ્રકારના ન્યૂમોનિયા માટે સર્વેલન્સ સિસ્ટમ ચલાવી રહ્યું છે. શિયાળામાં શ્વાસ સંબંધી રોગોમાં વધારો થવાની સંભાવના છે. તેની સાથે વ્યવહાર કરવા માટે એક ખાસ પ્રોટોકોલ બનાવવામાં આવ્યો છે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચીની અધિકારીઓ આ વાયરસથી ચિંતિત છે. લોકોને માસ્ક પહેરવા અને વારંવાર હાથ ધોવાની અપીલ કરવામાં આવી રહી છે.
આ વાઈરસના લક્ષણો શું છે?
આ વાઈરસને હ્યુમન હ્યુમન મેટાન્યૂમો વાઈરસ એટલે કે HMPV કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોયછે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતી નાક અથવા ગળામાં દુ:ખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઈરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.