સુરતમાં મોર્નિંગ વોક પર નીકળેલા વેપારી પર ફાયરિંગ


સુરતમાં વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે. મોર્નિંગ વોક પર નીકળેલા વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. બાઈક પર આવેલા ઈસમોએ ફાયરિંગ કરતાં વેપારીને ઈજા પહોંચી હતી. વેપારીને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
ફાયરિંગ થતાં સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો
સરથાણા વિસ્તારમાં આવેલા પરબ રોડ પર સવારના સમયે ઘણા લોકો ચાલવા નીકળતા હોય છે. ત્યારે વેપારી હિરેન મોરડિયા મોર્નિંગ વોક પર નીકળ્યા હતાં. એ દરમિયાન બાઈક પર આવેલા ઈસમોએ ગોળીબાર કરતા આસપાસમાં ડરનો માહોલ પેદા થયો હતો.
વેપારીને ખભાના ભાગે ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા
વેપારીને ખભાના ભાગે ગોળી વાગતાં ઈજાગ્રસ્ત થયા હતા. બાદમાં સ્થાનિકોએ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી તથા ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
સમગ્ર ફાયરિંગની જાણ થતાં સરથાણા પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.