‘આપ’ પાર્ટી ના સીએમ ઉમેદવાર તરીકે ઈશુદાન જાહેર થતા ડીસામાં આતશબાજી
પાલનપુર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી તરીકે ઈશુદાન ગઢવીનું નામ જાહેર કરતા ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આતશબાજી કરી આનંદ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે આ વખતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી ત્રીજા પક્ષ તરીકે ચૂંટણી લડી રહી છે. આમ આદમી પાર્ટી એ દિલ્હી અને પંજાબમાં પ્રચંડ બહુમતીથી સરકાર બનાવ્યા બાદ ગુજરાતમાં પણ તેમનો જુસ્સો બુલંદ છે પાર્ટી દિલ્હી અને પંજાબના મોડલની જેમ ગુજરાતમાં પણ ચૂંટણીની જાહેરાત અગાઉ જ ઉમેદવારોની જાહેરાતો કરી દીધી હતી.હજુ ભાજપ અને કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવવા તે અંગે મોવડી મંડળની બેઠકો યોજી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 108 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નરેન્દ્ર મોદી ના નામથી લડી રહ્યા છે.
આ પણ વાંચો :આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી અંગે શું તમે આ વાત જાણો છો?
જ્યારે કોંગ્રેસે દર વખતની જેમ પોતાનો મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર નહીં કરવાનો મનસુબો બનાવ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પ્રજા સમક્ષ જઈ તેમનો મુખ્યમંત્રી કેવો હોવો જોઈએ તે મુજબનો સર્વે કરી પ્રજાની ઈચ્છા પ્રમાણે મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં પાર્ટીએ સર્વે કરાવતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સહમંત્રી અને ગુજરાતના જાણીતા પત્રકાર તેમજ ગુજરાતી ટીવી ચેનલના તંત્રી ઈશુદાન ગઢવી ને 73% થી વધુ મત મળતા એટલે કે 16.80 લાખ લોકોએ ઈશુદાન ગઢવીને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે તેવો મત આપતા આમ આદમી પાર્ટી એ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈશુદાન ગઢવીના નામની જાહેરાત કરી છે. જેથી ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા સરદારબાગ આગળ ફટાકડા ફોડી ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. જ્યારે એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા અને આનંદ ઉત્સવ મનાવ્યો હતો.