દિલ્હીમાં એમસીડીની ચૂંટણીમાં ‘આપ’નો જલંત વિજય થતા બનાસકાંઠાના દિયોદરમાં આતશબાજી
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે બુધવારે આપ પાર્ટી એ દિલ્હી એમસીડી ના ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવતા ‘આપ’ના કાર્યકરોએ ફટાકડા ફોડીને આતશબાજી કરી જીતની ઉજવણી કરી હતી.દેશની રાજધાની દિલ્હી જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે. જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દિલ્હીની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું હતું.
જેમાં ‘આપ’ પાર્ટીને બહુમતી મળતા પાર્ટીના કાર્યકરો દિલ્હીમાં તો જશ્ન મનાવી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં પણ ‘આપ’ પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહનું મોજું જોવા મળ્યું હતું. દિલ્હીમાં 15 વર્ષ બાદ ભાજપની હાર થઈ છે અને ભાજપના કાંગરા ખર્યા છે. ‘આપ’ના કાર્યકરોમાં દિલ્હી એમસીડી ની ચૂંટણીમાં કેજરીવાલનો જાદુ ચાલી જતા ખુશખુશાલ જણાયા હતા.
‘આપ’ પાર્ટીને 134 બેઠક મળતા બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી અને ‘આપ’ પાર્ટીના કાર્યકરો એ ભેગા થઈને “વંદે માતરમ”, “ભારત માતાકી જય” ના નારા લગાવીને જીતનો જલસો કર્યો હતો. અને ફટાકડા ફોડીને આતશબાજી કરી જીતની ઉજવણી કરી હતી.