ટ્રેન્ડિંગદિવાળી

આ વર્ષે ફટાકડામાં 40 ટકા જેટલો ભાવવધારો : ગ્રાહકોને વધુ એક મોંઘવારીનો માર, જ્યારે વેપારીઓમાં ખુશીની લહેર

Text To Speech

દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારોમાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. કોરોનાની મહામારી અને નિયંત્રણોનાં 2 વર્ષ પછી બજારોમાં દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોરશોરથી ફટાકડા બજારમાં ખરીદી પણ શરૂ થઈ ચૂકી છે. બીજી તરફ રંગ, ફટાકડાના વેપારમાં 2 વર્ષ પછી આ વર્ષે ઉછાળો થવાથી હોલસેલ અને રીટેલ વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. આ ઉપરાંત ખરીદીનાં શોખીન એવાં ગ્રાહકોમાં પણ ઉત્સાહની લહેર ફરી વળી છે. ત્યારે હમ દેખેંગે ન્યુઝની ટીમ અમદાવાદમાં રાયપુર સ્થિત ફટાકડા બજારમાં પહોંચી હતી, જ્યાં ટીમે હોલસેલ અને રીટેલ વેપારીઓ તેમજ ગ્રાહકો સાથે વાતચીત કરી હતી.

આ પણ વાંચો : દિવાળીમાં ઘરે જ બનાવો આ સુગર ફ્રી મીઠાઈ : ડાયાબિટીસના દર્દીઓને પણ કરાવો મોં મીઠાં

Diwali - Hum Dekhenge News

આ વર્ષે 40 ટકા જેટલો ભાવવધારો થયો છે

રાયપુરમાં આવેલ અન્નપૂર્ણા ટ્રેડર્સનાં માલિક દેવાંગભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે આ વર્ષે ફટાકડાનાં ભાવમાં 40 ટકા જેટલો વધારો થયો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે ગયા વર્ષ કરતાં ઓછું પ્રોડક્શન થયું છે, જેથી પ્રોડક્શનનાં અભાવે આ વર્ષે નવી આઈટમોમાં પણ ઓછો જથ્થો જોવાં મળી રહ્યો છે. દેવાંગભાઈએ ઉમેર્યું હતુ કે આ વર્ષે કોરોનાની મહામારી અને નિયંત્રણોનાં 2 વર્ષ પછી બજારોમાં ખરેખર દિવાળી જેવો માહોલ બન્યો છે. છેલ્લાં 2 વર્ષથી કોરોનાનાં લીધે તેમનાં ધંધા ઉપર આર્થિક રીતે બહુ અસર પડી હતી, જે આ વર્ષે કદાચ સ્થિતિ સુધરશે, તેવું તેમને લાગી રહ્યું છે.

Diwali - Hum Dekhenge News

ચાઈનીઝ ફટાકડાનો બહિષ્કાર

દેવાંગભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે આ વર્ષે  Vocal For Local ને ધ્યાનમાં લઈને ચાઈનીઝ ફટાકડાઓ ઈમ્પોર્ટ કર્યા જ નથી. દર વર્ષે ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ બોમ્બ અને ચાઈનીઝ રોકેટની ઘણી માંગ રેહતી હોય છે, પરંતુ આ વર્ષે સંપૂર્ણ રીતે સ્વદેશી વસ્તુઓ જ મંગાવી છે, જેથી આત્મનિર્ભર ભારતનું મિશન આગળ વધે. આ ઉપરાંત  તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે બાળકોનાં ફટાકડાની ડિમાન્ડ સૌથી વધુ છે.જેમાં, ઈગલ,અનનોન અને સોની કંપનીની પીસ્તોલો વધુ વેચાઈ રહી છે.પરંતુ તેનાં પ્રોડક્શનમાં પણ ઘટાડો થતાં તેનાં સ્ટોકમાં પણ અછત સર્જાઈ છે. આ સિવાય તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે પેટ્રોલિયમ પ્રોડક્ટસનાં ભાવમાં વધારો થતાં દારુખાનું કે જે પેટ્રોલિયમ પ્રોડક્ટ આઘારિત છે તેથી તેનાં ભાવમાં વધારો થતાં ફટાકડાનાં ભાવમાં વધારો થયો છે. પરંતુ, આ ઉપરાંત પણ આ વર્ષે માર્કેટમાં દર વર્ષ કરતાં 10 થી 20 ટકા વધારે નફો થવાનો અંદાજ છે.

Diwali - Hum Dekhenge News

છૂટક વેપારીઓની હાલત કફોડી

હમ દેખેંગે ન્યુઝની ટીમે એક છૂટક વેપારી દાડમબેન સાથે વાત કરતાં તેમણે તેમની સ્થિતિ વિશે જણાવ્યું હતું કે તેમના જેવાં નાના અને છૂટક વેપારીઓની હાલત આ વર્ષે બહુ જ ખરાબ છે. દાડમબેનએ કહ્યું હતું કે હોલસેલ માર્કેટમાં 40 ટકાનો ભાવવધારો થતાં તેમને હોલસેલ વેપારીઓ પાસેથી વધુ 10 ટકાનાં ભાવથી ફટાકડા ખરીદવા પડે છે, તેથી તેમનાં માટે આ ભાવવધારો સીધો 50 ટકાએ પહોંચી જાય છે. તેથી જ તેમને તેમાં નફો ઉમેરી ગ્રાહકોને ફટાકડા વેચવા મુશ્કેલ બને છે. મોટાભાગનાં ગ્રાહકો વધારે ભાવ સાંભળીને જ જતા રહે છે માટે દાડમબેનએ આ રીટેલ ખરીદી ઉપર તેમનાં જેવાં નાના વેપારીઓને રાહત મળે તેવો વેપારીઓને અને સરકાકને અનુરોધ કર્યો છે. આ સિવાય આવા નાના વેપારીઓ રોડ ઉપર કામચલાઉ ધોરણે દુકાનો ઊભી કરતાં હોવાથી તેમને પોલિસને પણ હપ્તા આપવા પડે છે, જે તેમના માટે આર્થિક શોષણ બને છે.

Diwali - Hum Dekhenge News

આ ઉપરાંત દાડમબેનએ કહ્યું હતુ કે આ વર્ષે પણ નાના બાળકોનાં ફટાકડાની માંગ સૌથી વધુ છે, તેમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ POP UPની માંગમાં ઘણો વધારો જોવાં મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે દાડમબેનએ દિવાળી સિવાયનાં દિવસોમાં શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે, અને જ્યારે દિવાળી આવે ત્યારે તેઓ કામચલાઉ ધોરણે ફટાકડાની નાની દુકાન ઊભી કરી ફટાકડા વેચે છે.

Diwali - Hum Dekhenge News

ગ્રાહકોને મોંઘવારીનો માર

હમ દેખેંગે ન્યુઝની ટીમે ત્યાં ખરીદી કરવા આવેલા એક ગ્રાહક નરેન્દ્રભાઈ સાથે પણ વાતચીત કરી હતી. તે વાતચીતમાં નરેન્દ્રભાઈએ એક ગ્રાહક તરીકે પોતાની વ્યથા સંભળાવી હતી. નરેન્દ્રભાઈએ તમામ વાતચીત સરકાર અને મોંઘવારીને મધ્યમાં રાખીને કરી હતી. નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે કોરોના બાદની પહેલી દિવાળી હોવાથી ઉત્સાહ ચોક્ક્સ છે, પરંતુ એ ઉત્સાહ થોડો ફિક્કો છે. કારણ કે સરકારે બીજી વસ્તુઓ સાથે હવે ફટાકડામાં પણ ભાવવધારો ઝીંક્યો છે. નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે સરકાર ચૂંટણી આવતાં તેની રેવડી પ્રસાદી આપી જનતાને લાલચ આપી રહી છે. સરકારે ભલે CNG અને LPG  નાં ભાવ ઘટાડ્યાં હોય અને ભલે લોકોને 2 સિલિન્ડર ફ્રી આપવનો વાયદો કર્યો હોય પરંતુ સરકાર પેટ્રોલિયમ પ્રોડક્ટસનાં ભાવમાં ઘટાડો કરતી નથી, તેથી ફટાકડાનાં ભાવ વધ્યાં છે, જેને લીધે તેમનાં જેવાં સામન્ય માણસને આટલાં મોંધા ફટાકડા ખરીદવામાં મુશ્કેલી પડે છે.

Diwali - Hum Dekhenge News

નરેન્દ્રભાઈએ વધુમાં જણાવ્યું હતું કે સરકારે માત્ર ફટાકડા જ નહીં પરંતુ ફટાકડા ઉપરાંત મીઠાઈઓ અને ફરસાણમાં પણ ભાવવધારો કર્યો છે, જેથી તેમનાં જેવી સામાન્ય જનતા માટે દિવાળીનો તેહવાર ઊજવવો ઘણો કઠીન છે. તેમણે છેલ્લે ઉમેર્યું હતુ કે ભલે ભાવવધારો થયો હોય પણ બાળકોની ખુશી માટે થોડી ખરીદી તો કરવી જ પડે છે, ભલે ને તમારું બજેટ ન હોય…

આમ, આ દિવાળીનાં તહેવાર સમયે બજારોનાં વેપારીઓમાં ખુશી તો ગ્રાહકોમાં મોંઘવારીની ચિંતા…..જેવો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.

Back to top button