રાજકોટમાં આવેલ 1200 મિલકતોમાં ફાયર NOC નથી લેવાયા, મનપાની તપાસમાં ખુલાસો
- રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યમાં ફાયર સેફ્ટીની તપાસ હાથ ધરવામાં આવી
- મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટીને લઈને ઢગલાબંધ એકમો સીલ કર્યા
- અત્યાર સુધીમાં 250 થી વધુ મિલકતો સીલ કરવામાં આવી છે
રાજકોટમાં મનપાની તપાસમાં ખુલાસો થયો છે કે શહેરમાં આવેલ 1200 મિલકતોમાં ફાયર NOC લેવાયા નથી. આ તમામ મિલકતો સામે કાર્યવાહી થાય તેવી શક્યતા છે. અત્યાર સુધીમાં 250 થી વધુ મિલકતો સીલ કરવામાં આવી છે. ફાયર NOCની મજૂરી બાદ સીલ ખોલી દેવાશે.
સીલ થયેલી 250 મિલકતો ખોલાવવા માટે RMCમાં અરજી
રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યમાં ફાયર સેફ્ટીની તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં સતત બીજા દિવસે પણ મનપા એકશન મોડમાં જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કુલ 350 એકમોની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં 50 ટકાથી વધુ એકમોમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનું સામે આવ્યુ છે. અત્યાર સુધીમાં 250 થી વધુ મિલકતો સીલ કરવામાં આવી છે. હવે આ તમામ સીલ કરાયેલી મિલકતોને ફરી ખોલાવવા માટે ધમપછાડા શરૂ થયા છે. સીલ થયેલી 250 મિલકતો ખોલાવવા માટે RMCમાં અરજીનો ઢગલો થયો છે વહેલામાં વહેલી સીલ કરાયેલી મિલકતો ફરી ખોલવામા આવે તે માટે ફાયર NOCની મંજૂરી જરૂરી છે.
મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટીને લઈને ઢગલાબંધ એકમો સીલ કર્યા
રાજકોટ અગ્નિકાંડ બાદમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટીને લઈને ઢગલાબંધ એકમો સીલ કર્યા હતા. ત્યારે, મહાપાલિકા દ્વારા 161 એકમોની ચકાસણી કરી 80 એકમો સીલ કર્યા હતા. અને વિવિધ વોર્ડની ટીમોએ ફાયર એન.ઓ.સી. અને બી.યુ. સર્ટિફિકેટ બાબતે કુલ 46 એકમોની ચકાસણી કરી હતી અને તેમાં કુલ 17 સંકુલો સીલ કરવામાં આવ્યા છે. ત્યારે હવે, જાણવા મળી રહ્યું છે કે રાજકોટ મહાપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલ એકમો માંથી કેટલાક એકમોને ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે. રાજકોટ મહાપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલી 70 શાળા સહિત 150 થી વધુ એકમોના સિલીંગ ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે. ફાયર સિસ્ટમના ઇન્સ્ટોલેશન માટે સીલ ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે.