અમદાવાદમાં પરિમલ ગાર્ડન પાસે આગ, ફાયર વિભાગનું દિલધડક રેસ્ક્યૂં
અમદાવાદમાં પરિમલ ગાર્ડન પાસે આગ લાગ્યાની ઘટના ઘટી છે. ગાર્ડન નજીક આવેલા દેવ કોમ્પલેક્ષના ત્રીજા માળે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ખાનગી ઓફિસના સર્વરરૂમમાં આગની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાની શરૂઆત કરી હતી. મોટી જાનહાની ન થાય અને લોકોને સુરક્ષિત બહાર કાઢવા ક્રેઇન વડે દીવાલ તોડવામાં આવી હતી. તો બીજી તરફ આ બિલ્ડિંગમાં હોસ્પિટલ પણ આવેલી હોવાથી ચિંતાનો માહોલ છવાયો હતો. જો કે ફાયર વિભાગે યુદ્ધના ધોરણો કાર્યવાહી કરી હતી અને બાળકો સહિત 70 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું.
પરિમલ ગાર્ડન પાસે આવેલ એપલ હૉસ્પિટલ વાળા કોમ્પલેક્ષમાં આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ તરફ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે આ ઘટનામાં ફાયરના જવાનો દ્વારા કોમ્પલેક્ષમાં આવેલી હોસ્પિટલમાંથી 13 નવજાત બાળકોનું પણ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
આ આગ અંગે ફાયર ચીફ અધિકારીના કહેવા મુજબ, કોમ્પલેક્ષના ત્રીજા માળે આવેલી એકાઉન્ટ ઓફિસમાં આગ લાગી હતી. પ્લાય વુડ અને સી ફોર્મ પુષ્કળ પ્રમાણમાં હોવાથી આગ વધુ લાગી હતી. ઉપરના માળે હોસ્પિટલમાં દર્દીઓ હતા તેમને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત ફાયર સિસ્ટમ બિલ્ડિંગમાં હાજર હતી અને તે ચાલુ હતી. 70 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બાળકો સહિતના લોકોને બચાવ્યા બાદ ફાયર વિભાગની ટીમે પાણીનો સતત મારો ચલાવી આગ બુજાવવાની કામગીરી કરી હતી. હાઇડ્રોલિક ક્રેન દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જો કે, આગ ક્યા કારણે લાગી તે તપાસ થશે પછી જાણવા મળશે. આ અંગે એસ્ટેટ વિભાગને માહિતી આપી કાર્યવાહી કરવામાં આવશે.