અમદાવાદગુજરાત

અમદાવાદના નારોલમાં મેડિકલના ગોડાઉનમાં લાગેલી આગ 6 કલાકની જહેમત બાદ કાબુમાં આવી

Text To Speech

અમદાવાદ, 2 જાન્યુઆરી 2024, શહેરના નારોલ વિસ્તારમાં શ્રીનાથ એસ્ટેટમાં મેડિકલના ગોડાઉનમાં મોડી રાત્રે લાગેલી ભીષણ આગ લાગી હતી. મોડી રાત્રે ફાયરબ્રિગેડની કુલ 18 જેટલી ગાડીઓ અને 50થી વધુ ફાયરના જવાનોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. મોડી રાત્રે લાગેલી આગ વહેલી સવારે પાંચ વાગ્યે કાબુમાં આવી હતી. 6 કલાકની ભારે જહેમત બાદ મેડિકલના ગોડાઉનમાં લાગેલી આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી.

પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી
પ્રાપ્ત માહિતી પ્રમાણે મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો કે, શહેરના નારોલ વિસ્તારમાં કાદમવાડા ફેક્ટરીની સામે આવેલા શ્રીનાથ એસ્ટેટના એક ગોડાઉનમાં આગ લાગી છે. જેથી ફાયરબ્રિગેડની પ્રથમ ચાર જેટલી ગાડીઓ સ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચતા આગ વિકરાળ જોવા મળી હતી. મેડિકલનું ગોડાઉન હોવાથી દવા બનાવવા માટે વપરાતું કેમિકલ, પતરા, શેડ સહિતની જગ્યાએ આગ લાગી હતી. જેથી આગ ભીષણ બનતા ફાયરબ્રિગેડની કુલ 18 જેટલી ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહિતનો 50 કર્મીના સ્ટાફ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી.

આગનું કારણ જાણવા માટે એફએસએલને બોલાવી
શ્રીનાથ એસ્ટેટમાં આવેલા અપૂર્વ એન્ટરપ્રાઇઝ નામના આ મેડિકલના ગોડાઉનમાં સોલ્વન્ટનું કેમિકલ પણ હતું. જેના કારણે આગ વધુ વિકરાળ બની હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા વહેલી સવારે 5 વાગ્યા સુધી જેહમત બાદ આગ કાબુમાં આવી હતી. ત્યારબાદ બે કલાક કુલિંગ કરવાની કામગીરી પણ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આગનું કારણ જાણવા માટે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા એફએસએલને બોલાવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ગુજરાતના 14 જિલ્લામાં સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બન્યા

Back to top button