અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ગાંધીનગરની દિલ્હી પબ્લિક સ્કૂલમાં ભીષણ આગ, વેકેશન હોવાથી મોટી દુર્ઘટના ટળી

Text To Speech

ગાંધીનગર, 31 મે 2024, રાજકોટનો અગ્નિકાંડ હવે વધુ ચર્ચાવા માંડ્યો છે. તેવામાં ગાંધીનગરના કોબા અડાલજ રોડ પર આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ ખાતે એસીમાં શોટ સર્કિટના કારણે પીવીસી સીલિંગના સ્ટ્રક્ચર વાળી એડમિન ઓફિસમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં ઓફિસનું ટેબલ ખુરશી સહીતનું ફર્નિચર તેમજ કોમ્પ્યુટરો ઉપરાંતનો સર સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી આગને વધુ પ્રસરતા અટકાવી દેવામાં આવી હતી. જો કે સદનસીબે સ્કૂલમાં વેકેશન હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

ACમાં શોટ સર્કિટનાં કારણે આગ ભભૂકી ઉઠી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગરનાં કોબા અડાલજ રોડ પર આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ ખાતે લાગેલી ભીષણ આગમાં એડ્મિન ઓફિસ બળીને ખાખ થઈ ગઈ છે. એડમીન ઓફિસના ACમાં શોટ સર્કિટનાં કારણે આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે સમગ્ર એડમીન ઓફિસને ઝપેટમાં લઈ લીધી હતી.અહીં પીવીસી સીલિંગ વાળી ઓફિસમાં ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટેબલ ખુરશી સહિતનું ફર્નિચર, કોમ્પ્યુટર, સ્ટેશનરી સહિતનો સર સામાન ભડભડ સળગવા લાગ્યો હતો. ચીફ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તુરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને સ્કૂલમાં કાર્યરત ફાયર સિસ્ટમની મદદથી આગને પ્રસરતા અટકાવી દેવામાં આવી હતી.

ફર્નિચર, કોમ્પ્યુટર સહિતનો સામાન સળગી ગયો
સ્કૂલમાં વેકેશન હોવાથી સદનસીબે વિધાર્થીઓ સ્કૂલમાં હાજર ન હતા.આ અંગે ચીફ ફાયર ઓફિસર દસ્તૂરે જણાવ્યું હતું કે, એસીમાં શોટ સર્કિટના કારણે આગ લાગતા એડમીન ઓફિસમાં આગ લાગી હતી. જેમાં ફર્નિચર, કોમ્પ્યુટર સહિતનો સામાન સળગી ગયો હતો. વેકેશનનો માહોલ હોવાથી વિધાર્થીઓ સ્કૂલમાં નહોતા. આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્કૂલની ફાયર સિસ્ટમ ચાલુ હાલતમાં હોવાથી એનાથી જ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃહિંમતનગરના મોતીપુરામાં સાબરમતી ગેસની પાઈપ લાઈનમાં આગ લાગી, ટ્રાફિક જામ

Back to top button