ધ્રાંગધ્રાના બજારમાં 15 જેટલી દુકાનોમાં આગ ભભૂકી ઊઠી
- વહેલી સવારે પાંચ વાગ્યે દુકાનોમાં આગ લાગી
- દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ
- સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી
ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર: આજે વહેલી સવારે રાજકમલ ચોકમાં આગ ફાટી નીકળતા 15 જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ આર્મી અને ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત, સ્થિતિને કાબૂમાં લેવા માટે સેનાના 50 જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. આગ લાગવાની ઘટનાને પગલે બજારમાં અફરાતફરી સર્જાઈ હતી. દુકાનો આગની ઝપેટમાં આવતા મોટાપાયે નુકસાન થયાનું કહેવામાં આવી રહ્યું છે.
#WATCH सुरेंद्रनगर (गुजरात): ध्रांगध्रा शहर के राजकमल चौक पर 10 से अधिक दुकानों में आग लगी। दमकल की गाड़ियां मौके पर मौजूद हैं। अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/54LfmCeJ4T
— ANI_HindiNews (@AHindinews) November 7, 2023
મળતી માહિતી અનુસાર સવારે પાંચ વાગ્યે વેદાંત કોમ્પલેક્ષમાં આગ લાગી હતી. જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક પછી એક દુકાનો આગની પ્રચંડ જ્વાળાઓની લપેટમાં આવવા લાગી હતી અને આમ 10 થી 15 જેટલી દુકાનોમાં આગ પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સાણંદ, વિરમગામ અને ધંધુકાની ફાયર ટીમો પણ દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સતત 5 કલાકથી બેકાબૂ બનેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગે ખૂબ જહેમત ઉઠાવવી પડી હતી.
આ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, આ આગ પાછળનું ચોક્કસ કારણ એફએસએલના રિપોર્ટમાં જાણવા મળશે. ફાયર બિગ્રેડના અધિકારીના જણાવ્યા અનુસાર, હજી સુધી આગને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયાની શક્યતા વર્તાઈ રહી છે. દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આગના લીધે વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ અંગે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ઈરાન : નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગિસ મોહમ્મદી દ્વારા જેલમાં ભૂખ હડતાળ