વડોદરામાં ફાયર બ્રિગેડનું ટેન્કર પલટી ખાઈ ગયું, એક યુવતી માંડ માંડ બચી
વડોદરા, 20 જુલાઈ 2024, શહેરોમાં પુરપાટ ઝડપે ચાલતા ભારે વાહનો અકસ્માતો સર્જી રહ્યાં છે. ત્યારે વડોદરા શહેરના ડભોઈ રોડ પર ફાયર બ્રિગેડનું પાણી ભરેલું ટેન્કર અચાનક પલટી ખાઈ ગયું હતું. આ ટેન્કર પલટી ખાતા કેટલાક ટુ વ્હિલર ચાલકો પણ તેની અડફેટમાં આવ્યા હતાં.આ અકસ્માતમાં એક યુવતી માંડ માંડ બચી હતી. રોડ પર ટેન્કરમાંથી પાણી નીકળી જતાં રેલમછેલના દ્રશ્યો જોવા મળ્યા હતાં.
અકસ્માતની આ ઘટનાના CCTV પણ સામે આવ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરામાં ગાજરાવાડીથી ટેન્કરનો ડ્રાઇવર અને સબ ફાયર ઓફિસર બંને સાથે નીકળ્યા હતા. આ સમયે ડભોઇ રોડ સ્થિત ગણેશનગર પાસે ટર્ન લેતા સમયે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલું ટેન્કર પલટી ખાઈ જતું દેખાય છે અને ટેન્કરચાલક ટેન્કરમાંથી બહાર આવતો પણ દેખાય છે. રોષે ભરાયેલા ટોળાએ સબ ફાયર ઓફિસર જાસ્મિન પટેલને પકડી દુકાનમાં બેસાડી દીધા હતા. આ બનાવની જાણ સ્થાનિક ફાયર સ્ટેશન ઓફિસરને થતાં ફાયરના અધિકારી અમિત ચૌધરી સ્થળ પર પહોંચી ગયા હતા. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
આસપાસના લોકોનાં ટોળેટોળાં એકત્ર થઈ ગયાં
આ ઘટનાને પગલે આસપાસના લોકોનાં ટોળેટોળાં એકત્ર થઈ ગયાં હતાં અને ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં અને લોકોમાં ટેન્કરના ડ્રાઇવર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. પાણીગેટ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી છે તેઓ પણ આ મામલે તપાસ કરી રહ્યા છે. વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. ઘણા અકસ્માતોમાં તો લોકો પોતાના જીવ પણ ગુમાવે છે. જોકે આજે થયેલા અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી ગઈ હતી.
આ પણ વાંચોઃવડોદરામાં સ્કૂલમાં ચાલુ ક્લાસે દીવાલ પડી, પાંચ વિદ્યાર્થી 10 ફૂટ નીચે પટકાયા