તાજ એક્સપ્રેસના ત્રણ ડબામાં આગ ફાટી નીકળી, જૂઓ વીડિયો


નવી દિલ્હી, 3 જૂનઃ દિલ્હીના ઓખલા સ્ટેશન નજીક આજે સાંજે તાજ એક્સપ્રેસ ટ્રેનમાં આગ ફાટી નીકળી હતી. જોકે, ટ્રેન ઊભેલી હોવાથી તત્કાળ તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા જેને કારણે કોઈ જાનહાની થઈ નહોતી.
View this post on Instagram
ઉત્તર રેલવેએ આ ઘટના અંગે જણાવ્યું કે, તાજ એક્સપ્રેસ ટ્રેન નં. 2280 ઓખલા – તુગલકાબાદ સ્ટેશને પહોંચીને ઊભી રહી ત્યારે જ તેમાં આગ ફાટી નીકળી હતી. પહેલાં આગ બે ડબામાં લાગી પરંતુ પછી એ બીજા એક ડબામાં પણ ફેલાઈ હતી. રેલવે તંત્રે તત્કાળ આગ લાગેલા ડબા બાકી ટ્રેનથી અલગ કરી દીધા હતા જેને કારણે વધારે નુકસાન થયું નહોતું.
આ ઘટના અંગે દિલ્હીના ફાયર વિભાગે જણાવ્યું કે, અમને બપોરે આશરે 4.25 વાગ્યે તાજ એક્સપ્રેસમાં આગ લાગી હોવાનો કૉલ મળ્યો હતો. અમે તરત જ આઠ વાહનો સ્થળ પર રવાના કર્યા હતા અને આગ ઉપર નિયંત્રણ મેળવવાના પ્રયાસ ચાલુ છે.
હજુ થોડા દિવસ પહેલાં જ મુંબઈથી ગોરખપુર જઈ રહેલી ગોદાન એક્સપ્રેસમાં આવી જ રીતે આગ લાગી ગઈ હતી. ટ્રેન મુંબઈથી નીકળીને નાસિક રોડ સ્ટેશને પહોંચી ત્યારે સર-સામાન ભરેલા ટ્રેનના છેલ્લા ડબામાં આગ લાગી હતી.
આજે દિલ્હી નજીક તાજ એક્સપ્રેસમાં આગ લાગતાં એવાં જ દૃશ્યો સર્જાયાં હતાં. જોકે, રેલવે તંત્રની સતર્કતાને કારણે કોઈ જાનહાની થઈ નથી.
આ પણ વાંચોઃ રેલવે આપી રહી છે 45 પૈસામાં 10 લાખ રૂપિયાનો વીમો, જાણો અરજીથી લઈને ક્લેમ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા