અમદાવાદના પીપળજમાં હર્ષ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં આગ, ફાયરની સાત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

અમદાવાદ, 17 ફેબ્રુઆરી 2026: અમદાવાદના પીપળજ ગામ નજીક આવેલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આગ લાગવાની ઘટના બની છે. મળતી વિગત અનુસાર, હર્ષ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં આગ લાગી છે. જેના પગલે ફાયર બ્રિગેડની સાત જેટલી ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે. કંપનીમાં કેમિકલ અને ઓઇલ હોવાના કારણે ખૂબ મોટા પ્રમાણમાં આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
પીપળજ નજીક કેમિકલ અને ઓઇલ કંપનીમાં આગ લાગી હોવાના પગલે આગના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે. બે કિલોમીટર દૂર લોકોને આગના ધુમાડા જોવા મળી રહ્યા છે અને એટલી વિકરાળ આગ છે કે, બે કિમીથી લોકો આગની જ્વાળા પણ જોઈ શકે છે, ફાયર બ્રિગેડની ટીમો હાલ ઘટના સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા છે.
આગ એટલી વિકરાળ બની ગઈ છે કે રોડ સુધી આગ પહોંચી ગઈ હતી, જેના કારણે રોડ પરનો અવર-જવરનો રસ્તો બંધ કરી દેવો પડ્યો છે. ફાયર બ્રિગેડની ટીમના જવાનો પણ ખૂબ દૂરથી પાણીનો માળો ચલાવી રહ્યા છે. કેમિકલ અને ઓઇલ હોવાના કારણે આગ વધારે ફેલાઈ છે.












