1 કરોડની ખંડણી માંગવાના આરોપમાં ફસાયા પપ્પુ યાદવ, સાંસદ વિરુદ્ધ નોંધાઈ FIR
- ખંડણીની રકમ નહીં ચૂકવે તો વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી
પટના, 11 જૂન: બિહારના પૂર્ણિયાથી નવા ચૂંટાયેલા સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ વિરુદ્ધ 10 જૂને FIR નોંધવામાં આવી છે. FIRમાં પપ્પુ યાદવ પર એક બિઝનેસમેન પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ખંડણીની રકમ નહીં ચૂકવે તો વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બાબતે ફરિયાદ કરનાર વેપારી પૂર્ણિયામાં ફર્નિચરનો વ્યવસાય કરે છે. વેપારીએ પોતાની લેખિત અરજીમાં જણાવ્યું છે કે, 4 જૂને મતગણતરી સમયે પપ્પુ યાદવે તેને પોતાના ઘરે બોલાવ્યો અને 1 કરોડ રૂપિયા આપવા કહ્યું. જો તે 1 કરોડ રૂપિયા નહીં આપે તો તેને મારી નાખવામાં આવશે. વેપારીને એમ પણ કહેવામાં આવ્યું હતું કે, જો તે આગામી 5 વર્ષ સુધી શાંતિથી જીવવા માંગે છે તો તેણે ખંડણી કર ચૂકવવો પડશે. નહીં તો તેણે પૂર્ણિયા છોડી દેવી જોઈએ.
देश प्रदेश की राजनीति में मेरे बढ़ते प्रभाव और आम लोगों के बढ़ते स्नेह से परेशान लोगों ने आज
पूर्णिया में घृणित षड्यंत्र रचा है। एक अधिकारी और विरोधियों के इस साज़िश को पूर्ण रूप से बेनक़ाब करेंगे।सुप्रीम कोर्ट के अधीन इसकी निष्पक्ष जांच करवाई जाय, जो दोषी हो उसे फांसी दे दें।
— Pappu Yadav (@pappuyadavjapl) June 10, 2024
વેપારી પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી
પોલીસને ફરિયાદ કરતા વેપારીએ જણાવ્યું કે, 2 એપ્રિલ, 2021ના રોજ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ દ્વારા તેની પાસેથી 10 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી હતી. આ સિવાય બિઝનેસમેને એ પણ જણાવ્યું હતું કે, વર્ષ 2023માં દુર્ગા પૂજા દરમિયાન વોટ્સએપ કોલ પર તેની પાસેથી 15 લાખ રૂપિયા અને બે સોફા સેટની માંગની સાથે-સાથે ધમકીઓ અને અપશબ્દો પણ કરવામાં આવ્યા હતા. ફરિયાદના આધારે, પૂર્ણિયાના મુફસ્સિલ પોલીસ સ્ટેશનમાં સાંસદ પપ્પુ યાદવ અને તેમના નજીકના સાથી અમિત યાદવ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 385/504/506/34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે સાંસદ પપ્પુ યાદવે પ્રતિક્રિયા આપતાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું કે, આજે દેશ અને પ્રદેશની રાજનીતિમાં મારા વધતા જતા પ્રભાવ અને સામાન્ય લોકોના વધતા પ્રેમથી પરેશાન લોકોએ પૂર્ણિયામાં ઘૃણાસ્પદ ષડયંત્ર રચ્યું છે. એક અધિકારી અને વિરોધીઓના આ ષડયંત્રનો પર્દાફાશ થશે. સુપ્રીમ કોર્ટ હેઠળ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જે પણ દોષિત હોય તેને ફાંસી આપવી જોઈએ.”
તાજેતરમાં સાંસદ બન્યા
પપ્પુ યાદવ હાલમાં જ પૂર્ણિયા સીટ પરથી જીતીને સાંસદ બન્યા છે અને સાંસદ બનતાની સાથે જ તેમના પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. પપ્પુ યાદવે પૂર્ણિયાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. જેમાં તેમને 5.67 લાખથી વધુ વોટ મળ્યા હતા, જ્યારે જેડીયુના ઉમેદવારને 5.43 લાખ વોટ મળ્યા હતા. આરજેડી તરફથી ચૂંટણી લડી રહેલી બીમા ભારતીને અહીંથી માત્ર 27,120 વોટ જ મળ્યા છે.
આ પણ જુઓ: કેબિનેટના વિભાગોના એલાન બાદ સરકાર એક્શનમાં, મંત્રીઓ કયારથી ચાર્જ સંભાળશે? જાણો