NIA સામે FIR દાખલ, TMC નેતાની પત્નીએ કરી હતી ફરિયાદ
પશ્ચિમ બંગાળ, 7 એપ્રિલ : NIA પર હુમલાના કિસ્સામાં, પશ્ચિમ બંગાળ પોલીસે NIA અધિકારીઓ વિરુદ્ધ જ કેસ નોંધ્યો. ભૂપતિનગર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 325, 34, 354, 354(બી), 427, 448, 509 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. TMC નેતાની પત્નીની ફરિયાદ પર NIA ટીમ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. ટીએમસી નેતા મોનોબ્રતા ઝાના પત્નીએ NIA પર આરોપ લગાવ્યો હતો કે NIA અધિકારીઓએ ઘરમાં ઘૂસીને તેની સાથે મારપીટ કરી હતી.
શું હતો સમગ્ર મામલો?
વર્ષ 2022માં થયેલા બોમ્બ વિસ્ફોટની તપાસ માટે NIAની ટીમ પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના ભૂપતિનગર ગઈ હતી. આરોપીઓની ધરપકડ દરમિયાન ગ્રામજનોએ NIA ટીમ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન ગ્રામજનોએ પથ્થરમારો પણ કર્યો હતો. હુમલામાં NIAના ઘણા અધિકારીઓ ઘાયલ થયા હતા.
આ સમગ્ર મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે NIAની ટીમ પર હુમલો થયો નથી. NIAએ જ મહિલાઓ પર હુમલો કર્યો. ઉલ્લેખનીય છે કે, ભૂપતિનગર બ્લાસ્ટ કેસમાં દરોડા પાડવા આવેલી NIAની ટીમ પર ગયા શનિવારે હુમલો કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ NIA પર જ સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે NIAની ટીમે રાત્રે દરોડા કેમ પાડ્યા? પોલીસને જાણ કરવામાં આવી હતી?