BJP IT સેલના વડા અમિત માલવિયા વિરુદ્ધ કરાઈ FIR, રાહુલ ગાંધી વિશે કર્યુ હતુ ટ્વિટ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરીને વિવાદાસ્પદ ટ્વિટ કરવા બદલ બેંગલુરુમાં BJP IT સેલના વડા અમિત માલવિયા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. માલવિયાના ટ્વીટને લઈને કોંગ્રેસના નેતાઓ વતી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ એફઆઈઆર નોંધવામાં આવી છે. માલવિયા પર આરોપ છે કે તેમણે રાહુલ ગાંધીને હિન્દુ સંસ્કૃતિ અને ભારત વિરુદ્ધ દર્શાવ્યા છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે બીજેપી નેતા માલવિયાએ રાહુલ ગાંધીના ભાષણમાં ફેરફાર કરીને જુઠ્ઠાણું પીરસવાનું કામ કર્યું છે.
કોણે નોંધાવી ભાજપ વિરુદ્ધ FIR?
મહત્વનું છે કે કોંગ્રેસ નેતા રમેશ બાબુએ અમિત માલવિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ટ્વિટ કરવામાં આવેલો વીડિયો સામાજિક અન્યાય વિરુદ્ધ છે. તેમણે રાહુલ ગાંધી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને આંતરરાષ્ટ્રીય મીડિયા વચ્ચે એક સંબંધ દર્શાવ્યો છે. વીડિયોમાં તેમણે બતાવ્યું છે કે કોંગ્રેસ માત્ર લઘુમતીઓનું સમર્થન કરે છે.
BJP પર રાહુલ ગાંધીની છબી ખરાબ કરવાનો આરોપ
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, “ટ્વીટમાં રાહુલ ગાંધીના ભાષણોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે તેઓ સમાજમાં ભાગલા પાડવા અને સમાજમાં નફરત ફેલાવવા માંગે છે. આનાથી રાહુલ ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની છબી અને તેમના સન્માનને કલંકિત કરવામાં આવી છે અને સમાજમાં તેનો ખોટો મેસેજ જઈ રહ્યો છે. તેથી અમે અમિત માલવિયા અને અન્યો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવા વિનંતી કરીએ છીએ.”
શું ટ્વિટ કર્યું હતું BJPના અમિત માલવિયાએ?
વાસ્તવમાં, થોડા દિવસો પહેલા બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરીને એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું છે કે, “રાહુલ ગાંધી ખતરનાક છે અને અંદરખાનેની રમત રમી રહ્યા છે. તેમના કરતા વધુ ખતરનાક સૈમ પી જેવા લોકો છે જેઓ ભારત વિરુદ્ધ કટ્ટરતા ફેલાવી રહ્યા છે. આ લોકો વિદેશમાં પીએમ મોદીને બદનામ કરવામાં કોઈ કસર છોડતા નથી.”
અગાઉ પણ કોંગ્રેસે BJP વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી
અમિત માલવિયાના આ ટ્વીટ પર કોંગ્રેસના ઘણા નેતાઓએ વાંધો ઉઠાવ્યો હતો, ત્યારબાદ હવે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ પહેલા કર્ણાટક સરકારના મંત્રી અને મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગેએ પણ ભાજપના નેતાઓ વિરુદ્ધ કોંગ્રેસના નેતાઓને બદનામ કરવા અને ભ્રામક પોસ્ટ કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: PM મોદીની પરિવાર અને દેશ સાથે યૂસીસીની સરખામણી અયોગ્ય: ચિદમ્બરમ