ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ક્રિકેટર જોગીન્દર શર્મા વિરુદ્ધ FIR
- આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં DSP જોગીન્દર શર્મા સહિત છ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ
હરિયાણા, 5 જાન્યુઆરી : T20 વર્લ્ડ કપ 2007માં ઐતિહાસિક ઓવર ફેંકનાર પૂર્વ ક્રિકેટર જોગીન્દર શર્મા મુશ્કેલીમાં મુકાયા છે, તેમની વિરુદ્ધમાં હરિયાણાના હિસારમાં આત્મહત્યા માટે ઉશ્કેરવાના ગુના હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જોગિન્દર શર્માએ 2007માં પાકિસ્તાન સામે ટી20 વર્લ્ડ કપમાં છેલ્લી ઓવર નાખીને ભારતીય ક્રિકેટ ટીમને જીત અપાવી હતી. હાલ, તેઓ હરિયાણામાં DSP તરીકે તૈનાત છે.
હિસારના આઝાદ નગર પોલીસ સ્ટેશનમાં જોગીન્દર શર્મા સહિત છ લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. હિસારના ડબરા ગામના પવન નામના વ્યક્તિને આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. જોકે આ અંગે પ્રતિભાવ આપતા જોગીન્દર શર્માએ કહ્યું છે કે, “તેની પાસે આ વિશેની કોઈ માહિતી નથી.”
ASP રાજેશકુમાર મોહને કહ્યું કે, “આરોપીઓ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો છે અને SC-STની કલમ ઉમેરવામાં આવી છે જેમાં તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. હિસારના આઝાદ નગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંદીપકુમારે પવન નામના વ્યક્તિની આત્મહત્યાના મામલામાં કેસ નોંધ્યો છે.” જ્યારે બીજી બાજુ પરિવારજનો તત્કાલીન ડીએસપી પર પણ આરોપ લગાવી રહ્યા છે, આ મામલે હજુ તપાસ ચાલી રહી છે. રાજેશ કુમાર મોહને કહ્યું કે, “અગાઉના કેસ સાથે સંબંધિત આ મામલાની ફરીથી તપાસ કરવામાં આવશે.”
શું છે સમગ્ર મામલો ?
પાબડા ગામની સુનીતા નામની મહિલાએ 2 જાન્યુઆરીના રોજ આઝાદ નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો કે તેના ઘર અંગે અજયવીર, ઈશ્વર પ્રેમ, રાજેન્દ્ર સિહાગ અને અન્ય લોકો પર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ મામલાને કારણે તેનો પુત્ર પવન ઘણો હેરાન-પરેશાન હતો. જેથી તેમના પુત્રએ 1 જાન્યુઆરીએ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી, ત્યારબાદ પરિવારના સભ્યોની ફરિયાદ પર છ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
મૃતકની માતાએ પૂર્વ ક્રિકેટર અને DSP જોગીન્દર, અજયવીર, ઈશ્વર પ્રેમ, રાજેન્દ્ર અને અન્ય લોકો પર તેના પુત્રને ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો છે. ગુરુવારે, પરિવારના સભ્યોએ ASP સમક્ષ એસસી-એસટી એક્ટ ઉમેરવા સહિતની છ માંગણીઓ મૂકી હતી. આ અંગે મોડી રાત સુધી વિરોધ ચાલુ રહ્યો હતો.
DSP અશોક કુમાર ધરણા પર બેઠેલા પવનના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, “જો તમે હિસાર પોલીસની તપાસથી સંતુષ્ટ નથી, તો તમે હિસાર વિભાગમાં આવતા અન્ય ચાર જિલ્લાઓમાં કોઈપણ અધિકારી દ્વારા તપાસ કરાવી શકો છો.” ડીએસપીની વાત પર પરિવારજનોએ નારાજગી વ્યક્ત કરી હતી અને તેમણે એએસપીને જ મામલાની તપાસ કરવા અને વાત કરવા જણાવ્યું. ASP ડૉ.રાજેશ મોહને ઘટનાસ્થળે પહોંચી પરિવારને આશ્વાસન આપ્યું હતું કે, “તેઓ આ મામલે તપાસ કરશે.”
હું પવન નામના વ્યક્તિને ઓળખતો નથી : જોગીન્દર શર્મા
હિસાર જનરલ હોસ્પિટલમાં આ મામલે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. પરિવારજનોએ કહ્યું છે કે, જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી તેઓ મૃતદેહના અંતિમ સંસ્કાર નહીં કરે. આ બાબતે તત્કાલીન ડીએસપી જોગીન્દર શર્માએ કહ્યું કે, “આ મામલો તેમના ખ્યાલમાં નથી.” તેણે કહ્યું કે, “હું પવન નામના વ્યક્તિને ઓળખતો નથી કે મળ્યો નથી. મેં મારા સાડા ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન ઘણી તપાસ કરી છે અને આવો કોઈ કેસ મારા ધ્યાનમાં આવ્યો નથી.”
જોગીન્દર શર્મા કોણ છે?
View this post on Instagram
પાકિસ્તાન સામે 2007 T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં જોગિન્દર શર્માએ છેલ્લી ઓવરમાં મિસબાહ-ઉલ-હકને આઉટ કરીને મેચ જીતી લીધી હતી. આ પછી, તે હરિયાણા પોલીસમાં ડીએસપી બન્યો, હાલમાં કાલકામાં તૈનાત છે, હરિયાણાના રોહતકથી આવતા જોગીન્દર શર્માએ ભારત માટે 4 ODI અને 4 T20 મેચ રમી છે. તેણે પોતાના કરિયરની તમામ T20 ઈન્ટરનેશનલ મેચો માત્ર 2007 વર્લ્ડ કપમાં રમી હતી અને ઈતિહાસ રચ્યો હતો. જોગીન્દરે 2004માં ભારત માટે ODI ડેબ્યુ કર્યું હતું અને 2007માં તેની છેલ્લી ODI મેચ રમી હતી. 40 વર્ષના જોગીન્દરના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાંચ વિકેટ છે.
આ પણ જુઓ :હરિયાણા માઇનિંગ કેસમાં EDના દરોડા, ગેરકાયદે વિદેશી હથિયારો અને 5 કરોડ જપ્ત