જાણો ધોનીએ એવું તો શું કર્યું કે જાડેજા મેદાનમાં તેના પગે પડી ગયો, મુંબઈના ખેલાડી જોતા રહી ગયા
ઈન્ડિયન પ્રીમિયર લીગની એલ ક્લાસિકો ગણાતી મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની મેચમાં જોવા જેવી થઈ હતી. ચેન્નઈ જેવું મેચ જીતી ગયું કે તાત્કાલિક જાડેજા મેદાનમાં દોડીને ગયો અને ધોનીના પગે પડી ગયો હતો. આ જોઈને મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ પણ બે ઘડી સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે આના પાછળનું કારણ તો એ હતું કે છેલ્લી ઓવરમાં ટીમને 17 રન જીતવા કરવાના હતા, જેમાંથી ધોનીએ ફોર અને સિક્સ મારી ચેન્નઈને જીત અપાવી હતી. જેથી કેપ્ટન જાડેજા ખુશ થઈ ગયો અને ધોનીને પગે લાગ્યો હતો.
ચેન્નઈનો સુપર કિંગ ધોની
CSKને આ મેચમાં 156 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને ટીમે છેલ્લી ઓવરમાં ચેઝ કરી લીધો હતો. ચેન્નઈને અંતિમ ઓવરમાં 17 રનની જરૂર હતી, જેમાં ધોનીએ છેલ્લા 4 બોલમાં 16 રન કરીને CSKને મેચ જિતાડી દીધી હતી. તેણે 13 બોલમાં અણનમ 28 રન કર્યા હતા.
થાલાએ કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
થાલાના નિકનેમથી પ્રખ્યાત એવા મહેન્દ્ર સિંહ ધોનીએ 13 બોલમાં 3 ફોર અને 1 સિક્સ મારી કુલ 28 રન કર્યા હતા. આ દરમિયાન તેણે છેલ્લા બોલ સુધી ક્રીઝ પર બેટિંગ કરી ચેન્નઈને રોમાંચક મેચમાં જિતાડી દીધી હતી.આની સાથે જ ચેન્નઈની 7 મેચમાં આ બીજી જીત છે. જ્યારે ટીમને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
અત્યારે પોઈન્ટ ટેબલમાં CSK 4 પોઈન્ટ સાથે 9મા સ્થાને છે. આની સાથે જ મુંબઈની આ સતત 7મી હાર છે. આ સિઝનમાં MIની ટીમ અત્યારસુધી એક પણ મેચ જીતી શકી નથી. મુંબઈ ઈન્ડિયન્સે જો પ્લેઓફ રમવાની રેસમાં રહેવું હોય તો બાકીની સાત મેચ જીતવી જ પડશે.
મુંબઈની સતત 7મી હાર પાછળનું કારણ
મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી. પહેલી જ ઓવરમાં રોહિત શર્મા અને ઈશાન કિશન ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન ભેગા થયા હતા. ત્યાર પછી મુંબઈની ત્રીજી વિકેટ બ્રેવિસ (4)ના રૂપમાં મળી હતી. પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ સૂર્યકુમાર યાદવે (32) મુંબઈની કમાન સંભાળી હતી, પરંતુ 8મી ઓવરમાં સેન્ટનેરે તેમને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
છેલ્લે તિલક વર્માએ 51 રનની અણનમ ઇનિંગ રમીને ટીમના સ્કોર 155ના સ્કોર સુધી પહોંચાડ્યો હતો. ચેન્નાઈ તરફથી મુકેશ ચૌધરીએ ત્રણ અને ડ્વેન બ્રાવોએ બે વિકેટ ઝડપી હતી.