દેશભક્તિના એવા નારા કે જે સાંભળતા જ જોશ અને જુસ્સો ભરાઈ જાય, જાણો આ નારા કોણે ક્યારે આપ્યા
ભારતે આજે આઝાદીના 76 વર્ષ પૂર્ણ કરી લીધા છે. આજે અલગ અલગ સ્થળો પર લોકો દેશને આઝાદી અપાવનારા તેમજ આઝાદીની જ્યોત જગાવનારા અને બલિદાન આપનારા વીરોને યાદ કરી રહ્યા છે. તિરંગાને સલામી આપી રહ્યા છે. આ લાંબી યાત્રા દરમિયાન દેશભક્તિના સૂત્રોએ લોકોને જાગૃત કરવાનું અને એક દોરામાં બાંધવાનું કામ કર્યું છે. સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલાએ સૂત્રો આજે પણ એક જોશ ભરી દે છે. આ સૂત્રોને સાંભળતા જ આપણામાં રહેલી દેશભક્તિ છલકાઈ ઉઠે છે. આ દેશભક્તિના નારાઓ અને તેમનો ઈતિહાસ ખુબ જ ખાસ છે. ચલો આજે તેના વિશે જાણીએ.
(1)ભારત માતા કી જય
-આ સૂત્ર કિરણ ચંદ્ર બંધોપાધ્યાયે ભારત માતા નાટક દરમિયાન આપ્યું હતું. તેનો ઉપયોગ પ્રથમ વખત વર્ષ 1873માં નાટકના મંચ દરમિયાન કરવામાં આવ્યો હતો અને બાદમાં સ્વતંત્રતા ચળવળ દરમિયાન આ સૂત્ર લોકપ્રિય બન્યો હતો.
(2)વંદે માતરમ
-આ સૂત્ર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આ શબ્દનો ઉપયોગ વર્ષ 1882માં તેમની નવલકથા આનંદ મઠમાં કર્યો હતો. તેનો પ્રથમ વખત ઉપયોગ રવિન્દ્રનાથ ટાગોરે વર્ષ 1896માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં કર્યો હતો. હવે તે રાષ્ટ્રગીત છે અને દરેક રાષ્ટ્રવાદી કાર્યક્રમમાં વપરાતું મુખ્ય સૂત્ર છે.
(3)જય હિન્દ
-આ સૂત્ર આઝાદ હિંદ ફોજના મેજર આબિદ હસન સફરાનીએ આપ્યું હતું. સુભાષ ચંદ્ર બોસે તેને આઝાદ હિંદ ફોજનું સત્તાવાર સૂત્ર બનાવ્યું હતું. આઝાદી પછી પોલીસ અને સેનામાં પણ આ સૂત્ર અપનાવવામાં આવ્યું હતું અને આજના યુગમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સૂત્ર બન્યું છે.
(4)જય જવાન, જય કિસાન
-આ સૂત્ર લાલ બહાદુર શાસ્ત્રીએ આપ્યું છે. શાસ્ત્રીજીએ વર્ષ 1965માં દિલ્હીમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે આ સૂત્ર આપ્યું હતું. પોખરણ બ્લાસ્ટ પછી અટલ બિહારી વાજપેયીએ તેમાં જય વિજ્ઞાન ઉમેર્યું હતું.
(5)સત્યમેવ જયતે
-આ સૂત્ર મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે.પંડિત મદન મોહન માલવિયાએ વર્ષ 1918માં તેનો ઉપયોગ કર્યો હતો. આ પછી તેનો ઉપયોગ ભારતના સૂત્ર તરીકે થવા લાગ્યો હતો.
(6)ઈન્કલાબ ઝિંદાબાદ
-આ સૂત્ર મૌલાના હસરત મોહનીએ આપ્યું છે. જેનો પ્રથમ વખ ઉપયોગ 1929માં કરવામાં આવ્યો હતો.વર્ષ 1929માં ભગતસિંહે દિલ્હી એસેમ્બલીમાં બ્લાસ્ટ બાદ આ સ્લોગનનો ઉપયોગ કર્યો હતો. હવે દરેક પક્ષ અને વિદ્યાર્થી નેતા આ સ્લોગનનો ઉપયોગ કરે છે.
(7)કરો યા મરો
-આ સૂત્ર મહાત્મા ગાંધીએ આપ્યું છે. વર્ષ 1942માં ભારત છોડો આંદોલન દરમિયાન આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે બાદ તે લોકપ્રિય થયું હતું.
(8)સંપૂર્ણ ક્રાંતિ અબ નારા હૈ…
-આ સૂત્ર જય પ્રકાશ નારાયણે આપ્યું છે. જેનો પ્રથમ વખત ઉપયોદ 70ના દાયકામાં કરવામાં આવ્યો હતો. 70ના દાયકામાં જયપ્રકાશ નારાયણે ઈમરજન્સીના વિરોધમાં આ સૂત્ર આપ્યું હતું.
(9)સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ દેખના હૈ જોર કિતના બાઝું-એ-કાતિલ મેં હૈ…
-આ સૂત્રને રામ પ્રસાદ બિસ્મિલે એક ટ્રાયલ દરમિયાન કોર્ટમાં તેમના સાથીદારો સાથે સામૂહિક રીતે ગાયીને તેને લોકપ્રિય બનાવ્યું હતું. પરંતુ દેશભક્તિની કવિતા “સરફરોશી કી તમન્ના” વર્ષ 1921માં બિહાર, પટનાના ઉર્દૂ કવિ બિસ્મિલ અઝીમાબાદી દ્વારા લખવામાં આવી હતી.
(10)યે દિલ માંગે મોર
-આ કોઈ રાજકીય સૂત્ર નહોતું પરંતુ પેપ્સી કંપનીની જાહેરાતની પ્રખ્યાત લાઇન હતી. શહીદ વિક્રમ બત્રાએ કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાન સામે લડતી વખતે તેને વધુ લોકપ્રિય બનાવ્યું હતું. વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીએ તેનો રાજકીય ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચો : સુરતના બે યુવકોએ લક્યુરિયસ જેગુઆર કારને દેશભક્તિના રંગે રંગી, જૂઓ આખે આખી કારનો દેખાવ કેવો બદલાયો