અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી જાણો 6 મહિનામાં કેટલી હેલ્થ લીકર પરમીટની ભલામણને મંજૂરી અપાઈ
- જૂનના એક જ મહિનામાં નવી 84 અરજીને લીલીઝંડી મળી છે
- પાંચ વર્ષમાં પરમિટ મંજૂરી પેટે રોગી કલ્યાણ સમિતિને આશરે 30 કરોડથી વધુની કમાણી થઈ
- 65 વર્ષ કરતા વધુ વયે મહિને પાંચ યુનિટ દારૂ મળતો હોય છે
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી 6 મહિનામાં 2204 હેલ્થ લીકર પરમીટની ભલામણને મંજૂરી અપાઈ છે. જેમાં છેલ્લા 5 મહિનામાં નવી માંડ 76 જ્યારે એકલા જૂનમાં 86 અરજી મંજૂર થઇ છે. રાતે ઊંઘ ના આવે, હાયપરટેન્શન હોય તો દારૂના સેવન માટે હેલ્થ લીકર પરમીટ અપાતી હોય છે. 2023માં કુલ 4,103 લીકર પરમિટ ભલામણને સિવિલ તંત્રે ચકાસણી બાદ લીલીઝંડી આપી હતી.
આ પણ વાંચો: આણંદ પાસેના એક્સપ્રેસ હાઇવે પર ભયંકર અકસ્માત, 6 લોકોના મૃત્યુ
જાન્યુઆરીથી જૂન 2024ના અરસામાં 2204 હેલ્થ લીકર પરમિટની ભલામણ માટે મંજૂરી
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જાન્યુઆરીથી જૂન 2024ના અરસામાં 2204 હેલ્થ લીકર પરમિટની ભલામણ માટે મંજૂરી અપાઈ છે, જે પૈકી 2059 પુરુષ અને 145 મહિલા છે, આમાં નવી 160 અને રિન્યુઅલ 2044 ભલામણ સામેલ છે. ગયા વર્ષે 2023ના અરસામાં નવી 1201 અને 2902 રિન્યુઅલ એમ કુલ 4,103 લીકર પરમિટ ભલામણને સિવિલ તંત્રે ચકાસણી બાદ લીલીઝંડી આપી હતી. વર્ષ 2024ના પાંચ મહિનામાં નવી માંડ 76 જેટલી અરજી મંજૂર થઈ હતી, આચારસંહિતા વચ્ચે કડક અમલવારીને લઈ અરજી ઓછી જોવા મળી હતી, જોકે પાંચ માસમાં જેટલી અરજી મંજૂર થઈ તેના કરતાં જૂનના એક જ મહિનામાં નવી 84 અરજીને લીલીઝંડી મળી છે, આમ છેલ્લા મહિનામાં નવી અરજીની મંજૂરીમાં ઓચિંતો ઉછાળો જોવાયો છે.
5 વર્ષમાં પરમિટ મંજૂરી પેટે રોગી કલ્યાણ સમિતિને આશરે 30 કરોડથી વધુની કમાણી થઈ
સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, વર્ષ 2024ના છ માસમાં નવી 160 અને રિન્યુઅલ 2044 એમ કુલ 2204 હેલ્થ લીકર પરમિટની અરજીમાં ભલામણ મંજૂરી અપાઈ છે. હોસ્પિટલ સૂત્રો કહેવા પ્રમાણે છેલ્લા પાંચ મહિનામાં અરજીની સંખ્યા ઘટતાં રોગી કલ્યાણ સમિતિની આવકને અસર થઈ હતી. છેલ્લાં પાંચ વર્ષમાં પરમિટ મંજૂરી પેટે રોગી કલ્યાણ સમિતિને આશરે 30 કરોડથી વધુની કમાણી થઈ છે. અનિદ્રા, તણાવ હોય તેવા કિસ્સામાં દારૂની પરમિટ મળે છે, જેના માટે સિવિલમાં મેડિકલ ચેકઅપ કરાવવું પડે છે. નવી પરમિટ માટે 20 હજાર અને રિન્યુઅલ માટે 14 હજાર ચૂકવવા પડે છે. ડ્રાય સ્ટેટ ગુજરાતમાં ડિસેમ્બર 2023 સુધીના આંકડા પ્રમાણે 39,888 જેટલા લોકો દારૂની પરમિટ ધરાવે છે. પરમિટ ફી પેટે સરકારની આવક પણ વધી રહી છે, વર્ષ 2020-21 માં સરકારને 11.92 કરોડ, 2021-22 માં 10.71 કરોડ જ્યારે વર્ષ 2022-23 માં 12.69 કરોડની આવક થઈ હતી. 40થી 50 વર્ષ સુધીની વયે મહિને ત્રણ યુનિટ, 50થી 65 વર્ષની વયે મહિને ચાર યુનિટ, 65 વર્ષ કરતા વધુ વયે મહિને પાંચ યુનિટ દારૂ મળતો હોય છે.