- સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ આપી મંજૂરી
- પુનિયાના કોચ મુસ્તફાનો કાર્યકાળ પણ મેના અંત સુધી લંબાવાયો
નવી દિલ્હી, 26 માર્ચ : ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયા પેરિસ ઓલિમ્પિક 2024ની રેસમાંથી બહાર થઈ ગયો હતો. બજરંગને પેરિસ ઓલિમ્પિક ક્વોલિફાયર માટે આયોજિત નેશનલ સિલેક્શન ટ્રાયલ્સમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટોક્યો ઓલિમ્પિક (2020) બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયાને 65 કિગ્રા ફ્રી સ્ટાઇલ વજન વર્ગની સેમિફાઇનલમાં કુસ્તીબાજ રોહિત કુમારે હરાવ્યો હતો.
પૂનિયાને આર્થિક મદદ મળશે
પેરિસ ઓલિમ્પિકની રેસમાંથી બહાર હોવા છતાં ખેલ મંત્રાલય બજરંગ પુનિયાને આર્થિક મદદ કરવા જઈ રહ્યું છે. રમત મંત્રાલયે મંગળવારે (26 માર્ચ) બજરંગ પુનિયાની નાણાકીય સહાયની વિનંતીને મંજૂરી આપી હતી. આ ઉપરાંત તેમના ‘કન્ડિશનિંગ કોચ’ કાઝી કિરણ મુસ્તફા હસનનો કાર્યકાળ પણ મેના અંત સુધી લંબાવવામાં આવ્યો છે.
સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ આપી મંજૂરી
સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘મિશન ઓલિમ્પિક સેલ (MOC) એ કુસ્તીબાજ બજરંગ પુનિયાને નાણાકીય સહાય આપવા અને તેના કન્ડીશનીંગ કોચ કાઝી કિરણ મુસ્તફા હસનનો કાર્યકાળ મેના અંત સુધી લંબાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જોકે, રમત મંત્રાલયે એ વાતનો ખુલાસો કર્યો નથી કે કેટલા પૈસા મંજૂર કરવામાં આવ્યા છે.
અન્ય ખેલાડીને મદદની વિનંતિનો સ્વીકાર
બજરંગ પુનિયા ઉપરાંત ખેલ મંત્રાલયે ટેબલ ટેનિસ ખેલાડી શ્રીજા અકુલાની ઓલિમ્પિક પહેલા ચાઈનીઝ તાઈપેઈમાં પ્રેક્ટિસ કરવા માટે આર્થિક મદદ કરવાની વિનંતીને પણ મંજૂરી આપી હતી. MOC એ ટેબલ ટેનિસ ખેલાડીઓ માનવ ઠક્કર અને પાયસ જૈન માટે સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે નાણાકીય સહાયની દરખાસ્તોને પણ મંજૂરી આપી હતી.
WFIના પૂર્વ પ્રમુખનો પુનિયાએ કર્યો હતો વિરોધ
ઉલ્લેખનીય છે કે, બજરંગ પુનિયા એવા કુસ્તીબાજોમાં સામેલ હતા જેમણે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે વિરોધ કર્યો હતો અને હડતાલ પર બેઠા હતા. બજરંગ પુનિયાએ હાલમાં જ યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ને પત્ર લખીને WFI સામે પગલાં લેવા વિનંતી કરી હતી. જો કે, થોડા દિવસો પછી, UWW એ WFI પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.
26મી જુલાઈથી શરૂ થશે પેરિસ ઓલિમ્પિક
બજરંગ પુનિયાએ અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું અને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો. ત્યારબાદ પુરૂષોની ફ્રી સ્ટાઇલ 65 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં બજરંગ પુનિયાએ કેનેડાના એલ. મેક્લીનનો 9-2થી પરાજય થયો હતો. બજરંગ પુનિયાનો કોમનવેલ્થ ગેમ્સમાં આ સતત બીજો અને એકંદરે ત્રીજો ગોલ્ડ મેડલ હતો. જોકે તે પછી બજરંગ પુનિયા કંઈ ખાસ કરી શક્યો નથી. બજરંગ પુનિયાને હાંગઝોઉ એશિયન ગેમ્સમાં પણ નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી રમાશે.