ગુજરાતટોપ ન્યૂઝ

જાણો ગતિશીલ ગુજરાતની સંકલ્પના વચ્ચે છેલ્લા એક દાયકામાં રાજ્યનું દેવું કેટલું વધ્યું?

Text To Speech

ગાંધીનગર, 2 ફેબ્રુઆરી 2024, આજે ગુજરાત વિધાનસભામાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ કર્યું છે.નાણાકીય વર્ષ 2024-25 માટે 3.32 લાખ કરોડ રૂપિયાનું અંદાજપત્ર ગત વર્ષની સરખામણીમાં 31,444 કરોડનો વધારો સૂચવે છે. નાણાકીય વર્ષ 2011-12થી 2024-25 દરમિયાન અંદાજપત્રનું કદ વાર્ષિક સરેરાશ 11.5%ના દરે વધ્યું છે.નાણાકીય વર્ષ 2024-25 માટે રૂપિયા 9821 કરોડની મહેસૂલી પૂરાંત જાળવી રાજ્યએ એક દાયકા કરતાં વધુ સમયથી મહેસૂલી પૂરાંત હાંસલ કરવાનો દોષરહિત ટ્રેક રેકોર્ડ જાળવી રાખ્યો છે.GSDPના 3%ના લક્ષ્ય સામે રાજકોષીય ખાદ્ય 1.86.%થી નીચે રાખવામાં આવી છે.GSDPના 27.1%ના લક્ષ્ય સામે જાહેર દેવુ 15.27% જેટલું નીચુ રાખેલ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ગુજરાતનું જાહેર દેવું અત્યાર સુધીના વર્ષોમાં સૌથી ઓછું થયું છે. 2022-23ના હિસાબ ફાઈનલ થયા છે, તે મુજબ રાજ્યનું કુલ દેવું જી.એસ.ડી.પી.ના 15.17 ટકા છે. પાછલાં દસ વર્ષનું આ સૌથી ઓછું દેવું છે અને દેશનાં સૌથી ઓછું દેણું ધરાવતાં ત્રણ મોટાં રાજ્યોમાં ગુજરાતે સ્થાન મેળવ્યું છે.

વાહન માલિકોને 700 કરોડની રાહત થશે
8 વર્ષથી જૂના નોંધાયેલા વાહનોના સ્ક્રેપ વ્હિકલ સ્ક્રેપર્સ મારફતે મોકલવામાં આવશે તો વાહન વેરો, વ્યાજ દંડ અને મોટર વ્હિકલ એક્ટ હેઠળના કોઈ પણ બાકી ચલણ પડતરની તમામ વસૂલાત પર માફી યોજના લાવવામાં આવશે. આ નિર્ણયથી 52 હજાર વાહનમાલિકોને 700 કરોડની રાહત થશે.

ગુજરાતમાં 6 હાઇસ્પીડ કોરીડોર
900 એકરમાં ફેલાયેલ ગિફ્ટ સિટીનું 3300 એકરમાં વિસ્તરણ કરાશે, ત્યાં 4.5 કિમીનો રિવરફ્રન્ટ બનશે.અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ટ્રાફિક પોલીસની 1000 જગ્યાઓ ઊભી થશે.મહેસાણા, નવસારી,ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, સુરેન્દ્રનગર-વઢવાણને મહાનગરનો દરજ્જો મળતાં હવે ગુજરાતમાં મહાનગરપાલિકાની સંખ્યા 15 પર પહોંચશે. ગુજરાતમાં એક જ નંબર 112 ઉપર પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે કેન્‍દ્રિયકૃત વ્યવસ્થા ચાલુ કરાશે. રાજ્ય સરકારે પ્રવાસન વિભાગમાં જાહેરાત કરી છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશી રજવાડાઓનું સંગ્રહાલય અને વીર બાલક ઉદ્યાન બનાવાશે. ગુજરાતમાં 6 હાઇસ્પીડ કોરીડોર બનાવાવા 222 કરોડની જોગવાઈ કરાઈ છે.

મત્સ્ય ઉતરાણ કેન્દ્રોનું કરાશે આધુનિકરણ
ગુજરાતના બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે મત્સ્ય ઉત્પાદન કેન્દ્રોનું આધુનિકરણ કરાશે. કેન્દ્રોના આધુનિકરણ માટે રૂપિયા 627 કરોડની જાહેરાત કરાઇ છે. સાગર ખેડુઓને હાઈસ્પીડ ડિઝલ વેટમાં રાહત આપવામાં આવશે. સાગર ખેડુઓને રાહત માટે રૂ.463 કરોડની ફાળવણી કરવામાં આવી. મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે રૂ.134 કરોડની ફાળવણી કરવામાં આવી.

ગાંધીનગર ગિફ્ટ સિટીના વિકાસ માટે જોગવાઇ
ગાંધીનગર ગિફ્ટ સિટીના વિકાસ માટે ગુજરાતના બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે. 900થી 3300 એકર વિસ્તારમાં વિસ્તરણની જોગવાઇ કરવામાં આવી છે. ગિફ્ટ સિટીનો ગ્રીન સિટી તરીકે વિકાસ કરવામાં આવશે. ‘વોક ટુ વર્ક, લિવ વર્ક, પ્લે કમ્યુનિટી’નું આયોજન કરાયુ છે. 4.5 કિમી લાંબો રિવરફ્રન્ટ, રીક્રિએશન ઝોનનો વિકાસ કરાશે. ગિફ્ટ સિટીને મેટ્રો કનેક્ટિવિટી અને સેન્ટ્રલ પાર્કની સુવિધાથી સજજ કરાશે. ગિફ્ટ સિટીમાં ‘ફિન-ટેક’ની સ્થાપના કરવા રૂ.52 કરોડની જાહેરાત, રિવરફ્રન્ટ વિકાસ કામગીરી માટે રૂ.100 કરોડની જાહેરાત કરાઇ છે.

અમદાવાદ અને સુરત જિલ્લામાં અદ્યતન હોસ્પિટલ બનાવાશે
રાજ્યમાં આરોગ્ય સુવિધા વધારવા પર ભાર મુકાયો છે. એમ્બ્યુલન્સ સુવિધા વધુ સુદઢ બનાવવા માટે 319 નવી એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે. જે અંતર્ગત 76 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ અને સુરત જિલ્લામાં અદ્યતન હોસ્પિટલ બનાવાશે. અમદાવાદમાં બાવળા અને સુરતનાં કામરેજ નજીક હોસ્પિટલ બનાવવામાં આવશે. અધ્યતન 300 બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા રાજ્ય સરકારનો નિર્ણય છે.

આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ માટે 20,100 કરોડ રુપિયાની જોગવાઈ
આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 20,100 કરોડની જોગવાઈ, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2659 કરોડની જોગવાઈ, આદિજાતે વિકાસ વિભાગ માટે કુલ 4,374 કરોડની જોગવાઈ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 6193 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

માર્ગ અને મકાન વિભાગ માટે 22163 કરોડની જોગવાઈ
માર્ગ અને મકાન વિભાગ માટે 22163 કરોડની જોગવાઈ, ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ માટે 8423 કરોડની જોગવાઈ, શહેરી વિકાસ આ એ શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 21696 કરોડની જોગવાઈ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 12138 કરોડની જોગવાઈ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે કુલ 767 કરોડની જોગવાઈ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 2711 કરોડની જોગવાઈ, મહિલા ને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6885 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

2047 સુધી ગુજરાતની અર્થવ્યવસ્થાને 3.5 ટ્રિલિયન કરવાનો લક્ષ્યાંક
2047 સુધી ગુજરાતની અર્થ વ્યવસ્થા હાલની 0.28 ટ્રિલિયન યુએસ ડોલરથી 3.5 ટ્રિલિયન કરવાનો લક્ષ્ય છે. બજેટમાં સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધા, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથના પાંચ સ્તંભ છે.

ગૃહ વિભાગ માટે 10378 કરોડની જોગવાઈ
ગુજરાતના બજેટમાં પીએમ પોષણ યોજના અંતર્ગત 1400 કરોડની જોગવાઈ, માહિતી અને પ્રસારણ વિભાગ માટે 384 કરોડની જોગવાઈ, સામાન્ય વહીવટ વિભાગ માટે 2239 કરોડની જોગવાઈ મહેસુલ વિભાગ માટે 5195 કરોડની જોગવાઈ, કાયદા વિભાગ માટે 2559 કરોડની જોગવાઈ,ગૃહ વિભાગ માટે 10378 કરોડની જોગવાઈ, કલાઈમેટ ચેન્જ વિભાગ માટે 1163 કરોડની જોગવાઈ, વન અને પર્યાવરણ માટે 2586 કરોડની જોગવાઈ, પ્રવાસન વિભાગ માટે 2098 કરોડની જોગવાઈ, ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 9220 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ માટે 22196 કરોડની જોગવાઈ
કૃષિ ,ખેડૂત અને સહકાર વિભાગ માટે 22196 કરોડની જોગવાઈ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે 2421 કરોડની જોગવાઈ, પાણી પુરવઠા માટે 6242 કરોડની જોગવાઈ, જળ સંપતિ વિભાગ માટે 11535 કરોડની જોગવાઈ, બંદરો અને વજન વ્યવહાર માટે 3858 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

એસ.ટી. નિગમ દ્વારા વધુ ૨૫૦૦ નવી બસો મુકાશે
અમદાવાદ-ગાંધીનગર મેટ્રોની કનેકટિવિટી વધારવા મેટ્રો રૂટને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ગિફ્ટ સિટીના આંતરિક વિસ્તારો સુધી લંબાવવામાં આવશે. જાહેર પરિવહનના સુદ્રઢીકરણના ભાગરૂપે નવી બસો મૂકવામાં આવી રહેલ છે તેમજ બસ સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવી રહેલ છે. ચાલુ વર્ષે મૂકવામાં આવનાર ૨૦૦૦ નવી બસો ઉપરાંત આગામી વર્ષે એસ.ટી. નિગમ દ્વારા વધુ ૨૫૦૦ નવી બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવશે.ૃ

શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ
ગુજરાતના બજેટમાં શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણાં પ્રધાને જણાવ્યુ કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નવા 15 હજાર ઓરડાઓ તૈયાર થઈ રહ્યા છે. નવા 45 હજાર સ્માર્ટ કલાસરૂમ બનાવવાનું કામ ચાલુ છે. 15 હજાર શાળાઓમાં 2 લાખ કોમ્પ્યુટર આપવામાં આવશે. 162 નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે. વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા નમો સરસ્વતી યોજના માટે 250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ માટે 3000 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ધોરણ 9 થી 12ના એક લાખ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ સહાય માટે 260 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ 38.2 કિમી થશે
અમદાવાદ રિવરફ્રન્ટનો વિસ્તાર કરાશે. ઈન્દિરા બ્રિજથી ગાંધીનગર સુધી વિકાસ કરી કુલ લંબાઈ 38.2 કિ.મી. થતાં તેની ગણતરી વિશ્વના સૌથી લાંબા અને રળિયામણા રિવરફ્રન્ટ તરીકે થશે.

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ 504 કરોડ રુપિયાની જોગવાઈ
PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થીઓ માટે 504 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના 40 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે 360 કરોડ, અનુસૂચિત જાતિના છાત્રાલયો અને આશ્રમશાળા ના એક લાખ વિદ્યાર્થીઓ માટે 335 કરોડ, સરસ્વતી સાધના યોજના હેઠળ 1.50 લાખ કન્યાઓને વિનામૂલ્ય સાઈકલ આપવા 84 કરોડ, બિન અનામત વર્ગો માટે શૈક્ષણિક ધિરાણ કરવા 600 કરોડની જોગવાઈ કરવામાં આવી.

અલગ અલગ નિગમો માટે 250 કરોડ રુપિયાની જોગવાઈ
રાજ્યના અલગ અલગ નિગમો માટે રાજ્ય સરકારના ફંડમાંથી 250 કરોડ રુપિયાની જોગવાઈ કરાવમાં આવી છે. આંબેડકર આવાસ યોજના અને પંડિત દિન દયાળ આવાસ યોજના માટે 243 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 6193 કરોડની જોગવાઈ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 6193 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આર્થિક સહાય યોજના અંતર્ગત 11 લાખ લાભાર્થીઓને વાર્ષિક પેન્શન આપવા 1398 કરોડની જોગવાઈ કરાઇ, અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિ ની 61 હજારકન્યાઓને મામેરા માટે 74 કરોડની જોગવાઈ, પાલક માતા પિતા યોજના હેઠળ નિરાધાર બાળકોને માસિક આર્થિક સહાય માટે 74 કરોડ, આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજના માટે 20 કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવી.

જનરક્ષક યોજનાની જાહેરાત
ગુજરાતના બજેટમાં આગામી દિવસોમાં ઇમરજન્સી માટે એક જ નમ્બર રાખવાની જાહેરાત કરવામાં આવી. 112 નંબર પરથી પોલીસ, ફાયર બ્રિગેડ તથા અન્ય ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે જ જનરક્ષક યોજનાની જાહેરાત કરવામાં આવી છે. યોજના હેઠળ 1100 જન રક્ષક વાહનોનું માળખું ગોઠવાશે.

8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો
ગુજરાતના 8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા,સુરેન્દ્રનગર, વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. અત્યાર સુધી આ શહેરો નગરપાલિકાનો દરજ્જો ધરાવતી હતી.

સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે નમો શ્રી યોજના
સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે નમો શ્રી યોજનાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે, જેના માટે 750 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે.

નિર્મળ ગુજરાત સ્વચ્છતા યોજનાની જાહેરાત
નાણાંમંત્રી દ્વારા બજેટમાં 1300 કરોડની નિર્મળ ગુજરાત સ્વચ્છતા યોજનાની જાહેરાત કરવામાં આવી છે.તે ઉપરાંત 5 વર્ષની સાયન્સ સ્ટ્રીમમાં 2 લાખથી વધી 5 લાખ સંખ્યા વધશે, મિશન સ્કૂલ એક્સલેન્સ હેઠળ સરકારી સ્કૂલો સ્માર્ટ બનાવવામાં આવશે તેવી પણ જાહેરાત કરી છે.

કેન્સર સોસાયટી માટે 600 કરોડનો નવો પ્રોજેક્ટ
આદિજાતિ અને પછાત વિસ્તારમાં સેન્ટ્રલાઈઝ કિચન બનાવાશે.સ્માર્ટ આંગણવાડી માટે 1800 કરોડ જોગવાઈ કરવામાં આવી.અમદાવાદમાં કેન્સર સોસાયટી માટે 600 કરોડનો નવો પ્રોજેક્ટ

નમો સરસ્વતી યોજનાની જાહેરાત
માધ્યમિક શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ધો. 11માં 10 હજારની સહાય આપવામાં આવશે.

1800 કરોડની સ્માર્ટ આંગણવાડી બનાવાશે
કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 1800 કરોડના ખર્ચે સ્માર્ટ આંગણવાડીઓ બનાવવામાં આવશે.

બજેટમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી
નાણામંત્રી દ્વારા બજેટમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી, યોજનાઓ માટે 1250 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.નાણામંત્રીએ કહ્યું કે, ગુજરાત મિશનની જાહેરાત કરી રહ્યા છીએ, જેમાં બાળકો, કિશોરીઓ અને મહિલાઓ કેન્દ્રસ્થાને છે. આમાં નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે. બાળકો અને મહિલાઓ માટેનું માળખું વધુ સુદ્રઢ કરવામાં આવશે. નમો લક્ષ્મી યોજના અમલીકરણ કરવામાં આવશે. જેમાં 50 કરોડની જોગવાઈ છે.

કોંગ્રેસના ધારાસભ્યોએ બેનરો સાથે વિરોધ કર્યો
બીજી તરફ કોંગ્રેસે બજેટનો વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના નેતાઓ વિવિધ સ્લોગન લખેલા બનેર પહેરી વિધાનસભા પહોંચી વિરોધ નોંધાવ્યો છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને જીગ્નેશ મેવાણી હાજર નથી, અગાઉથી રજા લઈને કામ હોવાથી ગયા છે.

 

આ પણ વાંચોઃખેડૂતો પાસેથી સરકાર તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે, જાણો શું નક્કી કરાયો ભાવ

Back to top button