નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ક્રિપ્ટો રોકાણકારોને ચેતવણી આપી, કહ્યું- ટૂંક સમયમાં જ નવો કાયદો લાવવામાં આવશે
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ક્રિપ્ટો રોકાણકારોને ચેતવણી આપી છે. નાણામંત્રીએ ભાજપ ઇકોનોમિક સેલ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં જનતા અને ઉદ્યોગસાહસિકોને ચેતવણી આપતા કહ્યું કે ક્રિપ્ટોકરન્સી કોઈ મુદ્દો નથી. કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, આ વિશે સરકાર પહેલા ચેતવણી આપી ચુકી છે. ક્રિપ્ટોકરન્સી પર આપણે સાવધાનીથી આગળ વધવુ પડશે. તેમણે કહ્યું કે ક્રિપ્ટો પર એક નવો કાયદો જલદી લાવવામાં આવશે.
ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જોના ખાતા થયા ફ્રીઝ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરક્ટોરેટ એટલે કે EDએ મની લોન્ડ્રિંગની તપાસના સંબંધમાં ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જોની તપાસ કરી છે. આ દરમિયાન એજન્સીએ ઓછામાં ઓછી બે ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જોની સંપત્તિને ફ્રીઝ કરી છે. એકાઉન્ટ ફ્રીઝ થવાનો મતલબ છે કે EDની મંજૂરી વગર કંપની કોઈ ટ્રાન્ઝેક્શન કરી શકે નહીં. EDએ 5 ઓગસ્ટે વઝીરેક્સની 8 મિલિયન ડોલરની બેન્ક સંપત્તિને ફ્રીઝ કરી દીધી હતી અને પાછલા સપ્તાહે વોલ્ડ ક્રિપ્ટોના બેન્ક ખાતા અને લગભગ 46 મિલિયન ડોલરની ક્રિપ્ટો સંપત્તિને ફ્રીઝ કરી હતી.
વોલ્ટ ક્રિપ્ટો એક્સચેન્જે આપ્યો જવાબ
EDના આરોપો પર વોલ્ટે નિવેદન જાહેર કરી જણાવ્યું કે EDની સાથે અમે સંપૂર્ણ સહયોગ કર્યો અને જુલાઈમાં સમન્સ મળ્યા બાદ તમામ જરૂરી જાણકારી અને દસ્તાવેજ જમા કર્યાં છે. અમે જણાવવા ઈચ્છીએ છીએ કે તમામ કેવાયસી ડોક્યુમેન્ટ ગ્રાહકો પાસે લેવામાં આવે છે. કંપનીએ કહ્યું અમે અમારા ગ્રાહકો અને બધા હિતધારકોના હિતોની રક્ષા માટે જરૂરી કાર્યવાહી અને કાયદાકીય સલાહ લઈ રહ્યાં છીએ.
RBIએ આપી હતી સલાહ
નિર્મલા સીતારમણે જણાવ્યું કે ભારતીય રિઝર્વ બેન્કે સૂચન આપ્યું હતું કે સરકાર ક્રિપ્ટોકરન્સી માટે નિયમ બનાવે. નાણામંત્રીએ કહ્યું કે જો ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવવો છે તો સરકારે આંતરરાષ્ટ્રીય સહયોજની જરૂર પડશે. તેમણે કહ્યું કે, આપણે આંતરરાષ્ટ્રીય સ્તર પર સમાન માપદંડ બનાવવા પડશે.