ગુજરાત બજેટ : પ્રશ્નોતરી સાથે બજેટ સત્રના બીજા દિવસનો પ્રારંભ, અમિત ચાવડાએ પૂછ્યો આ પ્રશ્ન


ગાંધીનગર, 20 ફેબ્રુઆરી : 15મી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ગઇકાલે બુધવારથી શરૂ થઈ ગયું છે. જેનો આજે બીજો દિવસ છે. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યનું બજેટ રજૂ કરશે. દરમિયાન આ બીજા દિવસનો પ્રારંભ પ્રશ્નોતરીકાળથી થયો હતો.
જેમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આઇપીએસની ખાલી જગ્યાઓ અંગે પ્રશ્ન પૂછી પ્રશ્નોત્તરીની શરૂઆત કરી હતી. આ પ્રશ્નનો રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં આઇપીએસની 208 જગ્યાઓ છે. જેની સામે 198 જગ્યાઓ ભરાયેલી છે. 10 જગ્યા ખાલી છે અને હાલ 25 આઇપીએસ પ્રોબેશન ઉપર છે.
આ બજેટ સત્રમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરવા વિધાનસભા પહોંચ્યા છે. આ પૂર્વે તેમણે મીડિયાને સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે, બજેટ તમામ વર્ગો માટે કલ્યાણકારી હશે. આ બજેટનું કદ લગભગ 3.75 કરોડનું રહેવાની શક્યતા છે. જે ગત વર્ષ કરતા લગભગ 10% કરતા વધુ હશે. આ તેમનું ચોથું બજેટ હશે.
આરોગ્ય, શિક્ષણ, કૃષિ સહિતના મુદ્દે ધ્યાન અપાશે
કનુભાઈ દ્વારા રજૂ થનાર બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઇની બાબતો જેવા મુદ્દાઓ પર ભાર મુકવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થઈ ગઇ હતી. રાજ્યપાલે 37 મિનિટના ભાષણમાં રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતાં.
નવી જાહેર થયેલી મ.ન.પા. માટે વિશેષ જોગવાઈની સંભાવના
મહત્વનું છે કે, નાણામંત્રી કનુભાઈ આ વખતે બજેટમાં લગભગ 11 ટકાનો વધારી શકે છે. જેથી આ વખતનું બજેટ લગભગ પોણા ચાર લાખ કરોડની રકમને આંબી શકે છે. જ્યારે બીજી બાજુ થોડા દિવસ પહેલા જ રાજ્યમાં 9 મહાનગરપાલિકાઓ અને 1 નવા જિલ્લા અંગે જાહેરાત કરવામાં આવી હતી જેને લઇને પણ બજેટમાં મહત્ત્વની જાહેરાત કરવામાં આવી શકે છે.
ગત વર્ષનું બજેટ 3,32,465 કરોડનું હતું
ગયા વર્ષે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. રાજ્ય સરકારે જે બજેટ 2024-25 રજૂ કર્યું હતું એ ઐતિહાસિક કુલ 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ હતું. ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમનું ત્રીજુ બજેટ રજૂ કર્યું હતું.
આ પણ વાંચો :- ચેમ્પિયન્સ ટ્રોફી 2025 : પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે પાકિસ્તાનની 60 રને હાર