નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટમાં મહિલા, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને બેરોજગાર માટે કરી આ જોગવાઇ

ગાંધીનગર, 20 ફેબ્રુઆરી : રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજે વિધાનસભા ગૃહમાં રાજ્યનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું છે. રૂ.3.70 લાખ કરોડનું બજેટ રાજ્યની જનતા માટે અનેક યોજનાઓ અને લાભ લઈને આવ્યું છે. નાણામંત્રીએ મધ્યમવર્ગ, ખેડૂત, વિદ્યાર્થીઓ તેમજ મહિલાઓ અને બેરોજગાર યુવાવર્ગને લગતી અનક જોગવાઇ કરીને ભેટ આપી છે.
કિસાન સૂર્યોદય યોજના માટે 2175 કરોડ
નાણામંત્રીએ બજેટ રજૂ કરતા ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. જેમાં ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજનાનો અમલ, 97 ટકા ગામોમાં દિવસે વીજળી મળી રહી છે, યોજનાને વધુ સુદ્રઢ કરવા માટે 2175 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે કુલ 617 કરોડ રૂપિયાની જોગવાઇ
કનુભાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંવેદના સભર “પઢાઇ ભી, પોષણ ભી”ના ધ્યેયને સાકાર કરવા “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”ની ડિસેમ્બર-2024થી શરૂઆત કરવામાં આવેલ હોય જેમાં 32,277 શાળાઓના 41 લાખ વિદ્યાર્થીઓને લાભ મળતા હોય જેના માટે આ બજેટમાં કુલ 617 કરોડ રૂપિયાની જોગવાઇ બજેટમાં કરી છે.
આંગણવાડી યોજના માટે 274 કરોડ રૂપિયાની જોગવાઇ
બાળકોના પોષણ અને વિકાસને સુદ્રઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કર્યો છે. તેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે 274 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ છે.
મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયા
શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે હેતુથી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” હેઠળ 290 કેન્દ્રો કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔધોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે. શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી “મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
MSMEને પ્રોત્સાહન
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ એમએસએમઈને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. જેમાં MSME અને સ્ટાર્ટઅપની વિવિધ યોજનાઑ માટે 3600 કરોડ રૂપિયાની જોગવાઈ છે. ટેક્સટાઇલ નીતિના કારણે 5 લાખ લોકોને રોજગાર મળશે. વધુમાં ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી વિવિધ સહાયો માટે બે હજાર કરોડ રૂપિયાની ફાળવણી
દિવ્યાંગોને વાર્ષિક રૂ. 12 હજારની સહાય
નાણામંત્રીએ દિવ્યાંગજનો માટે સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી છે. જેમાં 60 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે. આ યોજના હેઠળ 85 હજારથી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક 12 હજાર રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે.
સરકારી આવાસને પ્રોત્સાહન આપશે
નાણામંત્રીએ સરકારી આવસને વેગ આપવા પર ફોકસ કર્યું છે. ગુજરાતના ગરીબો માટે ત્રણ લાખ આવાસ બનાવવાની જાહેરાત કરી છે. શ્રમિક બસેરા યોજના હેઠળ રૂ. 200 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. આવાસ ખરીદવા પર સરકાર 1.70 લાખ રૂપિયા સબસિડી આપશે.
શિક્ષણ વિભાગ માટે કુલ ₹૫૯,૯૯૯ કરોડની જોગવાઇ
ગુજરાતની શિક્ષણ પદ્ધતિ ૨૧મી સદીની આવશ્યકતાઓ અને વૈશ્વિક બજારની માંગ અનુસાર બદલાઈ રહી છે. ટેકનોલોજી, ઇનોવેશન અને કુશળતા વિકાસ દ્વારા વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગત્યનો ભાગ ભજવશે.મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આશરે ૨૫ હજારથી વધુ વર્ગખંડોના માળખાગત સુધારણા માટે ₹૨૯૧૪ કરોડની જોગવાઇ.
નમો લક્ષ્મી યોજના માટે ₹૧૨૫૦ કરોડની જોગવાઇ
રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ₹૭૮૨ કરોડની જોગવાઇ. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે ૨ લાખ ૫૦ હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ₹૨૫૦ કરોડની જોગવાઇ. એસ.ટી.નિગમની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને બસ પાસ ફી કન્સેશન માટે ₹૨૨૩ કરોડની જોગવાઇ.
જ્ઞાનશક્તિ રેસિડેન્શીયલ સ્કૂલ્સ ઑફ એકસલન્સ માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ
સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજીત ૨૨ હજાર કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા પ્રગતિમાં છે.
મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ હેઠળ અંદાજે ૭૫ હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ અંતર્ગત અંદાજે ૯૦ હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ₹૭૦ કરોડની જોગવાઇ.
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અંતર્ગત અંદાજે ૭૮ હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા ₹૪૧૦ કરોડની જોગવાઇ.
એલ.ડી.ઈજનેરી કોલેજ-અમદાવાદ ખાતે ડેમોન્સ્ટ્રેટીવ આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ લેબ અને અન્ય છ સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ લેબની સ્થાપના માટે ₹૧૭૫ કરોડની જોગવાઇ.
મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના(CMSS) અંતર્ગત ૨૫૦૦ વિદ્યાર્થીઓને સહાય આપવા ₹૩૨ કરોડની જોગવાઇ.
વિદ્યાર્થીઓ ગ્રીન એનર્જી, સેમિકન્ડકટર, ફિનટેક, એરોસ્પેસ વગેરે વિષયોમાં કૌશલ્ય વિકાસ થકી આગામી સમયમાં ઉદ્ભવનાર તકનો લાભ મેળવી શકે તે હેતુથી ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (GIT) માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.
રાજ્યનો વિદ્યાર્થી વધુ તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ અને સ્પર્ધાત્મક બને તે માટે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ(G3Q) અંતર્ગત ₹૩૦ કરોડની જોગવાઇ.
અમદાવાદના i-Hubની તર્જ પર રાજ્યમાં ૦૪ પ્રાદેશિક કેન્દ્રોની સ્થાપનાનું આયોજન. i-Hub મારફતે સ્ટાર્ટઅપ્સ-ઇનોવેટર્સને નાણાકીય સહાય માટે ₹૨૫ કરોડની જોગવાઇ.
શોધ યોજના – (Scheme of Developing High quality research) અંતર્ગત પી.એચ.ડી. કોર્સમાં સંશોધન કરતાં વિદ્યાર્થીઓને આર્થિક સહાય માટે ₹૨૦ કરોડની જોગવાઇ.
NAAC અને NIRF રેન્કિંગમાં સારા પ્રદર્શન હેતુ પાંચ કાર્યરત સરકારી કોલેજોના વર્ગખંડોને સ્માર્ટ ક્લાસરૂમ બનાવવા માટે ₹૮ કરોડની જોગવાઇ.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹૨૩,૩૮૫ કરોડની જોગવાઇ
રાજ્ય સરકાર વર્ષ ૨૦૩૦ સુધીમાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ૫૦% ઘટાડાના ધ્યેય સાથે રાજ્યના તમામ લોકોની આરોગ્ય અને સુખાકારી વધુ મજબૂત બનાવવા કાર્યશીલ છે. જે માટે હું આ વિભાગના ₹૨૦,૧૦૦ કરોડના બજેટમાં ૧૬.૩૫%નો વધારો કરી ₹૨૩,૩૮૫ કરોડની જોગવાઇ સૂચવું છું.
વર્ષ ૨૦૨૩-૨૪ના નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ Good Health and Well Being (SDG Index No.3) માં ગુજરાતે દેશના તમામ રાજ્યોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો, ગરીબ અને મધ્યમ વર્ગના એમ કુલ મળી અંદાજે ૨ કરોડ ૬૭ લાખ લોકોને કેશલેસ સારવાર માટે ₹૩૬૭૬ કરોડની જોગવાઇ.
G.M.E.R.S. સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે ₹૧૩૯૨ કરોડની જોગવાઇ
આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ રાજ્ય સરકાર દ્વારા વર્લ્ડ બેન્કના સહકારથી શરૂ કરાયેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે ₹૪૦૦ કરોડની જોગવાઇ.
અમદાવાદની જેમ મેડીસિટી પ્રકારની ઝોનવાઇઝ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાના અમારા નિર્ધાર અન્વયે વડોદરા ખાતે મલ્ટી સ્પેશિયાલિટી તેમજ કાર્ડિયાક માટેની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણાધીન છે. તે ઉપરાંત સુરત ખાતે કાર્ડિયાક, કિડની અને યુરોલોજી સેવાઓ; રાજકોટ ખાતે કેન્સર અને કાર્ડિયાક સેવાઓ; ગાંધીનગર ખાતે કાર્ડિયાક, કિડની અને યુરોલોજી સેવાઓ શરૂ કરવા ₹૨૩૧ કરોડની જોગવાઇ.
કેન્સરના દર્દીઓને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ, અમદાવાદ સુધી સારવાર લેવા ન આવવું પડે અને નજીકમાં સુવિધા ઉપલબ્ધ બને તે માટે વલસાડ, ગોધરા, હિંમતનગર અને પોરબંદર ખાતે સારવાર શરૂ કરવા ₹૧૯૮ કરોડની જોગવાઇ.
બી. જે. મેડીકલ કોલેજ-અમદાવાદ, મેડીકલ કોલેજ-વડોદરા અને એમ. પી. શાહ મેડીકલ કોલેજ-જામનગર ખાતે પી.જી.ના વિધાર્થીઓ માટે હોસ્ટેલનું બાંધકામ કરવા ₹૧૩૭ કરોડની જોગવાઇ.
સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.
સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે તાત્કાલિક સારવારની સેવાઓ સુદ્રઢ કરવા ₹૫૨ કરોડની જોગવાઇ.
આદિજાતિ અને સામાન્ય વિસ્તારના સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે સાધન સામગ્રી પૂરી પાડવા માટે ₹૫૨ કરોડની જોગવાઇ.
એમ્બ્યુલન્સની સુવિધા સુદ્રઢ બનાવવા માટે ૧૦૮ ઇમરજન્સી સેવા હેઠળ ૨૦૦ નવી એમ્બ્યુલન્સ માટે ₹૪૮ કરોડની જોગવાઇ.
સુરત અને વડોદરા ખાતે ગાયનેક, પિડીયાટ્રીક વિભાગ અને સંલગ્ન નિયોનેટલ આઈ.સી.યુ., ઓબ્સેટ્રેટિક આઈ. સી. યુ., ગાયનેક આઈ. સી. યુ. વગેરેની સેવાઓ તથા પિડીયાટ્રીક સર્જરી વિભાગ શરૂ કરવા માટે ₹૪૪ કરોડની જોગવાઇ.
નર્સિંગ કોલેજ, સુરત અને જામનગર ખાતે વિધાર્થીનીઓ માટે ગર્લ્સ હોસ્ટેલનું બાંધકામ કરવા ₹૪૧ કરોડની જોગવાઇ.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર માટે ગાંધીનગર-અમદાવાદ ખાતે ખોરાક અને ઔષધના નમૂના તેમજ જુનાગઢ, મહેસાણા અને વલસાડ ખાતે ખોરાકના નમૂનાઓની ચકાસણી માટે આધુનિક પ્રયોગશાળા ઊભી કરવા ₹૨૮ કરોડની જોગવાઇ.
ગવર્મેન્ટ સ્પાઈન ઈન્સ્ટીટયુટ, અમદાવાદ ખાતે સ્પાઈનલ સર્જરી, ઓક્યુપેશનલ થેરાપી અને પ્રોસ્થેટીક અને ઓર્થોટીક વિભાગોમાં શૈક્ષણિક હેતુ માટે ₹૧૦ કરોડની જોગવાઇ.
ઔષધના નમૂનાઓનું ઓન ધ સ્પોટ ટેસ્ટીંગ કરવા માટે ₹૧૦ કરોડની જોગવાઇ
આયુષ સેવાઓ અદ્યતન બનાવવા સરકારી આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજ, હોસ્પિટલો તથા દવાખાનામાં તબીબી ઉપકરણો માટે વિશેષ જોગવાઇ કરવામાં આવી છે.