ગુજરાતટોપ ન્યૂઝ

આખરે ટામેટાંના ભાવની તેજીનો પરપોટો અંતે ફૂટ્યો

Text To Speech
  • સપ્લાય ચેન તૂટતા દેશમાં બે મહિનાની લાલઘૂમ તેજી શાંત થઈ
  • રાજકોટમાં ટમેટાંની આવક વધીને દૈનિક 1 લાખ કિલોને પાર
  • તહેવારો શરૂ થતાં દૈનિક 5  લાખ કિલો બટેટાની આવક 

છેલ્લા ઘણાં સમયથી જેની રાહ જોવામાં આવી રહી હતી તેવા રાહતના સમાચાર આવ્યા છે. ટામેટાંના ભાવે આખરે રાહત આપી છે. ગુજરાતમાં વર્ષે 14 લાખ ટન અને દેશમાં 160 લાખ ટનથી વધારે ટમેટાંનો પાક થતો હોય છે છતાં જૂનના મધ્યથી ભારે વરસાદના પગલે ટમેટાંની સપ્લાય ચેન તૂટતા ગત બે માસથી અભૂતપૂર્વ અને આશ્ચર્યજનક લાલઘૂમ તેજી જોવા મળી હતી.

આખરે ટામેટાંના ભાવની તેજીનો પરપોટો અંતે ફૂટવા લાગ્યો છે અને આજે ટમેટાંના ભાવ રાજકોટમાં પ્રથમવાર પ્રતિ મણના રૂ. 1000થી નીચે ઉતરી ગયા છે. યાર્ડમાં ટમેટાંની દૈનિક આવક વધીને એક લાખ કિલોથી વધુ થઈ રહી છે, જો કે હજુ ખાસ કરીને મહારાષ્ટ્રથી ટમેટાં ગુજરાતમાં ઠલવાઈ રહ્યા છે.

રાજકોટ યાર્ડમાં 1027 ક્વિન્ટલ આવક સાથે ભાવ પ્રથમવાર 1000ની સપાટી તોડીને પ્રતિ મણના રૂ।. 650 થી 900 ના ભાવે સોદા થયા હતા. બજારમાં છૂટક ટમેટાં કિલોના રૂ।. 200 સુધી પહોંચ્યા બાદ હવે રૂ।. 50- 70ના ભાવે મળતા થયા છે. બીજી તરફ, હાલ શ્રાવણ માસમાં એકટાણાં-ઉપવાસના પગલે બટેટાની માંગ વધતા આવકમાં જંગી વધારો નોંધાયો છે. માત્ર રાજકોટ યાર્ડમાં આજે 5.10 લાખ કિલો બટેટાંની આવક થઈ હતી.

પૂરતા પૂરવઠાના પગલે બટેટાના ભાવ પણ પ્રતિ મણ રૂ।. 130થી 320 જળવાયા છે. આ ઉપરાંત શાકભાજીની આવકો વધતા અને એકટાણાં ઉપવાસમાં તેની માંગ આંશિક ઘટતા ગુવાર ,આદુ સિવાયના તમામ શાકભાજીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે.મોટાભાગનું શાકભાજી સરેરાશ 400ના મણ (જથ્થાબંધ રૂ।. 20નું કિલો લેખે) વેચાય છે જે છૂટકમાં બમણાં કે ત્રણ ગણા ભાવ હોય છે.

Back to top button