ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

છેવટે BZ ગ્રુપના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા સુધી કાયદાના હાથ પહોંચી ગયાઃ મહેસાણાથી ધરપકડ

ગાંધીનગર, 27 ડિસેમ્બર : ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ચર્ચાના ચકડોળે રહેલાં BZ ગ્રુપ દ્વારા 6 હજાર કરોડ રૂપિયાના કૌભાંડ પ્રકરણમાં મહેસાણાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઈન્ડ ભાગેડુ ભૂપેન્દ્ર ઝાલા આખરે પોલીસ ગિરફ્તમાં આવી ગયો છે. CID ક્રાઈમ દ્વારા મહેસાણા જિલ્લામાંથી તેની ધરપકડ કરવામાં આવી છે. ત્યાંથી તેને ગાંધીનગર લવાયો છે, જ્યાં તેની પૂછપરછ શરૂ કરી દેવાઈ છે.

મળતી માહિતી મુજબ, BZ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલા દ્વારા એકના ત્રણ ગણા નાણા કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરથી લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હોવાના ગાંધીનગર CIDની ટીમે આક્ષેપ કર્યા છે. સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભૂપેન્દ્ર ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પુરતુ જ નાણા ધીરનારનું લાયસન્સ છે. તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખુ નેટવર્ક ઊભુ કર્યું હતું. કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી છે. જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે.

દરમિયાન જ્યારથી આ BZ કૌભાંડ સામે આવ્યું છે ત્યારથી ભૂપેન્દ્ર ઝાલા ફરાર હતો. ત્યારે આજે એક મહિના બાદ તેનું પગેરૂ મળ્યું હતું. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના દવાડા ગામમાં છૂપાયો હતો. CID ક્રાઈમની ટીમે દવાડા ગામના ખેતરના એક નાના ઘરમાંથી ઝડપ્યો છે. મહત્વનું છે કે, છેલ્લા એક અઠવાડિયાથી CID ક્રાઇમ આ મામલે વ્યાપક કામગીરી કરી રહી હતી. CIDએ લોકોને જણાવ્યું છે કે, જેમને પણ ભૂપેન્દ્ર ઝાલા સામે ફરિયાદ કરવી હોય તેઓ ગાંધીનગર CID ક્રાઈમની ઓફિસે આવી શકે છે.

આ રીતે ઝડપાયો ભૂપેન્દ્ર

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભૂપેન્દ્ર ઝાલા તેના સમાજના લોકોના સંપર્કમાં હતો. જેમના કોલ ટ્રેસ કરતા તેનું (ભૂપેન્દ્ર) લોકેશન મળ્યું હતું અને સાંજે 4 વાગ્યા આસપાસ તેને દવાડાથી ઝડપી લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે જ ભૂપેન્દ્ર ઝાલાના ભાઈ રણજીત સિંહ અને તેના CA ઋષિત મહેતાની અટકાયત કરાઈ હતી. ભૂપેન્દ્ર ઝાલા સાથેના સંપર્ક અંગે રણજીતસિંહની CID ક્રાઇમ દ્વારા પૂછપરછ કરાઈ હતી.

આ સાથે આરોપીઓના લોકેશન અને નાણાકીય વ્યવહારો સંદર્ભે પૂછપરછ કરાઈ હતી. ત્યારબાદ હવે ભાગેડુ ભૂપેન્દ્ર ઝાલા પણ ઝડપાયો છે. હવે, આ તમામની પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમાં મોટા ખુલાસાઓ થવાની પૂર્ણ શક્યતાઓ છે. આજે CID દ્વારા રણજીત સિંહની કરાયેલી પૂછપરછમાં કંપનીઓની વિગતો સામે આવી છે. 4 મુખ્ય કંપનીઓના ઓડીટ રિપોર્ટ સામે આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તેણે લોકોને 95 કરોડ રૂપિયા આપવાના બાકી છે.

આ પણ વાંચો :- જોઈતી ટીપ ન મળતાં ડિલિવરી ગર્લે ગ્રાહક સગર્ભા મહિલાને ચાકુના 14 ઘા મારી દીધા

Back to top button