દેશમાં આજથી ‘હર ઘર ત્રિરંગા’ અભિયાનની શરૂઆત થઈ રહી છે ત્યારે થોડાં દિવસોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તિરંગાના કારણે ચર્ચામાં હતું પરંતુ આખરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સ્વતંત્રતા દિવસ પહેલા તેના ટ્વિટર હેન્ડલની પ્રોફાઈલ તસવીર બદલી છે. તેણે પોતાની પ્રોફાઈલ તસવીર પર તિરંગો લગાવ્યો છે.
સાથે જ આરએસએસ ઉપરાંત આરએસએસ ચીફ મોહન ભાગવતે પણ પોતાનો પ્રોફાઈલ પીક બદલ્યો છે. તેમણે સંગઠનનો ધ્વજ પણ હટાવીને પોતાના ડીપી પર ત્રિરંગો લગાવી દીધો છે. નોંધનીય છે કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ પ્રોફાઈલ તસવીરમાં ફેરફાર ન કરવા બદલ આરએસએસ અને મોહન ભાગવતની આકરી ટીકા કરી હતી.
स्वाधीनता का अमृत महोत्सव मनाएँ.
हर घर तिरंगा फहराएँ.
राष्ट्रीय स्वाभिमान जगाएँ. pic.twitter.com/li2by2b0dK— RSS (@RSSorg) August 13, 2022
કોંગ્રેસે ઉઠાવ્યા હતા સવાલ
અગાઉ કોંગ્રેસના નેતા અને પ્રવક્તા પવન ખેરાએ આરએસએસ અને તેના વડા મોહન ભાગવતના પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ શેર કરતા ટ્વિટ કરતાં લખ્યું હતું, સંઘના લોકો, હવે ત્રિરંગો અપનાવો. સંઘનો ઉલ્લેખ કરતા કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આ મહિને ટ્વિટ કર્યું હતું. શરૂઆતમાં, તેમણે પૂછ્યું કે શું સંગઠન, જેણે 52 વર્ષથી નાગપુરમાં તેના મુખ્યાલય પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો નથી, તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટના ડીપી પર ત્રિરંગો મૂકવાની વડાપ્રધાનની વિનંતી પર ધ્યાન આપશે?
RSS કાર્યકર્તાઓ હર ઘર ત્રિરંગામાં ભાગ લઈ રહ્યા છે
આરએસએસના પ્રચાર વિભાગના સહ-પ્રભારી નરેન્દ્ર ઠાકુરે શુક્રવારે કહ્યું કે સંઘ તેના તમામ કાર્યાલયોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. સંઘે પોતાના સંગઠનનો ધ્વજ હટાવી લીધો અને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટના પ્રોફાઈલ પિક્ચર પર રાષ્ટ્રધ્વજ લગાવી દીધો. ઠાકુરે કહ્યું કે આરએસએસના કાર્યકરો ‘હર ઘર ત્રિરંગા’ અભિયાનમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે.
આવી બાબતો પર રાજનીતિ ન થવી જોઈએ
અગાઉ, આરએસએસના પ્રચાર વિભાગના વડા સુનીલ આંબેકરે કહ્યું હતું કે આવી બાબતોનું રાજનીતિકરણ ન થવું જોઈએ. તેમણે કહ્યું હતું કે આરએસએસ પહેલાથી જ ‘હર ઘર ત્રિરંગા’ અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમોને સમર્થન આપી ચૂક્યું છે. જણાવી દઈએ કે દેશ આઝાદીના 75 વર્ષ નિમિત્તે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવી રહ્યો છે.