કાલે T20 વર્લ્ડકપનો ફાઈનલ, જાણો ટાઈટલ જીતનાર ટીમને મળશે કેટલું ઈનામ ?
આવતીકાલે T20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે છે. આ મેચ જીતીને ટાઈટલ જીતનારી ટીમને 1.6 મિલિયન ડોલર (લગભગ 13.05 કરોડ રૂપિયા) મળશે. જ્યારે કે ફાઇનલમાં હારનારી ટીમ તેમની સાથે 800,000 ડોલર (લગભગ 6.52 કરોડ રૂપિયા) મળશે. આ સિવાય આઈસીસી ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓ પર પણ પૈસાનો વરસાદ કરશે. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટથી લઈને દરેક મેચમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને ઈનામો આપવામાં આવશે.
નામીબિયા, UAE, વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડની ટીમને 40,000 ડોલર મળશે
T20 વર્લ્ડ કપ માટે કુલ ઈનામી રકમ 5.6 મિલિયન ડોલર (લગભગ 45.68 કરોડ રૂપિયા) છે. ટુર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ ટીમોને ચોક્કસ રકમ ઈનામી રકમ તરીકે આપવામાં આવશે. પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગયેલી ટીમોને 40,000 ડોલર (લગભગ રૂ. 32.63 લાખ) પણ આપવામાં આવશે. નામીબિયા, UAE, વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડની ટીમને 40,000 ડોલર આપવામાં આવશે.
સેમિફાઇનલમાં હારનાર ટીમને 3.6 કરોડ મળશે
ભારત અને ન્યુઝીલેન્ડની સેમીફાઈનલમાં હારનાર ટીમને 400,000 ડોલર (લગભગ 3.6 કરોડ રૂપિયા) આપવામાં આવશે. જ્યારે કે ફાઇનલમાં પહોંચેલી પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની ટીમને ઓછામાં ઓછા 800,000 હજાર ડોલરનું ઇનામ સુનિશ્ચિત કર્યું છે.
ભારતને 4.56 કરોડ રૂપિયા મળશે
આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમને લગભગ 4.56 કરોડ રૂપિયા મળશે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં પહોંચી છે. આ માટે ભારતને 3.6 કરોડ રૂપિયા મળશે. ઉપરાંત, ભારતે સુપર-12 રાઉન્ડમાં ચાર મેચ જીતી હતી અને દરેક મેચ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને લગભગ 32.62 લાખ રૂપિયા આપવામાં આવશે. આ રીતે ભારતને લગભગ 4.56 કરોડ રૂપિયા મળશે.
સુપર-12માં બહાર થનારી ટીમોને 57 લાખ
સુપર-12 સ્ટેજમાંથી બહાર થયેલી આઠ ટીમોને 70,000 ડોલર (અંદાજે રૂ. 57.08 લાખ) મળશે. ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, આયર્લેન્ડ અને શ્રીલંકા સુપર-12 સ્ટેજમાં પહેલા ગ્રુપમાંથી બહાર થઈ ગયા હતા. તે જ સમયે, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ અને ઝિમ્બાબ્વેની ટીમો બીજા જૂથમાંથી બહાર થઈ ગઈ હતી.