ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભાજપના પૂર્વ નેતા નુપુર શર્માએ પયગંબર મોહમ્મદ પર કરેલી ટિપ્પણીને લઈને વિરોધની ચિનગારી બાંગ્લાદેશ સુધી પહોંચી ગઈ છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હજારો લોકોએ નૂપુર શર્માની ટિપ્પણીના વિરોધમાં આજે માર્ચ કાઢી હતી.ઢાકા શહેરમાં મુખ્ય બૈતુલ મુકરમ મસ્જિદ પાસે શુક્રવારની નમાજ બાદ સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તમામ દેખાવકારોએ 16 જૂને ભારતીય દૂતાવાસના ઘેરાવની પણ જાહેરાત કરી હતી.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, પ્રદર્શનકારીઓએ ભારતીય ઉત્પાદનોના બહિષ્કારનું પણ આહ્વાન કર્યું હતું. આ પ્રદર્શનમાં જમિયત ઉલેમા બાંગ્લાદેશ, ખિલાફત મજલિસ, ઇસ્લામ ઓક્યાજોત અને અન્ય જૂથોએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ઢાકા મેટ્રોપોલિટન પોલીસે (ડીએમપી) વિરોધને ધ્યાનમાં રાખીને મસ્જિદ અને પલટન વિસ્તારમાં વિસ્તૃત સુરક્ષા પગલાં લીધાં હતાં.આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ભારે પોલીસ બંદોબસ્ત
મોતીઝીલના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અબ્દુલ અહદે જણાવ્યું હતું કે, “ઇસ્લામિક મૂવમેન્ટ બાંગ્લાદેશે આજના કાર્યક્રમ માટે કોઈ પરવાનગી લીધી ન હતી. જો કે આવા વિરોધ સરઘસના નામે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ હાઈ એલર્ટ પર છે.તેમણે કહ્યું કે પરિસ્થિતિને જોતા પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. આ દરમિયાન જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો પોલીસ કાયદા મુજબ કાર્યવાહી કરશે.
ભારતમાં દેખાવકારોએ પથ્થરમારો કર્યો હતો
પયગંબર મુહમ્મદ વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટીપ્પણી બાદ ભારતમાં દેખાવો પણ થયા હત . દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન કેટલાક રાજ્યોમાં પ્રદર્શનકારીઓ દ્વારા પથ્થરમારાની ઘટનાઓ પણ સામે આવી છે. યુપીના પ્રયાગરાજમાં દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. શહેરમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.