ગુજરાતની અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના ડિટેક્શને ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની મુંબઈના મડ આઈલેન્ડમાંથી અટકાયત કરી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી છે. અવિનાશે તાજેતરમાં જ ગૃહમંત્રી અમિત શાહની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેમાં તે ઝારખંડની IS ઓફિસર પૂજા સિંઘલ સાથે જોવા મળ્યો હતો, જેની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અવિનાશ દાસ વિરુદ્ધ અમદાવાદ શહેરમાં FIR નોંધવામાં આવી હતી.
અમદાવાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં 13 મેના રોજ નોંધાયેલી FIRમાં અવિનાશ દાસ પર ત્રિરંગો પહેરેલી મહિલાની મોર્ફ કરેલી તસવીર શેર કરીને રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. FIR અનુસાર, આ તસવીર ફેસબુક પર શેર કરવામાં આવી હતી. અવિનાશ દાસ સામે આઈપીસીની કલમ 469 (બનાવટી), કલમ 67 (આઈટી એક્ટ) અને રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ કાયદાની કલમો લગાવવામાં આવી છે.
અવિનાશ દાસને આગળની કાર્યવાહી માટે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર ડીપી ચુડાસમાએ જણાવ્યું હતું કે, અમે મંગળવારે દાસને મુંબઈથી કસ્ટડીમાં લીધો હતો. આગળની કાનૂની પ્રક્રિયા માટે અમારી ટીમ તેને અમદાવાદ લાવી રહી છે.
તમને જણાવી દઈએ કે આ મામલામાં FIR નોંધાયા બાદ અવિનાશ દાસે હાલમાં જ ધરપકડથી બચવા માટે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, જેને કોર્ટે ફગાવી દીધો હતો. 46 વર્ષીય અવિનાશ દાસે વર્ષ 2017 માં સ્વરા ભાસ્કર અભિનીત ફિલ્મ “અનારકલી ઓફ આરાહ” અને Zee5 ઓરિજિનલ ફિલ્મ “રાત બાકી હૈ”નું નિર્દેશન કર્યું છે.