ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ફીજી દેશનું પ્રતિનિધિ મંડળ બનાસ ડેરીની મુલાકાતે

  • ડેરીના વિવિધ પ્રોજેક્ટ નિહાળ્યાં

બનાસકાંઠા 01 ઓગસ્ટ 2024: બનાસ ડેરી શ્વેતક્રાંતિનું સર્જન કરીને દુનિયાભરમાં ઉદાહરણરૂપ બની છે, જેના કારણે દેશ-વિદેશના લોકો ડેરી ઉદ્યોગ અંગેના અભ્યાસ માટે બનાસ ડેરીની મુલાકાત લીધી હતી. ફીજી દેશના પ્રતિનિધિ મંડળે ૨૨ જુલાઈથી ૩૧ જુલાઈ સુધી ગુજરાતના અમૂલ ફેડરેશનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, તેમણે ૨૯ અને ૩૦ જુલાઈના રોજ બનાસ ડેરી, પાલનપુરની મુલાકાત લીધી અને સંકુલમાં ચાલતી વિવિધ કામગીરી તેમજ અન્ય વિકાસલક્ષી કાર્યોથી અવગત થયા.

ફીજી દેશના પ્રતિનિધિ મંડળે બે દિવસ દરમિયાન બનાસ ડેરીની મુલાકાત લીધી, જેમાં તેમણે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશભરના ડેરી ઉદ્યોગમાં બનાસ ડેરીના અભૂતપૂર્વ યોગદાન અને દૂધ ઉત્પાદન સિવાયના અન્ય સાહસો અંગેનો અભ્યાસ કર્યો. તેમણે બનાસ ડેરીના આઈસ્ક્રીમ પ્લાન્ટ, યુ.એચ.ટી. પ્લાન્ટ, લિક્વિડ મિલ્ક પ્લાન્ટ, મધ પ્લાન્ટ, ટી.એચ.આર. પ્લાન્ટ, ઓઈલ પ્લાન્ટ, અને બાયોગેસ સી.એન.જી. પ્લાન્ટની મુલાકાત લીધી. વધુમાં, તેઓએ બનાસ ડેરીએ દૂધ ઉત્પાદન સિવાય શરૂ કરેલા અન્ય સાહસો વિશે જાણીને ચેરમેન શંકરભાઈના નેતૃત્વમાં થયેલ અભૂતપૂર્વ વિકાસલક્ષી કાર્યોની ખૂબ પ્રશંસા કરી.


બનાસકાંઠા જિલ્લાના જોઈતા ગામમાં આવેલા આદર્શ ડેરી ફાર્મ પર જઈને, ફીજી દેશના પ્રતિનિધિ મંડળે ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે કરવામાં આવતા પશુપાલન વ્યવસાય અંગે વિગતવાર માહિતી મેળવી. સાથે જ, તેમણે બનાસ ડેરીની ટીમ સાથે ડેરી ઉદ્યોગ, સંઘના વહીવટ, નેતૃત્વ, અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ સંદર્ભે સવિસ્તાર ચર્ચા કરીને વિવિધ પાસાઓની માહિતી મેળવી.
ચેરમેન શંકરભાઈના નેતૃત્વમાં, બનાસ ડેરીએ દૂધ ઉત્પાદન સિવાય અનેક સાહસો શરૂ કરીને પશુપાલકો અને ખેડૂતોની આવક બમણી કરવામાં સફળતા મેળવી છે, જે વિશ્વના લોકો માટે પ્રેરણાદાયી છે. આજે, બનાસ ડેરી સહકારી ક્ષેત્ર અને ડેરી ઉદ્યોગ અંગે અભ્યાસ માટેનું એક કેન્દ્રસ્થાન બની ગઈ છે, જેના કારણે વિશ્વભરના લોકો બનાસનાં સહકારી માળખાનો અભ્યાસ કરવા માટે બનાસ ડેરીની મુલાકાત લે છે. ફીજીના પ્રતિનિધિ મંડળે બનાસ ડેરીના અભ્યાસથી સંતોષ વ્યક્ત કર્યો અને તેમના દેશમાં ડેરી ઉદ્યોગના વિકાસ માટે આ મુલાકાત ખૂબ જ ઉપયોગી રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.

આ પણ વાંચો : બનાસકાંઠા : આગથળા- ધુણસોલ- ધાનેરા રોડના વાઈડનિંગ અને સ્ટ્રેન્ધનિંગ કામ માટે રૂ. ૪૪.૫૬ કરોડની મંજૂરી

Back to top button