કપિલ સાથેની લડાઈ ‘પબ્લિસિટી સ્ટંટ’, મારી ‘ઘર વાપસી’ થઈઃ સુનીલ ગ્રોવર
- ઓટીટી પર આવવા કરતા પણ કપિલના ફેન્સ માટે ઉત્સાહની વાત એ છે કે કપિલ હવે પોતાના ટીમમેટ સુનીલ ગ્રોવર સાથે ફરી વખત જોવા મળશે. બંનેની લડાઈ બાદથી જ તેમના ફેન્સ રાહ જોઈ રહ્યા હતા કે બંને એક થાય અને સાથે જોવા મળે
27 માર્ચ, મુંબઈઃ કપિલ શર્મા ટેલીવિઝન બાદ હવે ઓટીટી પ્લેટફોર્મ પર છવાઈ જવા માટે તૈયાર છે. ખૂબ જ જલ્દી કપિલ નેટફ્લિક્સ પર પોતાના નવા શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો સાથે જોવા મળશે. આ શોને લઈને લાંબા સમયથી કપિલ ચર્ચામાં છે. ઓટીટી પર આવવા કરતા પણ કપિલના ફેન્સ માટે ઉત્સાહની વાત એ છે કે કપિલ હવે પોતાના ટીમમેટ સુનીલ ગ્રોવર સાથે ફરી વખત જોવા મળશે. બંનેની લડાઈ બાદથી જ તેમના ફેન્સ રાહ જોઈ રહ્યા હતા કે બંને એક થાય અને સાથે જોવા મળે, હવે એ સમય આવી ચૂક્યો છે.
શોમાં કમબેક કરીને ખુશ છે સુનીલ
2017માં કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની વચ્ચે લડાઈ થઈ હતી. એક ફ્લાઈટમાં બંનેની વચ્ચે લડાઈ થયા બાદ બંને અલગ થઈ ગયા હતા. હવે વર્ષો બાદ બંને કોમેડિયન ફરી એક સાથે આવી રહ્યા છે. હવે શોની એક પ્રેસ મીટ દરમિયાન કપિલ અને સુનીલે એકબીજાની સાથે હળવી પળો માણી હતી અને કહ્યું કે તેમની લડાઈ એક ‘પબ્લિસિટી સ્ટંટ’ હતી. આ ઈવેન્ટમાં સુનીલે જણાવ્યું કે સાથે રિહર્સલ કરતી વખતે અમે ઘણો સમય સાથે પસાર કર્યો છે. સુનીલે એમ પણ કહ્યું કે આ તેમના માટે ‘ઘર વાપસી’ જેવું છે. તેમણે કહ્યું કે તેઓ આ શોનો હિસ્સો બનીને ખુશ છે. આ એક એવી જગ્યા છે જ્યાં કામ કામ જેવું લાગતું નથી. હું ખુદને ખુશકિસ્મત માનું છું. અમે આખો દિવસ હસતા રહેતા હતા અને સ્ટેજ પર પણ એજ હાસ્ય લઈને જઈએ છીએ.
લડાઈ નહિ પબ્લિસિટી સ્ટંટ હતો
ઈવેન્ટમાં જ્યારે કપિલ શર્માએ ફ્લાઈટમાં થયેલી લડાઈને લઈને વાત કરી તો સુનીલે કહ્યું કે તે તેનું અને કપિલનું નાટક હતું, જે ત્યારથી તેઓ આ નવા શોને પ્રમોટ કરવા માટે કરી રહ્યા હતા. એ સમયે નેટફ્લિક્સ ભારતમાં નવું હતું, તો અમને લાગ્યું હતું કે ટેલીવિઝનના ઓડિયન્સને બાંધી રાખવા માટે કંઈક કરવું પડશે. તેથી અમને પબ્લિસિટી સ્ટંટ માટે લડાઈનો આઈડિયા આવ્યો.
આ પણ વાંચોઃ રામાયણના ‘રામ’ને લોકસભા ઈલેક્શન લડવા પર મહાભારતના ‘શ્રીકૃષ્ણ’એ શું કહ્યું?