પાંચમા તબક્કાનો ચૂંટણી પ્રચાર પૂર્ણ : સોમવારે 49 બેઠકો ઉપર મતદાન
- 49 લોકસભા બેઠક ઉપર યોજાશે મતદાન
- બે કેન્દ્રશાસિત પ્રદેશો સહિત આઠ રાજ્યોમાં મતદાન
નવી દિલ્હી, 18 મે : લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાના ચૂંટણી પ્રચારનો આજે સાંજે અંત આવ્યો છે. પાંચમા તબક્કા હેઠળ સોમવારે બે કેન્દ્રશાસિત પ્રદેશો સહિત આઠ રાજ્યોની 49 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં ઘણી હાઈપ્રોફાઈલ સીટો પર પણ મતદાન થશે.
આ રાજ્યોમાં આટલી સીટો પર વોટિંગ
પાંચમા તબક્કા હેઠળ બિહારની 5, ઝારખંડની 3, મહારાષ્ટ્રની 13, ઓરિસ્સાની 5, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની 7 અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની 1-1 બેઠક પર મતદાન થશે. આ બેઠકો માટે 695 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 613 પુરુષ અને 82 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પાંચમા તબક્કામાં દરેક લોકસભા મતવિસ્તારમાં સરેરાશ 14 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
આ દિગ્ગજોનું ભાવિ નક્કી થશે
આ તબક્કામાં અમેઠી અને રાયબરેલીમાં પણ મતદાન થશે. કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી રાયબરેલીથી જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે. આ સાથે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, પીયૂષ ગોયલ ઉપરાંત રોહિણી આચાર્ય અને ચિરાગ પાસવાન જેવા દિગ્ગજ નેતાઓને પણ અહીં લિટમસ ટેસ્ટનો સામનો કરવો પડ્યો છે.
ચોથા તબક્કામાં 69.16 ટકા મતદાન
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ 96 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું. આ તબક્કામાં મતદાનની ટકાવારી 69.16 ટકા હતી, જે અગાઉની લોકસભા ચૂંટણી કરતાં 3.65 ટકા વધુ હતી. ઉલ્લેખનીય છે કે, 8.97 કરોડ પુરૂષ મતદારોમાંથી 69.58 ટકા અને 8.73 કરોડ મહિલા મતદારોમાંથી 68.73 ટકાએ મતદાન કર્યું હતું. આ તબક્કામાં બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને બંગાળમાં મતદાનમાં મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં વધુ હતી.