અમદાવાદએજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

‘ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસ’નો પાંચમો પદવીદાન સમારોહ સંપન્ન

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટીટ્યુટ ખાતે યોજાયો કાર્યક્રમ
  • રાજ્યપાલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે GUTSના ૮૪ વિદ્યાર્થીઓને ડૉક્ટર્સની ડિગ્રી અને પ્રમાણપત્ર એનાયત કરાયા

અમદાવાદ, 3 જાન્યુઆરી : પ્રત્યારોપણ-ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રમાં વિશ્વપ્રસિદ્ધ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ- મેડિસિટીમાં કાર્યરત ભારતની ટોચની સંસ્થા ગુજરાત પ્રત્યારોપણ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના પાંચમા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે યુરોલૉજી, નેફ્રોલૉજી, બાળ ચિકિત્સા નેફ્રોલૉજી અને ઍનેસ્થેસિયોલૉજીના ૮૪ સ્નાતકોત્તર ડૉક્ટર્સને પદવી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

પ્રત્યારોપણ વિજ્ઞાનમાં સેવા, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે કાર્યરત આ વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમના માનવસેવા માટેના સમર્પણ, મહેનત અને નિષ્ઠા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અભિનંદન આપ્યા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ જણાવ્યું કે, આ નિશ્ચિતપણે ગર્વની વાત છે કે ગુજરાત પ્રત્યારોપણ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના જી.આર. દોશી અને કે.એમ. મહેતા કિડની રોગ અને સંશોધન કેન્દ્ર તેમજ ડૉ.એચ.એલ. ત્રિવેદી પ્રત્યારોપણ વિજ્ઞાન સંસ્થાને એક નવો ઈતિહાસ સર્જ્યો છે. આજે પદ્મશ્રી ડૉ. એચ.એલ. ત્રિવેદીજીના આત્માને નિશ્ચિતપણે આનંદની અનુભૂતિ થઈ રહી હશે.

 

વર્ષ-1981માં, જ્યારે ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રમાં વિચારવું પણ મુશ્કેલ હતું, ત્યારે તેમણે એક દુરંદેશી ભર્યા દ્રષ્ટિકોણ સાથે આ અભિયાન શરૂ કર્યું હતું. આજે તેમનું આ સપનું સાકાર થતું જોવું એ અત્યંત આનંદની વાત છે. આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો દ્રષ્ટિકોણ હંમેશા નવનિર્માણ અને ઉત્કૃષ્ટતા તરફનો રહ્યો છે. તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી, રક્ષા યુનિવર્સિટી અને ટીચર્સ ટ્રેનિંગ યુનિવર્સિટી જેવી સંસ્થાઓની સ્થાપનાથી દેશને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે.

આ જ શૃંખલામાં ગુજરાત યુનિવર્સિટી ઑફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસની સ્થાપના પણ તેમના ‘ડ્રિમ પ્રોજેક્ટ્સ’નો ભાગ છે, જે ભારતને વૈશ્વિક કક્ષાએ અન્ય રાષ્ટ્રોની સમકક્ષ મૂકવાના તેમના સંકલ્પને દર્શાવે છે. ગુજરાત યુનિવર્સિટી ઑફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસના વાઈસ ચાન્સેલર ડૉ. પ્રાંજલ મોદી અને તેમની સમગ્ર ટીમના માનવ સેવા પ્રત્યેના સમર્પણ અને નિષ્ઠા અભૂતપૂર્વ છે. તેમણે પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે આ સંસ્થાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી છે એમ કહીને આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, મહેનત અને લગનથી આ સંસ્થા આવનારા સમયમાં વધુ ઊંચાઈઓને આંબશે.

સ્નાતકોત્તર ડૉક્ટર્સને માર્ગદર્શન આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ જણાવ્યું કે, આપણા શાસ્ત્રોમાં લખેલું છે કે, વિદ્યાર્થી અભ્યાસ પછી જ્યારે કાર્યક્ષેત્રમાં જાય, તો ત્યારે તેનો ધ્યેય શું હોવો જોઈએ? શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે, ‘પરજનો અભિવર્ષદ’. એટલે કે, જેમ વાદળ સમુદ્રના ખારા પાણીને મીઠું બનાવીને ઉપાડે છે અને જ્યાં જરૂર છે એવી જમીન પર વરસાવીને જીવન આપે છે. તેમ એક વિદ્યાર્થીએ પણ પોતાનું જ્ઞાન પોતાની પાસે મર્યાદિત રાખવું જોઈએ નહીં. જ્ઞાનને સમાજના કલ્યાણ માટે વહેંચવું જોઈએ. તમારા જ્ઞાન અને કૌશલ્યનો હેતુ લોકોને સ્વસ્થ અને નિશ્ચિંત કરવાનું હોવો જોઈએ.

તેમણે કહ્યું કે ડૉક્ટરનો વ્યવસાય માત્ર એક કારકિર્દી નથી, પરંતુ તે સમાજસેવાનું સૌથી પવિત્ર સ્વરૂપ છે. જ્યારે એક બીમાર વ્યક્તિ ડૉક્ટર પાસે જાય છે, ત્યારે તે ડૉક્ટર પ્રત્યે અખૂટ વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે. તમે પણ અનુભવ્યું હશે કે જ્યારે ડૉક્ટર એક બીમાર વ્યક્તિનો હાથ પકડીને કહે છે કે, “ચિંતા ન કરો, તમે સંપૂર્ણ રીતે ઠીક થઇ જશો,” ત્યારે દર્દીની અડધી બીમારી ત્યાં જ ઓછી થઈ જાય છે. આ ડૉક્ટર અને દર્દી વચ્ચેના વિશ્વાસનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

અંતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આજે દેશમાં રોગચાળો વધી રહ્યો છે તેનું મુખ્ય કારણ વર્તમાન ખાદ્યપદાર્થો અને યુરિયા, ડીએપી જેવા કેમિકલયુક્ત અનાજ છે. આપણે સૌએ ભૌતિક વિકાસની સાથે સાથે પ્રકૃતિને સંભાળવી પણ અનિવાર્ય છે, માટે પ્રાકૃતિક ખેતી દ્વારા સાત્વિક આહાર લેવો જોઈએ. શુદ્ધ સાત્વિક આહાર એ સ્વસ્થ સ્વાસ્થ્યનું પ્રથમ પગથિયું છે તેમ તેમણે જણાવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસ માનવ સ્વાસ્થ્ય માટે ઉમદા કામગીરી કરી રહ્યું છે તે બદલ GUTSના તમામ લોકોને તેમણે શુભેચ્છાઓ પાઠવી હતી. સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે તેના ભાગરૂપે જ ટુંક સમયમાં કિડની એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં રોબોટિક સર્જરી શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે જે વિદ્યાર્થી- ડોક્ટર્સને ડિગ્રી પ્રમાણપત્ર પ્રાપ્ત થયા છે તે માત્ર પ્રમાણપત્ર નથી પરંતુ દર્દીઓના જીવનમાં ખુશીઓ ફેલાવવા માટેનું તેમજ સ્વાસ્થ્યમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેનું પ્રમાણપત્ર છે. તદ્ઉપરાંત તેમણે તમામ વિદ્યાર્થીઓને પોતાની સંપૂર્ણ જવાબદારી સમજી રાષ્ટ્ર અને માનવ સમાજ માટે કાર્યરત રહેવાની શીખ આપી હતી. એક શ્રેષ્ઠ ડોક્ટરે બદલાતી રહેતી ટેકનોલોજી સાથે ચાલવા માટે સતત નવું શિક્ષણ મેળવતા રહેવું અનિવાર્ય હોય છે માટે આપ સૌએ પણ આ શિક્ષણ માટે પ્રયત્નશીલ રહેવું પડશે તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે ડોકટરની પદવી ધારક તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસના વાઇસ ચાન્સેલર પ્રાંજલ મોદીએ કર્યું હતું. જેમાં તેમણે GUTS દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અને ભવિષ્યમાં અમલી બનનારા કોર્સિસ અને કિડની ઇન્સ્ટીટ્યુટના ભવિષ્યના આયોજન વિશેનો ચિતાર રજૂ કર્યો હતો. આ ક્ષણે તેમણે એમ પણ જણાવ્યું હતુ કે, વર્ષ-૨૦૨૪ માં ૪૪૩ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનારી કિડની ઇન્સ્ટિટ્યુટ સરકારી સંસ્થાઓમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે.

આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, એડિશનલ ડાયરેક્ટર રાધવેન્દ્ર દીક્ષિત આઇ.કે.આર.ડી.સી. સંસ્થાના ગુરૂમાતા સુનીતાબેન ત્રિવેદી, GUTSના રજીસ્ટ્રાર કમલભાઈ મોદી, અમદાવાદ સિવિલ મેડિસિટીની વિવિધ સંસ્થાના ડાયરેક્ટર, સુપ્રિટેન્ડન્ટ, ડીન તેમજ GUTSના બોર્ડ મેમ્બર્સ, ડોક્ટર્સ અને અન્ય સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચો :- દિલ્હી CM આતિશી સામે કોંગ્રેસના આ મહિલા નેતા ચૂંટણી લડશે, અગાઉ હતા AAPના MLA

Back to top button