FIFA WC: કતારમાં ત્રણ દિવસમાં બે પત્રકારોની થઈ હત્યા, જાણો શું છે સમગ્ર મામલો
કતારમાં હાલ ફિફા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં ત્યાંથી મોટી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. કતાર ખાતે ત્રણ દિવસમાં બે પત્રકારોના મોત થયા છે. મંગળવારે કતારના એક ફોટો જર્નાલિસ્ટ ખાલિદ-અલ-મિસલામના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ ખાલિદ કતારમાં અલ કાસ ટીવી માટે કામ કરતો હતો. આ ઉપરાંત આ પહેલા શનિવારે, એક અમેરિકન પત્રકાર ગ્રાન્ટ વોલના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા હતા. ગ્રાન્ટે સમલૈંગિક સમુદાયના સમર્થનમાં રેઈન્બો શર્ટ પહેર્યું હતું. આ પછી, સ્થાનિક પોલીસે તેની અટકાયત કરી અને પછી થોડા દિવસો પછી વોલના મૃત્યુના સમાચાર મળ્યા હતા.
આ પણ વાંચો : વર્લ્ડ કપની સેમીફાઈનલ નહિ રમી શકે લિયોનેલ મેસ્સી : ફિફા કરી રહ્યું છે પ્રતિબંધની તૈયારી ?
કેવી રીતે ખાલિદનું અચાનક થયું નિધન ?
તાજેતરમાં ફોટો જર્નાલિસ્ટ ખાલિદના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેમના મૃત્યુના સમાચાર સૌથી પહેલા સ્થાનિક સમાચાર એજન્સી ગલ્ફ ટાઈમ્સે આપ્યા હતા. તેમણે લખ્યું- ફિફા વર્લ્ડ કપ કવર કરતી વખતે ખાલિદનું અચાનક નિધન થઈ ગયું. આ સિવાય ટ્વીટમાં એવું કહેવામાં આવ્યું હતું કે- અમે તેના નિધન પર દયા અને શોકની લાગણી અનુભવીએ છીએ અને તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.
કતારના અલ કાસ ટીવીએ પણ જીવંત પ્રસારણમાં સમાચારની પુષ્ટિ કરી અને કહ્યું કે તેઓ વધુ વિગતોની રાહ જોઈ રહ્યા છે. માંડ 48 કલાક પહેલા, અમેરિકન પત્રકાર ગ્રાન્ટ વોલનું લુસેલ સ્ટેડિયમમાં આર્જેન્ટિના અને નેધરલેન્ડ વચ્ચેની ક્વાર્ટર ફાઈનલ મેચને કવર કરતી વખતે અચાનક પડી જવાથી મૃત્યુ થયું હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
વોલના ભાઈએ કતાર સરકાર પર કર્યા આક્ષેપો
ગ્રાન્ટ વોલના ભાઈ એરિકે આક્ષેપ કર્યો હતો કે કતાર સરકાર આ ઘટનામાં સામેલ હોઈ શકે છે, જ્યારે ગ્રાન્ટની પત્નીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તે આ ઘટના વિશે સાંભળીને તે ચોંકી ગઈ હતી. કતારમાં સમલૈંગિક સમુદાયના સમર્થનમાં રેઈન્બો શર્ટ પહેરવા બદલ ગ્રાન્ટ વોલને થોડા સમય માટે અટકાયત કરવામાં આવી હતી અને કતારના અધિકારીઓએ તેનો ફોન છીનવી લીધો હતો.