અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

MORNING NEWS CAPSULEમાં અમેરિકાના જંગલમાં ભીષણ આગ, અમદાવાદના એલીસબ્રીજ પર વધુ એક અકસ્માત, જાણો 80 હજાર કરદાતાઓને કેમ ITએ નોટિસ આપી

ગુજરાત હાઈકોર્ટના 4 જજની બદલીની ભલામણ
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટની કોલજિયમ દ્વારા અલ્હાબાદ હાઇકોર્ટના જજ સુનિતા અગ્રવાલને ગુજરાત હાઇકોર્ટના ચીફ જજ અને ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જજ આશિષ. જે. દેસાઈને કેરાલા હાઇકોર્ટના ચીફ જજ બનાવવા માટે ભલામણ કરાઈ હતી. જેને રાષ્ટ્રપતિની મંજૂરી મળતા ગુજરાત હાઇકોર્ટને બીજા નવા મહિલા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે.ત્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડ અને અન્ય ચાર જજોની બનેલી કોલેજિયમની 3 ઓગષ્ટના રોજ મળેલ મિટિંગમાં દેશની હાઇકોર્ટોમાં જજની બદલીની ભલામણ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટના ચાર જજને અન્ય હાઇકોર્ટમાં બદલીની ભલામણ કરાઈ છે. તો પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના જજ અવનીશ જીંગાનની અને આંધ્રપ્રદેશ હાઇકોર્ટના જજ માનવેન્દ્રનાથ રોયની ગુજરાત હાઇકોર્ટમાં ટ્રાન્સફર માટે ભલામણ કરાઈ છે.

અમદાવાદના એલીસબ્રીજ પર હીટ એન્ડ રન
અમદાવાદમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ ગત મોડીરાત્રે અમદાવાદના એલીસબ્રીજ પર હીટ એન્ડ રનની ઘટના બની હતી. પ્રાથમિક વિગતો મુજબ આ ઘટનામાં એક યુવકનું મોત થયું છે. ઘટનાને લઈ લોકો ભેગા થઈ ગયા હતા. આ તરફ અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. મહત્વનું છે કે, મોડીરાત્રે અમદાવાદના એલિસબ્રિજ પરથી જમાલપુર વિસ્તારનો સાહિલ અજમેરી નામનો યુવક બાઈક લઈ પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક બેફામ કારચાલકે બાઇકને અડફેટે લેતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા બાદ તેનું મોત થયું હતું.

અમેરિકન સિંગર મેરી મિલબેને મણિપુર મુદ્દે PM મોદીનું સમર્થન કર્યું
અમેરિકન સિંગર મેરી મિલબેને મણિપુર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું છે. વાત જાણે એમ છે કે, મિલબેને કહ્યું કે, PM મોદી હંમેશા પૂર્વોત્તરના લોકો માટે ઉભા રહેશે. મેરી મિલેબેનનું નિવેદન ગુરુવારે સંસદમાં PM મોદીના ભાષણ પછી આવ્યું છે. ગુરુવારે PM મોદીએ તેમની સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો.મેરી મિલબેને વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર નિશાન સાધ્યું અને કહ્યું કે, તેનાથી વિદેશમાં ભારતની છબી ખરાબ થઈ છે. તેમણે ટ્વીટ કર્યું કે, સત્ય એ છે કે ભારતને તેના નેતામાં વિશ્વાસ છે. મણિપુરની માતાઓ, પુત્રીઓ અને મહિલાઓને ન્યાય મળશે. PM મોદી હંમેશા તમારી પડખે રહેશે. વિપક્ષના અવાજનો કોઈ આધાર નથી. સત્ય એ છે કે સત્ય હંમેશા લોકોને મુક્ત કરે છે.આ સાથે તેમણે કહ્યું કે, ડૉ. માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના શબ્દોમાં ‘લેટ ફ્રીડમ રિંગ’. PM મોદી, મને તમારામાં પૂરો વિશ્વાસ છે. હું તમારા માટે પ્રાર્થના કરું છું. તમને જણાવી દઈએ કે, પુરસ્કાર વિજેતા આંતરરાષ્ટ્રીય ગાયિકા મિલેબન આ વર્ષે જૂનમાં તેમના યુએસ પ્રવાસ દરમિયાન PM મોદીને મળી હતી.

અમેરિકાના હવાઈના જંગલમાં લાગી ભીષણ આગ
અમેરિકાના હવાઈમાં સ્થિત માયુના જંગલોમાં ભીષણ આગ લાગી છે. આગના કારણે 36 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. લોકો જીવ બચાવવા માટે દરિયામાં કૂદી રહ્યા છે. એટલું જ નહીં આ ટાપુના ઐતિહાસિક નગરોનો મોટો હિસ્સો આગને કારણે નાશ પામ્યો છે.જંગલમાં લાગેલી આગને કારણે લહેના શહેરમાં પર્યટન સ્થળોને મોટું નુકસાન થયું છે. યુએસ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જંગલમાં આગના ઝડપી ફેલાવવા માટે ચક્રવાત ડોરા પણ જવાબદાર છે, જોરદાર પવનોને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. મહત્વનું છે કે,રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ હવાઈમાં લાગેલી આ ભીષણ આગને કારણે જાનમાલના નુકસાનને રોકવા માટે કેન્દ્રીય મદદ મોકલી છે. મળતી માહિતી અનુસાર યુએસ આર્મીની સાથે કોસ્ટ ગાર્ડ અને નેવીને પણ બચાવકાર્ય માટે તૈનાત કરવામાં આવી છે. મરીન તરફથી આગ પર કાબૂ મેળવવા માટે બ્લેક હોક હેલિકોપ્ટર આપવામાં આવ્યા છે.

અમદાવાદના 80 હજાર કરદાતાઓને અપાઇ નોટિસ
અમદાવાદના લગભગ 80 હજાર જેટલા કરદાતાઓને કરકપાત મુદ્દે નોટિસ આપવામાં આવી છે. રિટર્નની મુદ્દત પૂરી થયા બાદ 10 દિવસમાં ખુલાસા માંગવામાં આવ્યા છે.મહત્વનું છે કે કરકપાત માટે જરૂરી દસ્તાવેજ રજૂ ન કરતા કરદાતાઓને ITએ નોટિસ પાઠવી છે. રિટર્નની વિગતો મિસમેચ થવાના કારણોમાં નોટિસ મોકલી જેનો 7 દિવસમાં જવાબ રજૂ કરવા માટે સમય અપાયો છે. ફાઇલ કરવામાં આવેલા રિટર્નમાં મિસમેચ હોય તેવા કિસ્સામાં કરદાતાઓને નોટિસ અપાઈ છે. નોટિસ મળેલી મુદતમાં જરૂરી પુરાવા સાથે જવાબ રજૂ કરવો ફરજિયાત કરાયો છે. મહત્વનું છે કે,ITએ નોટિસ દ્વારા ટેક્સપેયરે કરેલ ઈપીએફનું વ્યાજ, મકાન ભાડું, શિક્ષણ ફી તેમજ મ્ચ્યુઅલફંડ, વીમાનું વ્યાજ, હાઉસિંગ લોનનું વ્યાજ, હાઉસિંગ લોનના હપ્તા અને ફિક્સ ડિપોઝિટમાં રોકાણના દાવા કર્યા હતા. જેને લઈને આ દાવા પર ખુલાસો પૂછવામાં આવ્યો છે.

ખનીજ વહન કરતા વાહનોને લઈને મહત્વના સમાચાર
ખનીજ વહન કરતા વાહનોને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં હવે ખનીજ વહન કરનાર વાહનમાં GPS ફરજિયાત કરાયુ છે. જેનાં ભાગરૂપે આગામી તા. 30 સપ્ટેમ્બર-2023 પછી પોર્ટલ પર નોંધણી ન કરાવનાર વાહનો ખનીજ વહન માટે અમાન્ય ગણાશે. આગામી તા. 30 સપ્ટેમ્બરથી જીપીએસ બેઝડ વ્હિકલ ટ્રેકિંગ ડિવાઇસ થકી VTMS પોર્ટલ પર નોંધણી ન કરાવનાર વાહનો રાજ્યમાં ખનીજ ખનન કે વાહન તથા સંગ્રહ માટે ગેરકાયદે ગણાશે.આ અંગે ગત તા. 28મી જુલાઈ 2023 ના રોજ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરે પરિપત્ર જાહેર કર્યો હતો અને આ પરિપત્રમાં જ જીપીએસ બેઝડ વ્હિકલ ટ્રેકિંગ ડીવાઇઝ લગાવવું ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટમાં પાંચમા દિવસે કલમ 370 પર સુનાવણી થઈ
સુપ્રીમ કોર્ટમાં પાંચમા દિવસે કલમ 370 પર સુનાવણી થઈ હતી. જેમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ પૂર્ણ થઈ ગયું છે. કાશ્મીરને કોઈપણ શરત વિના ભારતમાં વિલીન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મર્જર સંપૂર્ણ હતું. પરંતુ એ કહેવું મુશ્કેલ છે કે, અનુચ્છેદ 370 ક્યારેય રદ કરી શકાય નહીં. આ દરમિયાન જમ્મુ અને કાશ્મીર બાર એસોસિએશન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ઝફર અહેમદ શાહે કલમ 370 લાગુ થયા પહેલા બનેલી ઘટનાઓ વિશે જણાવ્યું. કોર્ટે કહ્યું કે, અનુમાન લગાવી શકાય નહીં કે અનુચ્છેદ 370 પછી ભારતીય બંધારણ જમ્મુ અને કાશ્મીરમાં સાર્વભૌમત્વના કેટલાક તત્વને જાળવી રાખે છે. જમ્મુ અને કાશ્મીરની સાર્વભૌમત્વ સંપૂર્ણપણે ભારતને સોંપવામાં આવી હતી.

Back to top button