સુરતમાં ફટાકડાની દુકાનમાં ભીષણ આગ, 11 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી


દિવાળીના તહેવારની શરૂઆત પહેલાં જ મોટી આગની ઘટના સામે આવી છે. સુરતના મોરાભાગળ રામનગર વિસ્તારમાં રવિવારની સવારના રોજ ફટાકડાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. પ્રારંભિક માહિતી અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાના પગલે ફટાકડાની દુકાનનું આખું ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું. આગની ઘટનાની જાણ થતા 11 જેટલી ફાયર ફાઇટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.
જો કે આગ કયા કારણસર લાગી છે તે પાછળનું કારણ હજુ સુઘી અકબંઘ છે. ત્યાં હાજર રાહદારીઓ પણ ગભરાઈ ગયા હતા. ફટાકડાની દુકાનમાં આગ લાગતા ધુમાડો પણ ખૂબ મોટા પ્રમાણમાં બહાર આવ્યો હતો અને સાથે સાથે ઘડાકાના અવાજ પણ વધુ આવવાના કારણે આસપાસના વિસ્તારમાં પણ ફફડાટ ફેલાયો હતો.
ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર સી.કે.ક્રેકર્સ નામની દુકાનમાં આગ લાગવાની ઘટનાનો કોલ મળતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી છે. મોરા ભાગળ, અડાજણ, રામનગર સહિતની 11 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી છે. અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
આ પણ વાંચો : દિવાળીમાં નવું જાહેરનામુ : રાજકોટમાં રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ