મોરબીઃ હળવદમાં ફટાકડાંના સ્ટોલ જેવી નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી થતાં ફાયરિંગ, પોલીસ તપાસ શરૂ
મોરબી/હળવદઃ મોરબી જિલ્લાના હળવદ સરા ચોકડીએ ફટાકડાના સ્ટોલ મામલે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સ્ટોલ બાબતે 4 શખ્સો વચ્ચે બબાલ થતા ફાયરિંગ કરાયું હતું, જેને પગલે સમગ્ર વિસ્તારમાં સોપો પડી ગયો હતો. જોકે આ ઘટનાની જાણ થતા જ તુરંત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
ફટાકડાના સ્ટોલ બાબતે બબાલ
રવિવારે રાત્રે લગભગ સાડા નવથી પોણા દસ વાગ્યાની આસપાસ સરા ચોકડીએ ફટાકડાના સ્ટોલ જેવી નજીવી બાબતે 4 શખ્સો વચ્ચે માથાકૂટ અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારે ઉગ્ર રોષે ભરાઇ જતા પંકજ ગોઠી નામના શખ્સે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જો કે ફાયરિંગની આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ ન હતી.
થોડાં દિવસ પહેલાં જ પાલિકા દ્વારા આ વિસ્તારમાંથી દુકાનોના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે આજે ફટાકડાંના સ્ટોલ રાખવા બાબતે માથાકૂટ થઈ હતી, જે બાદ બે જેટલા રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યા હોવાની ઘટના સામે આવી રહી છે. હળવદ પોલીસ સ્ટેશનના PSI દ્વારા આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ પોલીસને આ ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે જઇને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.
તાજેતરમાં જ ફાયરિંગની ઘટના સામે આવી હતી
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે. હાલમાં જ સાયલા તાલુકાના ધાંધલપુર ગામના પૂર્વ સરપંચ પર ડોળીયા ગામ પાસે બે રાઉન્ડ ફાયરિંગ થયાની ઘટના ઘટી હતી. જે કેસમાં પોલીસે પાંચ લોકો વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધી છે અને આ મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે.