
Gangrape victim marriage: ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે, જે સમાજમાં સ્ત્રી સન્માન અને સંબંધોની સાચી પરિભાષા રજૂ કરે છે. ગેંગરેપ જેવી હૃદયદ્રાવક ઘટનાનો ભોગ બનેલી યુવતીનો તેના મંગેતરે સાથ છોડવાને બદલે તેની સાથે લગ્ન કરીને નવી શરૂઆત કરી છે. બંનેએ સિદ્ધપીઠ તાંબેશ્વર મંદિરમાં ભગવાન શિવને સાક્ષી રાખીને સાત ફેરા ફર્યા હતા. આ લગ્નનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો યુવકના નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે.
માહિતી અનુસાર, 24 એપ્રિલના રોજ ફતેહપુર જિલ્લાના ખાગા કોતવાલી વિસ્તારમાં યુવતી પોતાની બૂઆના ઘરે જઈ રહી હતી. તે દરમિયાન રસ્તામાં ત્રણ શખ્સોએ તેને બળજબરીથી બંધક બનાવી તેના પર ગેંગરેપ આચર્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી આપ્યા હતા.
સામાન્ય રીતે આવી દુર્ઘટનાઓ બાદ પીડિતાઓને સામાજિક તિરસ્કારનો સામનો કરવો પડે છે અને અનેક વખત સંબંધો પણ તૂટી જાય છે. પરંતુ આ ઘટનામાં યુવતીના મંગેતરે સમાજ માટે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઘટનાના બાદ તેણે યુવતીનો સાથ છોડ્યો નહીં, પરંતુ વધુ સન્માન અને વિશ્વાસ સાથે તેને જીવનસાથી તરીકે સ્વીકારી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
શહેરના પ્રસિદ્ધ તાંબેશ્વર મંદિરમાં બંને પરિવારોની હાજરીમાં સાદાઈથી લગ્નવિધિ પૂર્ણ કરવામાં આવી હતી. ભગવાન શિવને સાક્ષી રાખીને બંનેએ એકબીજાને જયમાળા પહેરાવી જીવનભર સાથ નિભાવવાનો સંકલ્પ લીધો હતો. લગ્ન દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો યુવકની સંવેદનશીલતા અને હિંમતની પ્રશંસા કરી રહ્યા છે.
લગ્ન બાદ નવદંપતીએ મીડિયા સમક્ષ વધુ વાતચીત કરવાનું ટાળ્યું હતું, પરંતુ તેમના ચહેરા પર દેખાતી ખુશી ઘણું કહી રહી હતી. પરિવારજનોએ પણ આ લગ્નને લઈને સંતોષ વ્યક્ત કર્યો હતો. પરિવારનું કહેવું છે કે તેઓ ભૂતકાળની દુખદ ઘટના ભૂલીને હવે નવા જીવનની શરૂઆત કરવા માંગે છે. બંને એકબીજાની સાથે ખુશ છે અને પરિવાર પણ આ સંબંધથી આનંદિત છે.
આ પણ વાંચો: તારાપુર-વટામણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: 4 લોકોના ઘટનાસ્થળે મોત, 5ની હાલત ગંભીર











