ખાતર કૌભાંડ : સબસિડીવાળા ખાતરના 300 કટ્ટા બીજી થેલીઓમાં ભરવાનો પ્લાન હતો
- ખાતર કૌભાંડના આરોપી કાનજી ચૌધરીને બે દિવસના રિમાન્ડ
પાલનપુર : પાલનપુરમાં સરકારી સબસીડીવાળુ ખાતર ખેડૂતોને આપવાના બદલે ઔદ્યોગિક એકમોમાં બારોબાર વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ મંગાયા હતા. જેને બે દિવસના રિમાન્ડ આપ્યા છે. દરમિયાન ખાતરનું બારોબારીયું કરતી આ ટોળકીને ગોડાઉનમાં 300 કટ્ટા બીજી થેલીઓમાં ભરવાનો મોકો મળ્યો ન હતો. સબસીડીવાળું ખાતર સીધું વેચવાના કૌભાંડથી સરકારને રૂપિયા 6 લાખનું નુકસાન થયું છે.
પાલનપુરના જગાણા નજીક નેશનલ બલ્ક હેડિંગ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનમાંથી બનાસકાંઠા એલસીબીની ટીમે મંગળવારે જુનાડીસાની જય ગોગા એગ્રો માંથી લવાયેલું સબસીડીવાળું 6.57 લાખનું યુરીયા ખાતર કબ્જે લીધું હતું. અને એક આરોપી કાનજી ચૌધરીની અટકાયત કરી હતી. જ્યારે કૌભાંડ આચરનારી ટોળકી પાટણના ટ્રક ચાલક મુકેશ રાવળ, મદદગારી કરનાર નરેશભાઈ, જય ગોગા એગ્રોનો પ્રોપરાઈટર તેમજ મુખ્ય સૂત્રધાર પાટણના દુધારાપુરના અશોકભાઈ વિરમભાઈ ચૌધરી સામે ગુનો નોંધ્યો હતો.
આ અંગે બનાસકાંઠા એલસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી કાનજી ચૌધરીને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેમાં ખાતરની હેરાફેરી કેટલા સમયથી થતી હતી તેની વિગતો મેળવાશે. જોકે, કેટલા સમયથી આ કૌભાંડ આચરવામાં આવતું હતું.
સબસીડીવાળુ ખાતર એગ્રો સેન્ટરમાંથી લાવી ઔદ્યોગિક એકમમાં કેટલા રૂપિયામાં વેચવામાં આવતું હતું. સહિતની માહિતી ફરાર થયેલા અને કૌભાંડમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવાયા બાદ જ સામે આવશે. જુના ડીસાના નાયબ ખેતી નિયામક વિસ્તરણ મયુર પટેલે જણાવ્યું હતુ કે, જુના ડીસાના જય ગોગા એગ્રોમાંથી સબસીડી વાળું ખાતર પાલનપુરના ગોડાઉનમાં લઈ જવાયું છે. આ ગોડાઉનના પ્રોપરાઇટર સોલંકી રતનસિંહ સામે ગુનો નોંધાયો છે. જેની સામે તપાસ બાદ કાર્યવાહી થશે.
ડીસાથી શખ્સો સબસિડીવાળું ખાતર ગોડાઉનમાં લાવ્યા હતા.
રિમાન્ડની પૂછપરછ દરમિયાન આરોપી કાનજી ચૌધરીએ પોલીસને જણાવ્યું હતું કે, ડીસાથી સબસીડીવાળુ ખાતર ગોડાઉનમાં લાવ્યા પછી તે બીજી થેલીઓમાં ભરીને ઔદ્યોગિક એકમને વેચવાનું હતું. જોકે, આ પ્રક્રિયા કરવામાં આવે તે પહેલા પોલીસે છાપો મારી ખાતર ઝડપી લીધું હતું.
આ પણ વાંચો : લોકો પરેશાન : ડીસાના જૂનાડીસા ગામે ટ્રાફિકની સમસ્યા માથાના દુ:ખાવા સમાન