સવારે ઉઠ્યા પછી પણ કલાકો સુધી સુસ્તી રહે છે? : આ ઉપાયોથી તમારો આખો દિવસ રહેશે તાજગી ભર્યો
શું તમે પણ સવારે આંખ નથી ખોલતા કે પછી ઉઠ્યા પછી પણ તમને દિવસભર ઊંઘ આવતી રહે છે? ઘણા એવા લોકો છે જેમને આ સમસ્યાનો સામનો કરવો પડે છે અને રાત્રે પૂરતી ઊંઘ લીધા પછી પણ તેઓ દિવસભર સુસ્તી અનુભવે છે અને તાજગી અનુભવતા નથી. જો તમારી સાથે પણ આવું જ કંઈક થાય છે, તો અહીં કેટલીક ટિપ્સ શેર કરવા જઈ રહ્યા છીએ, જેથી તમારી દરેક સવાર તાજી થઈ જાય.
આ પણ વાંચો : આઠ કલાકની સારી ઊંઘ માટે આ ખાસ 5 બાબતોનું રાખો ધ્યાન
મોટાભાગના લોકો સવારે ઉઠ્યા પછી પણ તાજગી અનુભવતા નથી. રાત્રે 7 થી 8 કલાકની ઉંઘ લેવા છતાં લોકોને દિવસભર ઉંઘ આવતી રહે છે. ઘણા લોકો એવા હોય છે જેઓ રાત્રે વહેલા સૂઈ જાય છે, પરંતુ તેઓ સવારે ઉઠવામાં ઘણો સમય લે છે અને ઉઠ્યા પછી પણ તેમને તાજગી નથી લાગતી. આખો દિવસ તાજગી અનુભવવા માટે અને ઊંઘમાંથી છૂટકારો મેળવવા માટે, આ લોકો ચા, કોફી અને સિગારેટનું ખૂબ સેવન કરે છે, જેની સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. જો તમારે પણ સવારે ઉઠ્યા પછી આ બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો આજે અહીં તમને આ સમસ્યાને દૂર કરવાના કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી દરરોજ સવારે ઉઠ્યા પછી તમે તાજગી અનુભવશો અને તમને ભરપૂર એનર્જી મળશે.
તાજગી માટે સારી ઊંઘ જરૂરી છે
જો તમે સવારે વહેલા અને ફ્રેશ થઈને જાગવા ઈચ્છો છો, તો તમારે રાત્રે સારી ઊંઘ લેવી જરૂરી છે આનો અર્થ એ છે કે દિવસ દરમિયાન ખોરાક ખાધા પછી કેફીનનું સેવન ન કરો. આ સિવાય દારૂ અને સીગરેટથી દૂર રહો. ઉપરાંત, એક નિશ્ચિત ઊંઘનો સમય નક્કી કરો અને તે જ સમયે સૂવાનો પ્રયાસ કરો.
શનિ-રવિમાં પણ વહેલા ઉઠો
જો તમારે દરરોજ વહેલા ઉઠવું હોય તો તેના માટે જરૂરી છે કે તમે તમારી સ્લીપ સાઈકલ ઠીક કરો. મોટા ભાગના લોકો વીકએન્ડમાં ખૂબ મોડા ઊઠે છે અને મોડે સુધી જાગે છે. વીકએન્ડમાં આવું કરવાથી આવનારા દિવસોની સ્લીપ સાઈકલ પણ બગડે છે. જેના કારણે તમે સવારે ઉઠ્યા પછી તાજગી અનુભવતા નથી, ખાસ કરીને વીકએન્ડ પછી ઓફિસ જતી વખતે મોટેભાગે આ સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં, તે મહત્વપૂર્ણ છે કે તમે સપ્તાહના અંતે પણ તમારી સ્લીપ સાઈકલને જાળવી રાખો.
એલાર્મ વાગે તે પહેલા ઉઠો
ઘણીવાર લોકો રાત્રે સૂતા પહેલા સવાર માટે એલાર્મ ફિક્સ કરી દે છે, પરંતુ સવારે એલાર્મ વાગ્યા પછી પણ સૂઈ રહે છે. આળસને કારણે તમે પથારીમાંથી ઉઠશો નહીં તો તેના કારણે તમને ખૂબ થાક લાગે છે. આવી સ્થિતિમાં, સવારે એલાર્મ વાગતાની સાથે જ તમે તરત જ ઉઠો તે જરૂરી છે.
સવારે ઉઠતાની સાથે જ પાણી પીવો
રાત્રે સૂવાથી અને શ્વાસ લેવાથી તમારા શરીરમાંથી ઘણા બધા પ્રવાહી નીકળી જાય છે, જેના કારણે સવારે તમારું શરીર ડીહાઈડ્રેડ થઈ જાય છે. આનાથી તમને સુસ્તી અને ઊંઘ આવવા લાગે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે તમે તમારી સવારની શરૂઆત પાણી પીવાથી કરો. જો તમારે સવારે ઉઠીને તાજગી અનુભવવી હોય તો પાણી એ એક સારો ઉપાય છે. નિષ્ણાતો કહે છે કે સવારે ઉઠતાની સાથે જ નવશેકું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
નિયમીત કસરત કરો
જો તમે સવારે ઉઠતાની સાથે જ વ્યાયામ કે પ્રાણાયામ કરો છો તો તમારું શરીર એકદમ તાજગી અનુભવે છે અને તમને આળસ આવતી નથી. તેથી દરરોજ ઊઠ્યાં બાદ આખો દિવસ તાજગી અનુભવવી હોય તો નિયમીત કસરત કરો.
સવારના નાસ્તામાં હેલ્થી વસ્તુઓ ખાઓ
તમારો આખો દિવસ એ તમે સવારે શું ખાઓ છો તેના પર નિર્ભર કરે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે તમે સવારે ઉઠો અને હેલ્ધી નાસ્તો કરો. તમે સવારે બદામ, તાજા ફળો, પૌવા, ઓટ્સ વગેરેનું સેવન કરી શકો છો. આના કારણે આખો દિવસ શરીરમાં એનર્જી જળવાઈ રહે છે અને તમે દિવસભર તાજગી અનુભવો છો.