ગુજરાત

ગાંધીના ગુજરાતમાં વિદ્યાર્થીઓ હેરાન, વિદ્યાપીઠની ફીમાં ધરખમ વધારો

  • વર્ષ-2022-23 મુજબ છાત્રાલયની વાર્ષિક ફી રૂ.12,000 નક્કી કરવામાં આવી
  • ગૂજરાત વિદ્યાપીઠમાં ફી વધારો કરવામાં આવ્યો
  • અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને અભ્યાસ 270 % મોંઘો પડશે

ગૂજરાત વિદ્યાપીઠના નવા સત્તાધીશોએ ગરીબ અને મધ્યમવર્ગના રાજ્યના અંતરિયાળ વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓના માથે 270 ટકા જેટલો ફી વધારો ઝિંકતાં ભારે આક્રોશ ફેલાયો છે. અંડર ગ્રેજ્યુએટ કોર્સીસની વાર્ષિક ફી રૂ.4,650 લેવામાં આવતી હતી જે વધારીને રૂ.14,000 કરવામાં આવી છે. જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસમાં રૂ.5,400 ફી લેવાતી હતી જે વધારીને રૂ.20,000 કરવામાં આવી છે.

આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાને પગલે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ 

ગૂજરાત વિદ્યાપીઠમાં ફી વધારો કરવામાં આવ્યો

ફી વધારાની સાથે સાથે આ વખતે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓના માથે રજીસ્ટ્રેશન ફીના નામે પણ વધુ રૂ.1 હજારનો બોજ નાંખવામાં આવ્યો છે. અત્યાર સુધી કોઈ રજીસ્ટ્રેશન ફી લેવામાં આવતી નહોતી. ફી વધારાના પગલે ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓમા રોષ ફેલાતા રજીસ્ટ્રાર અને કુલનાયકને 100થી વધુ ઈ-મેઈલ દ્વારા ફી વધારો પરત ખેંચવાની માગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં જુલાઈથી રેશનકાર્ડ ધારકોને મળશે આ ફાયદો 

અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને અભ્યાસ 270 % મોંઘો પડશે

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા તાજેતરમાં યુજી, પીજી, ડીપ્લોમા સહિતના કોર્સની ફીનું નવુ માળખુ જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી વિદ્યાપીઠ દ્વારા જે ફી માળખુ જાહેર કરવામાં આવતું હતું તેમાં તમામ કોર્સીસની વિવિધ હેડ અંતર્ગત લેવાતી ફીની વિગતો જાહેર કરવામાં આવતી હતી. સાથે સાથે છાત્રાલય સહિતની ફીની વિગતો પણ જાહેર કરવામાં આવતી હતી, જે વાર્ષિક ફી માળખુ જાહેર કરાતુ હતુ. પરંતુ આ વખતે વિદ્યાપીઠના સત્તાધીશોએ વિદ્યાર્થીઓને ગુમરાહ કરી શકાય તે માટે માત્ર 6 હેડ અંતર્ગત એકદમ શોર્ટમાં ફી માળખુ જાહેર કરવામાં આવ્યું. જેમાં યુજી, પીજી, પીજી ડીપ્લોમાં અને પીએચ.ડી એમ કુલ ચાર પ્રકારની સેમેસ્ટર દીઠ ફી જાહેર કરી છે. જેમાં યુજીની એક સેમેસ્ટરની ફી રૂ.7 હજાર, પીજીમાં 10 હજાર, પીજી ડીપ્લોમાની 6 હજાર અને પીએચ.ડીમાં 15 હજાર ફી જાહેર કરી છે. આ ફી માળખાને જૂની ફી સાથે સરખાવવામાં આવે તો અંદાજે 270 ટકાનો વધારો કરાયો છે.

આ પણ વાંચો: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઇને પોલીસનો એક્શન પ્લાન તૈયાર

વર્ષ-2022-23 મુજબ છાત્રાલયની વાર્ષિક ફી રૂ.12,000 નક્કી કરવામાં આવી

વર્ષ-2022-23 મુજબ છાત્રાલયની વાર્ષિક ફી રૂ.12,000 નક્કી કરવામાં આવી હતી. પરંતુ ભોજન બીલમાં વધારો થતાં બીજા સેમેસ્ટરમાં ફીમાં થોડો વધારો થતો હતો. પરંતુ બાદમાં વિદ્યાર્થીઓનું ભોજન બીલ ઓછુ આવે તો વધારાની ફી પરત કરવામાં આવતી હતી. પરંતુ નવા શૈક્ષણિક વર્ષમાં છાત્રાલયની ફીમાં પણ બેથી ત્રણ ગણો વધારો કરવાનુ નવા આવેલા સત્તાધીશો વિચારી રહ્યાં છે. જેને લઈ એવી ચર્ચા છે કે, છાત્રાલયના ફી વધારામાં એવો બચાવ કરાશે કે અમે સુવિધા વધારી છે અને છાત્રાલય ફરજિયાત નથી.

Back to top button