ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કુરુક્ષેત્ર બેઠક પર ભાજપ-AAPને વોટ બેંક તૂટવાનો ડર, નવીન જિંદાલ પર ઘેરાયું ભાજપ

  • પંજાબ અને હરિયાણાના ઘણાં ગામોમાં ખેડૂતોએ ભાજપ વિરુદ્ધ બહિષ્કારનું કર્યું આહ્વાન 

હરિયાણા, 18 મે: હરિયાણાની કુરુક્ષેત્ર લોકસભા બેઠક પર આ વખતે મુકાબલો રસપ્રદ બન્યો છે. ભાજપે અહીં નવીન જિંદાલ પર દાવ લગાવ્યો છે. જ્યારે કોંગ્રેસ અને AAPના સંયુક્ત ઉમેદવાર સુશીલ ગુપ્તા મેદાનમાં ઉતાર્યા છે. INLD તરફથી અભય સિંહ ચૌટાલા પોતે મેદાનમાં છે.  હરિયાણાની તમામ 10 લોકસભા બેઠકો માટે 25 મેના રોજ મતદાન થશે. 2019માં ભાજપે તમામ પર જીત હાંસલ કરી હતી. પંજાબ અને હરિયાણાના ઘણાં ગામોમાં ખેડૂતોએ ભાજપ વિરુદ્ધ બહિષ્કારનું આહ્વાન કર્યું છે. ભાજપના નેતાઓ અને ઉમેદવારો તેમના પ્રચાર દરમિયાન સૂત્રોચ્ચાર અને કાળા ઝંડાનો સામનો કરી રહ્યા છે.

કુરુક્ષેત્રના આ ચૂંટણી જંગમાં કોણ ઉતાર્યું છે?

કુરુક્ષેત્ર મતવિસ્તારમાં, ભાજપે જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડના ચેરમેન નવીન જિંદાલને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ બે વખત (2004, 2009) આ બેઠક પરથી કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે. જિંદાલ 2014ની ચૂંટણીમાં ભાજપ સામે હારી ગયા હતા અને 2019ની ચૂંટણી લડ્યા ન હતા. હરિયાણામાં સીટ-વહેંચણીના કરાર મુજબ, કોંગ્રેસ રાજ્યની કુલ 10 લોકસભા બેઠકોમાંથી 9 પર ચૂંટણી લડી રહી છે અને કુરુક્ષેત્ર બેઠક AAP માટે છોડી દીધી છે. આ વખતે, કુરુક્ષેત્રમાં વિપક્ષી પક્ષ સત્તા વિરોધી લહેર તેમજ ખેડૂત વિરોધીઓના વલણથી ઉત્સાહિત દેખાઈ રહ્યું છે. જો કે, વિપક્ષો એવી શક્યતાને લઈને પણ ચિંતિત છે કે, ખેડૂત મત AAP ઉમેદવાર સુશીલ ગુપ્તા અને ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના ઉમેદવાર અભય સિંહ ચૌટાલા વચ્ચે વહેંચાઈ શકે છે.

અહેવાલમાં ભાજપના સૂત્રોને ટાંકીને જણાવ્યા મુજબ, પાર્ટીના સર્વેક્ષણમાં સૌથી યોગ્ય ઉમેદવાર સાબિત થયા બાદ નવીન જિંદાલને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, પરંતુ વિપક્ષો દાવો કરી રહ્યા છે કે, તેઓ ચૂંટણી લડવામાં રસ ધરાવતા નથી. તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા તેના થોડા કલાકો બાદ જ તેમની ઉમેદવારીની જાહેરાત કરવામાં આવી હતી. કોલસા બ્લોક ફાળવણીના મામલાઓને લઈને નવીન જિંદાલ પર ભાજપના હુમલાનો ઉલ્લેખ કરતા હરિયાણા AAPના ઉપાધ્યક્ષ અનુરાગ ઢાંડએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “ભાજપે સ્પષ્ટ કરવું જોઈએ કે તેઓએ નવીન જિંદાલ માટે કઈ વોશિંગ મશીનનો ઉપયોગ કર્યો છે.”

AAP અને BJP બંનેને વોટ તૂટવાનો ડર

જ્યારે અભય ચૌટાલા AAP માટે ચિંતાનો વિષય છે, ત્યારે જનનાયક જનતા પાર્ટી (JJP)ના ઉમેદવાર પાલા રામ સૈની ભાજપની વોટ બેંકમાં ઘટાડો કરી શકે છે, ખાસ કરીને સૈની સમુદાય (OBC) કે જે આ મતવિસ્તારની વસ્તીનો લગભગ 8% હિસ્સો ધરાવે છે. માર્ચ 2024 સુધી, દુષ્યંત ચૌટાલાની આગેવાની હેઠળની જેજેપી રાજ્યમાં ભાજપની આગેવાની હેઠળની ગઠબંધન સરકારની મુખ્ય સાથી હતી પરંતુ ભાજપે અચાનક પાર્ટી સાથેના સંબંધો તોડી નાખ્યા અને મનોહર લાલ ખટ્ટરની જગ્યાએ સૈનીને મુખ્ય પ્રધાન બનાવ્યા.

AAP અને BJPની નજર કયા સમુદાયો પર ટકેલી છે?

નવીન જિંદાલ અને સુશીલ ગુપ્તા બંને બનિયા-અગ્રવાલ સમુદાયના છે, જે મતવિસ્તારની વસ્તીના 4.5% હોવા છતાં, અહીં ચૂંટણી પરિણામો નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ભાજપને OBC, પંજાબી અને બ્રાહ્મણ સમુદાયોમાંથી મોટી સંખ્યામાં મત મળવાની અપેક્ષા છે, જે મતવિસ્તારની વસ્તીના અનુક્રમે 24.5%, 6% અને 8% છે, જ્યારે કોંગ્રેસ-AAP ગઠબંધનને જાટ (14%), શીખ (10%) અને દલિતો (23.5%)માંથી મોટી સંખ્યામાં મત મળવાની આશા છે.

ખેડૂતો ભાજપથી નારાજ 

હરિયાણાનું કુરુક્ષેત્ર 2020-21થી ખેડૂતોના વિરોધનું કેન્દ્ર રહ્યું છે, જ્યારે ત્રણ કૃષિ કાયદાઓ સામે આંદોલન શરૂ થયું હતું. જે બાદ હવે ભાજપથી નારાજ વિસ્તારના ખેડૂતો લોકશાહી, બંધારણ અને સરમુખત્યારશાહીના વિપક્ષના નિવેદનને દોહરાવી રહ્યા છે.

આ પણ જુઓ: દિલ્હીમાં પ્રચાર વખતે કન્હૈયા કુમારને ફડાકો ઝીંકાયો, જુઓ વીડિયો

Back to top button