ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

મૃત્યુનો ડર! ઇઝરાયેલી ડ્રોન જોઈને હમાસના ચીફે આપી આવી પ્રતિક્રિયા; જૂઓ વીડિયો

  • ઈઝરાયેલના ડ્રોનને પોતાની તરફ આવતા જોઈને સિનવાર તેને ભગાડવાનો પ્રયાસ કરે છે

બેરૂત, 18 ઓકટોબર: ઈઝરાયેલે હમાસના નેતા યાહ્યા સિનવારની હત્યા કરી નાખી છે. ઈઝરાયેલી સેનાએ સિનવારને મારવાના ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ઈઝરાયેલના ડ્રોનને પોતાની તરફ આવતા જોઈને સિનવાર કેટલો ડરી જાય છે. સિનવાર પણ ડ્રોનને ભગાડવાનો પ્રયાસ કરે છે. મહત્ત્વપૂર્ણ છે કે, સિનવાર રફાહના તેલ સુલ્તાનમાં લડાઈ દરમિયાન માર્યો ગયો હતો. બિસ્લૈક બ્રિગેડની 828મી બટાલિયને એક બિલ્ડિંગ પાસે કેટલીક ગતિવિધિઓ જોયા બાદ આ ઓપરેશન હાથ ધર્યું હતું. સવારના દસ વાગ્યાની આસપાસ એક સૈનિકે આ વાત નોટિસ કરી હતી. તેણે તેની બટાલિયનને આની જાણ કરી અને ત્યારબાદ કાર્યવાહી શરૂ થઈ.

જૂઓ આ ડ્રોન વીડિયો

 

ઈઝરાયેલની સેના અને યાહ્યા સિનવાર વચ્ચે ગોળીબાર

IDF બટાલિયને ત્રણ માણસોને બિલ્ડિંગમાંથી બહાર આવતા જોયા. જેમાંથી એકની ઓળખ યાહ્યા સિનવાર તરીકે થઈ હતી. ઈઝરાયેલની સેનાના ગોળીબારમાં આ લોકો ઘાયલ થયા હતા. આ પછી સિનવાર અન્ય બે આતંકવાદીઓ સાથે અન્ય બિલ્ડિંગમાં જતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેના સાથીઓએ તેને કવર આપ્યું હતું. આ પછી IDF ટેન્ક અને સૈનિકોએ બંને બિલ્ડિંગ પર ગોળીબાર શરૂ કરી દીધો. ફાયરિંગ જોઈને સિનવાર બિલ્ડિંગના બીજા માળે ગયો. સૈનિકોનું એક ગ્રુપ તેની શોધમાં આગળ વધ્યું, પરંતુ સિનવારે અંદરથી ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધું.

આ પછી સિનવારની શોધ માટે ડ્રોન ઉડાડવામાં આવ્યા હતા. જ્યારે ડ્રોન બિલ્ડિંગની ટોચ પર પહોંચે છે ત્યારે સિનવાર ત્યાં બેઠેલો જોવા મળે છે. ડ્રોન જોઈને સિનવાર તેને નીચે લાવવા માંગે છે અને ડ્રોન પર લાકડી ફેંકે છે. આ પછી ટેન્કમાંથી ફાયરિંગ શરૂ થાય છે. પાછળથી શોધ દરમિયાન, સૈનિકોએ પુષ્ટિ કરી કે હુમલામાં માર્યા ગયેલા સિનવાર હતા. બાદમાં ફિંગરપ્રિન્ટ અને DNA એનાલિસિસ દ્વારા પણ તેની પુષ્ટિ થઈ હતી. ઇઝરાયેલી સૈન્યએ અહેવાલ આપ્યો છે કે, IDF અને ISAએ પાછલા વર્ષમાં ઘણા મિશન હાથ ધર્યા હતા. આ કામગીરીને કારણે સિનવારની હિલચાલ બંધ થઈ ગઈ અને આખરે તે માર્યો ગયો.

ડ્રોન ફૂટેજમાં શું જોવા મળે છે?

ઈઝરાયેલ સેના દ્વારા જાહેર કરવામાં આવેલા ડ્રોન ફૂટેજમાં જોવા મળે છે કે, સિનવારનો એક હાથ ખરાબ રીતે ઘાયલ છે. તેના માથા પર પરંપરાગત દુપટ્ટો બાંધવામાં આવ્યો છે. નિવેદન અનુસાર, સિનવાર પાસેથી એક બંદૂક અને 40 હજાર શેકલ્સ મળી આવ્યા છે. જો કે તેના કબજામાંથી કોઈ બંધક મળ્યા નથી.

સિનવારની હત્યાના અહેવાલ પર, ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, ઇઝરાયલે તે વ્યક્તિ સાથે પોતાનો સ્કોર સેટ કર્યો છે જેણે ‘હોલોકોસ્ટ’ પછી અમારા લોકોના ઇતિહાસમાં સૌથી ખરાબ નરસંહાર કર્યો હતો. નેતન્યાહુએ કહ્યું કે, હમાસના નેતા યાહ્યા સિનવારની હત્યા ગાઝામાં બંધકોને પરત કરવાના યુદ્ધમાં મહત્ત્વની ક્ષણ હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, જે કોઈ શસ્ત્રો સમર્પણ કરે છે અને બંધકોને પરત કરવામાં મદદ કરે છે તેને ગાઝામાંથી સુરક્ષિત રીતે જવા દેવામાં આવશે. અમારું યુદ્ધ હજી પૂરું થયું નથી.

Back to top button