ગુજરાતના ઝાલાવાડ વિસ્તારમાં 40 હજાર હેક્ટરથી વધુમાં પાક નિષ્ફળ જવાની ભીતિ છે. જેમાં વરિયાળીનો પાક નિષ્ફળ જવાની શક્યતા છે. તથા કપાસ,એરંડા,ઘઉંના પાકને પણ નુકસાન થયું છે. તેમજ ચોટીલા, દસાડા, મુળી, લખતર, લીંબડી અને વઢવાણ તાલુકામાં મોડી સાંજે માવઠું પડ્યું છે. તેમાં વરસાદને લીધે વરિયાળી કાળી પડી જતા તથા કપાસ પલળી જતા હવે પુરતા ભાવ મળશે નહીં.
આ પણ વાંચો: ગુજરાત: ખાલિસ્તાઓની ક્લિપના ધમકીભર્યા મેસેજ મોકલવાના કાવતરામાં થયા ખુલાસા
અમારે મજુરી ખર્ચ પણ વધુ ચુકવવો પડશે
ઝાલાવાડમાં સપ્તાહ પૂર્વે આવેલા વરસાદે થોડી ઘણી ખેતી પાકોને નુકશાની કરી હતી. ત્યારે જળબંબાકાર વરસાદે કસર પુરી કરી નાંખી છે. જિલ્લાના વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો અને વરસાદ ગાજવીજ સાથે શરૂ થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાની મામલતદાર કચેરીઓમાં નોંધાયેલ વરસાદ પર નજર કરીએ તો સૌથી વધુ વરસાદ ચોટીલા તાલુકામાં 7 મીમી, વઢવાણ તાલુકામાં 6 મીમી નોંધાયો છે. આ અંગે ખેડૂતોએ જણાવ્યુ કે, અમારે કપાસની છેલ્લી વીણી લેવાની બાકી હતી. સામાન્ય રીતે ખેત મજુર એક કલાકમાં 4થી 5 મણ કપાસ વીણી લે છે. પરંતુ હવે વરસાદ આવતા આ વીણી કલાકમાં દોઢથી 2 મણ જ લઈ શકાશે. જેને લીધે અમારે મજુરી ખર્ચ પણ વધુ ચુકવવો પડશે.
આ પણ વાંચો: ગુજરાત: એપ્લિકેશન ડાઉનલોડ કરાવી કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારા પકડાયા
વીજ પુરવઠો ખોરવાયો હોવાથી લોકો ત્રાહિમામ બન્યા
વિરમગામ પંથકમાં વાવાઝોડું ફૂંકાયું હતું અને આકાશી કડાકા ભડાકા સાથે માવઠું વરસ્યું હતુ. ભર ઉનાળે હવામાન પલટાથી ખેડૂતો સહિત વેપારી આલમમાં ચિંતાનું મોજુ પ્રસરી જવા પામ્યુ હતુ. એરંડા, જીરું, ઘઉં, કપાસ સહિતના પાકોમા નુકશાન થવાથી જગતનો તાત વ્યથિત બન્યા હતા. હવામાનમાં આવેલા પલટાથી એપીએમસીમાં વેપારીઓએ ખરીદેલા કપાસનો જથ્થો પલળતા વેપારીઓમાં દોડધામ શરૂ થઈ હતી. નળસરોવર સહિત નળકાંઠા વિસ્તારમાં પણ કમૌસમી વરસાદ થયો હતો. હવામાન પલટાતા લાઈટો ડૂલ થઈ ગઈ હતી. એક કલાકથી વધુ સમય લાઈટ ડૂલ રહી તેમજ આવજા થતા બોર્ડની પરીક્ષા આપી રહેલા ધો. 12ના વિદ્યાર્થીઓને હાલાકી વચ્ચે પરીક્ષા આપવી પડી હતી. બીજી તરફ્ ઘણાં વિસ્તારોમાં મોડી રાત સુધી વીજ પુરવઠો ખોરવાયો હોવાથી લોકો ત્રાહિમામ બન્યા હતા.