ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં ટેકાના ભાવે બાજરી ખરીદીમાં મોટું કૌભાંડની આશંકા

  • ખેડૂતોના નામે વેપારીઓ બાજરી ભરાવી રહ્યા છે

બનાસકાંઠા 10 જુલાઈ 2024 : ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે બાજરી ખરીદીમાં મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે. ખેડૂતોના નામે વેપારીઓ માર્કેટયાર્ડ માંથી તેમજ રાજસ્થાનથી મંગાવીને ટેકાના ભાવે બાજરી ભરાવી રહ્યા છે. આ કૌભાંડમાં ડીસા એપીએમસીના કેટલાક ડિરેક્ટરો પણ સંડોવાયેલા હોવાની શંકા છે.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુથી ટેકાના ભાવો જાહેર કરવામાં આવે છે. જે મુજબ સરકાર દ્વારા બાજરીમાં પ્રતિમણ ₹560 ટેકાનો ભાવ જાહેર કરેલો છે. જેની ખરીદી ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવી રહી છે. જોકે હાલમાં માર્કેટયાર્ડડોમાં બાજરીનો ભાવ 425 થી લઈને 460 સુધીનો હોવાથી ટેકાના ભાવમાં ખેડૂતોને સારું એવું વળતર મળી રહ્યું છે. જોકે તેનો લાભ લઈ કેટલાક વેપારીઓ અને આગેવાનોને ખેડૂતોના નામે કમાવાની તક મળી હોય તેમ માર્કેટ યાર્ડ માંથી બાજરી ખરીદી ખેડૂતોના નામે ટેકાના ભાવે ભરાવી રહ્યા છે.
આજે ડીસા માર્કેટયાર્ડ માંથી બાજરી ભરીને ડીસા જીઆઇડીસીમાં આવેલા પુરવઠા નિગમના ગોડાઉનમાં પહોંચેલા ટ્રેક્ટરને ઝડપી લેવામાં આવ્યું હતું. ટ્રેક્ટર ચાલકની પૂછપરછ કરતાં તે દામા ગામનો હિતેશ હોવાનું તેમજ ટ્રેક્ટરમાં બાજરી માર્કેટ યાર્ડ માંથી ભરીને આવ્યો હોવાનું જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસા માર્કેટ યાર્ડ માંથી રોજેરોજ બજારમાંથી બાજરી ખરીદીને પુરવઠા ગોડાઉનમાં ટેકાના ભાવે ભરાવવામાં આવે છે.જેમાં ડીસા માર્કેટ યાર્ડના કેટલાક ડિરેક્ટરોનો હાથ હોવાની પૂરેપૂરી શંકા છે. આ બાબતે ડીસા પુરવઠા ગોડાઉન મેનેજરે જણાવ્યું હતું કે, ‘અહીં નોંધણી કરાયેલા ખેડૂતોનો જ માલ લેવામાં આવે છે. અત્યાર સુધી 300 ઉપરાંત ખેડૂતોની ₹50,000 થી વધુ બોરી બાજરીની ખરીદી કરવામાં આવી છે.’

વાવેતર નહીવત પણ બાજરીનો ભંડાર

ડીસા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને બાજરીના વાવેતરમાં અન્ય વાવેતર કરતાં ખૂબ જ ઓછું વળતર મળતું હોવાથી ખેડૂતો પોતાની જરૂરિયાત પૂરતી તેમજ ઘાસચારા પૂરતી જ બાજરી વાવે છે. ડીસા તાલુકામાં ચાલુ વર્ષે માંડ 2000 હેક્ટર જમીનમાં ઉનાળુ બાજરીનું વાવેતર થયું હશે. પરંતુ પુરવઠા ગોડાઉનમાં ટેકાના ભાવે બાજરીના ભંડાર ભરી આવી રહ્યા છે. જે કૌભાંડ થતું હોવાની વાતની સાબિતી પૂરે છે.

આ પણ વાંચો : અમદાવાદઃ 150 થી વધુ ઝુપડાવાસીઓનાં ઝુંપડા તોડી બેઘર કરવા મુદ્દે કોંગ્રેસે AMC ડેપ્યુટી મ્યું. કમિશનરને રજૂઆત કરી

Back to top button