નવી દિલ્હી, 30 મે : ભારતમાં 2023-24માં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) ઇક્વિટી પ્રવાહ 3.49 ટકા ઘટીને US$ 44.42 બિલિયન થયો છે તેમ સરકારી આંકડાઓ જણાવી રહ્યા છે. આનું કારણ સેવાઓ, કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર, ટેલિકોમ, ઓટો અને ફાર્મા જેવા ક્ષેત્રોમાં ઓછું રોકાણ છે. 2022-23 દરમિયાન FDIનો પ્રવાહ US$ 46.03 બિલિયન હતો. જો કે ડેટા અનુસાર નાણાકીય વર્ષ 2023-24માં જાન્યુઆરીથી માર્ચ વચ્ચે FDI ના પ્રવાહમાં 33.4 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન, 12.38 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું, એક વર્ષ પહેલા સમાન સમયગાળામાં આ આંકડો $ 9.28 અબજ હતો.
ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) ના ડેટા દર્શાવે છે કે ઈક્વિટી ઈન્ફ્લો, પુનઃરોકાણ કરેલી આવક અને અન્ય મૂડી સહિત – 2023-24 દરમિયાન એક ટકા ઘટીને USD 70.95 બિલિયન થઈ છે, જ્યારે 2022-23માં તે US$71.35 બિલિયન હતું.
વર્ષ 2021-22માં દેશને અત્યાર સુધીનું સૌથી વધુ 84.83 બિલિયન યુએસ ડોલરનું ડાયરેક્ટ ફોરેન ઈન્વેસ્ટમેન્ટ (FDI) મળ્યું હતું. પાછલા નાણાકીય વર્ષ દરમિયાન, મોરેશિયસ, સિંગાપોર, યુએસ, યુકે, યુએઈ, કેમેન ટાપુઓ, જર્મની અને સાયપ્રસ સહિતના મોટા દેશોમાંથી ભારતમાં એફડીઆઈના પ્રવાહમાં ઘટાડો થયો હતો, જ્યારે નેધરલેન્ડ અને જાપાનમાંથી નાણાપ્રવાહમાં વધારો થયો હતો.
સેક્ટર મુજબનું મૂલ્યાંકન દર્શાવે છે કે સર્વિસ સેક્ટર, કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર, ટ્રેડિંગ, ટેલિકોમ્યુનિકેશન, ઓટોમોબાઈલ, ફાર્મા અને કેમિકલ સેક્ટરને લગતા વ્યવસાયોમાં વિદેશી રોકાણનો પ્રવાહ ઘટ્યો છે. તેનાથી વિપરીત, બાંધકામ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) પ્રવૃત્તિઓ, વિકાસ અને પાવર સેક્ટરોએ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન પ્રવાહમાં તંદુરસ્ત વૃદ્ધિ દર્શાવી હતી. 2022-23 દરમિયાન ભારતમાં FDI ઇક્વિટી પ્રવાહમાં 22 ટકાનો ઘટાડો થયો હતો.