ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

પેલેસ્ટિનિયન મૂળના ત્રણ યુવકો પર અમેરિકામાં ગોળીબાર, FBI કરી શકે છે તપાસ

Text To Speech
  • ઈઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે બર્લિંગ્ટનમાં પેલેસ્ટિનિયન યુવકો પર જીવલેણ હુમલો
  • નફરતથી પ્રેરિત હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા : સ્થાનિક પોલીસ

અમેરિકા, 27 નવેમ્બર : અમેરિકાના બર્લિંગ્ટનમાં પેલેસ્ટિનિયન મૂળના ત્રણ યુવકો પર શનિવારે હુમલો થતાં ત્રણેય ઘાયલ થયાં છે. પોલીસનું કહેવું છે કે, તે હેટ ક્રાઈમ હોઈ શકે છે. ત્રણેય યુવકો હાલ હોસ્પિટલમાં દાખલ છે. એક ઘાયલની હાલત અત્યંત નાજુક છે. આ અંગે પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીની શોધ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિનાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં 14,000થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે.

યુવાનોએ પેલેસ્ટાઈન તરફી સ્કાર્ફ પહેર્યા હતા

બર્લિંગ્ટન પોલીસ વડા જ્હોન મુરાદે જણાવ્યું હતું કે, શનિવારે સાંજે યુનિવર્સિટી ઓફ વર્મોન્ટ નજીક થેંક્સગિવીંગ હોલિડે સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પેલેસ્ટિનિયન મૂળના ત્રણ યુવકો પણ અહીં આવ્યા હતા. સાંજે 6.25 કલાકે એક અમેરિકન વ્યક્તિએ યુનિવર્સિટી કેમ્પસ પાસે પોતાની બંદૂકથી તે યુવકોને ગોળી મારી દીધી હતી. આરોપીઓએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કર્યા બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. મુરાદના કહેવા મુજબ ત્રણેય યુવકોની ઉંમર વીસ વર્ષની છે. પીડિતોમાંથી બેએ કાળા અને સફેદ પેલેસ્ટિનિયન કેફિયેહ સ્કાર્ફ પહેર્યા હતા. ત્રણેયની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એકની હાલત ગંભીર છે. હાલમાં આ સિવાય બીજી કોઈ માહિતી નથી.

FBI પણ તપાસ કરી શકે છે

પોલીસ વડાએ વધુમાં કહ્યું કે, “અમે પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ નફરત પર આધારિત હુમલો હોવાનું જણાય છે. અમે ફેડરલ એજન્સીઓના સંપર્કમાં છીએ. કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની શોધખોળ ચાલી રહી છે. એફબીઆઈનું કહેવું છે કે તેને હુમલા અંગે માહિતી મળી છે. જો હુમલો નફરતથી પ્રેરિત હતો તો અમે મામલાની તપાસ કરીશું.” તે જ સમયે, વ્હાઇટ હાઉસે કહ્યું કે, “તેઓએ રાષ્ટ્રપતિ જો બિડેનને હુમલા અંગે જાણ કરી છે.”

આ પણ જાણો :ચીનમાં નવા વાયરસ બાદ ભારતમાં એલર્ટ, હોસ્પિટલોને સજ્જ રહેવા આપ્યા નિર્દેશ

Back to top button