માતા કમાતી હોય તો પણ બાળકોના ઉછેર માટે પૈસા આપવા એ પિતાની જવાબદારી: હાઇકોર્ટ
- કોર્ટમાં પિતાએ દલીલ કરી કે, તેની પાસે તેના સગીર બાળકોના ભરણ-પોષણ માટે પૂરતી આવક નથી
શ્રીનગર, 7 ઑગસ્ટ: જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે તાજેતરમાં જ એક અરજી પર સુનાવણી હાથ ધરી હતી. આ સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, “બાળકોની સાર-સંભાળ રાખવાની જવાબદારી પિતાની છે. માતા કામ કરતી હોય અને કમાતી હોય તો પણ તેના નાના બાળકોની સંભાળ રાખવાની જવાબદારી પિતાની છે.” જસ્ટિસ સંજય ધરે સુનાવણી દરમિયાન કહ્યું કે, “માતા ભલે કામ કરતી હોય, પરંતુ પિતા પોતાના બાળકોના ભરણપોષણની જવાબદારીમાંથી મુક્ત થઈ શકતો નથી.” કોર્ટમાં એક વ્યક્તિએ દલીલ કરી હતી કે, “તેની પાસે તેના સગીર બાળકોના ભારણ-પોષણ માટે પૂરતી આવક નથી.” તે વ્યક્તિએ એવી પણ દલીલ કરી હતી કે, “તેની અલગ પડી ગયેલી પત્ની (અને તેના બાળકોની માતા) કામ કરતી સ્ત્રી છે જેની પાસે બાળકોની સંભાળ રાખવા માટે પૂરતી આવક છે. જો કે કોર્ટે આ દલીલ ફગાવી દીધી હતી.
પિતા હોવાને કારણે અરજદારને આ જવાબદારીમાંથી મુક્ત મળતી નથી: HC
કોર્ટે કહ્યું કે, “નાના બાળકોના પિતા હોવાને કારણે તેમનું ભરણ-પોષણ કરવું એ પિતાની કાયદાકીય અને નૈતિક જવાબદારી છે. એ વાત સાચી છે કે બાળકોની માતા કામ કરતી મહિલા છે અને તેની પાસે આવકનો સ્ત્રોત છે, પરંતુ તેનાથી પિતા હોવાને કારણે અરજદારને તેમના બાળકોના ભરણપોષણની જવાબદારીમાંથી મુક્ત મળતી નથી તેથી આ દલીલ પાયાવિહોણી છે.” અરજદાર વ્યક્તિએ તેના ત્રણ બાળકો માટે ભરણપોષણ તરીકે 4,500 રૂપિયા ચૂકવવાના મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને પડકાર્યો હતો. સેશન્સ કોર્ટ દ્વારા ભરણપોષણ ચૂકવવાના આદેશને પડકારવામાં આવ્યા બાદ આ વ્યક્તિએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
આ વ્યક્તિએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે, તેની માસિક આવક માત્ર 12,000 રૂપિયા છે અને તેના માટે તેના બાળકોના ભરણપોષણ તરીકે 13,500 રૂપિયા આપવાનું શક્ય નથી. તેણે કહ્યું કે, તેણે તેના બીમાર માતા-પિતાને પણ સપોર્ટ કરવો પડશે. તેણે વધુમાં દલીલ કરી હતી કે, બાળકોની માતા સરકારી શિક્ષિકા હતી જેને સારો પગાર મળતો હતો. આવી સ્થિતિમાં બાળકોના ભરણપોષણની જવાબદારી તેના એકલા પર ન મૂકી શકાય. જો કે, તેણે ટ્રાયલ કોર્ટ સમક્ષ એવો કોઈ પુરાવો રજૂ કર્યો ન હતો કે તે દર્શાવે કે વ્યક્તિ દર મહિને માત્ર 12,000 રૂપિયા કમાય છે. બીજી તરફ, કોર્ટે કહ્યું કે, તે સ્પષ્ટ છે કે વ્યક્તિ એક લાયક એન્જિનિયર છે જેણે અગાઉ વિદેશમાં કામ કર્યું હતું.
આ પણ જૂઓ: Paytm બાદ આ કમ્પ્યૂટર કંપનીએ કરી 12,500 કર્મચારીઓની છટણી